ખોડો : ચામડીના કોઈ રોગ કે વિકાર વગર માથાની ચામડીના ઉપલા પડની ફોતરીઓ ઊખડવી તે. તેથી તેને શાસ્ત્રીય રીતે શીર્ષસ્થ ફોતરીકારિતા (pityriasis capitis) કહે છે. અંગ્રેજીમાં તેને dandruff કહે છે. ચામડીની ઊખડેલી ફોતરીઓ કોરી હોય છે અથવા તે ચામડીના તૈલી પદાર્થ ત્વક્તેલ (sebum) સાથે ચોંટી જાય છે.
ખોડો કોઈ રોગ નથી પરંતુ તે એક સામાન્ય દેહધાર્મિક (physiological) સ્થિતિ છે જેના સૌંદર્યલક્ષી પરિમાણને કારણે તે એક વિકાર કે રોગ જેવું સ્થાન પામે છે. સમયાંતરે શરીરના દરેક ભાગની ચામડીનું ઉપલું પડ (શૃંગીસ્તર) ફોતરી વળીને ઊખડી જાય છે અને તેને સ્થાને નવું પડ આવે છે. સતત ઘર્ષણને કારણે શૃંગીસ્તર- (horny layer)માં ફોતરીઓ વળે છે. જો ચામડીના કોઈ ભાગને ઢાંકી રાખવામાં આવે તો ત્યાં થોડા સમયમાં ત્વક્તેલવાળી ચીકણી ફોતરીઓ એકઠી થાય છે. માથામાં વાળનો જથ્થો આવી જ રીતે ચીકણી ફોતરીઓને જમા થવા દે છે. સામાન્ય રીતે 5 વર્ષથી નીચેનાં બાળકોમાં તે થતો નથી; 5થી 10 વર્ષની વયે તેની શરૂઆત થાય છે ત્યારે સૂકી ફોતરીઓ વળે છે. 10થી 20 વર્ષના વયજૂથમાં તેનું પ્રમાણ વધે છે. તે 50 % યુવાનોમાં જોવા મળે છે. યુવાવયે ચીકણી ફોતરીઓ થાય છે. 20 વર્ષથી વધુ વયની 30 % વ્યક્તિઓમાં તે જોવા મળે છે. કદાચ જનીની (genetic) પરિબળો અને યુવાનવયે એન્ડ્રોજન જૂથના અંત:સ્રાવોના વધતા પ્રમાણને કારણે તે થાય છે. ખોડો થયો હોય એવી વ્યક્તિના માથામાં પિટાયોસ્પોરોન ઑવેલ અને પિ. ઑર્બિક્યુલારે પ્રકારના જીવાણુ (bacteria) જોવા મળે છે. તે પણ કદાચ ખોડો કરવામાં કારણભૂત હોઈ શકે. ખોડાનો વિકાર ચેપી કે વારસાગત નથી.
લક્ષણો : નાની, ચાંદી (silver) જેવી ચળકતી ફોતરી સૌપ્રથમ માથાના મધ્ય ભાગ (મૂર્ધન્ય, vertex) પર થાય છે અને ત્યાર બાદ બંને બાજુએ પણ જોવા મળે છે. ક્યારેક તે બંને બાજુએ એકસરખા વિસ્તારોમાં અથવા આખા માથામાં થાય છે. પુરુષોને તાલ પડી હોય ત્યાં ખોડો થતો નથી. ફોતરીઓ ચોંટેલી રહે છે અને વાળમાં બ્રશ કે કાંસકો ફેરવવાથી છૂટી પડે છે. ક્યારેક છૂટી પડેલી ફોતરીઓ વાળ પર ચોંટે છે અને પછીથી તે પહેરેલાં કપડાં પર ખરી પડે છે. 20 વર્ષ પછી ઉંમર વધે તેમ તેનું પ્રમાણ ઘટે છે.
જે વ્યક્તિઓને ખોડો થતો હોય અને જેમનામાં અતિતેલસ્રાવિતા(seborrhoea)ને કારણે વધુ પડતું ત્વક્તેલ ઝરવાથી ચામડી ચીકણી થતી હોય તેમને ક્યારેક શોથ (inflammation) થાય છે. ચામડીમાંથી શોથને કારણે વધુ પડતું તૈલી દ્રવ્ય ઝરતું હોય તો તેને તૈલસ્રાવી ત્વચાશોથ (seborrheic dermatitis) અથવા તૈલમયી ફોતરીકારિતા (pityriasis steatoides) કહે છે.
સારવાર : સારવારની શરૂઆતમાં 10 દિવસ માટે મોઢા વાટે કીટોકોનેઝોલ જેવી ફૂગનાશક દવા અપાય છે. ત્યાર બાદ લાંબા ગાળા માટે કૉર્ટિકોસ્ટીરૉઇડ અને ફૂગનાશક દવાનો લેપ કરવામાં આવે છે. અઠવાડિયામાં 3 વખત સેલેનિયમ સલ્ફાઇડના શૅમ્પૂ વડે વાળ ધોવાનું સૂચવાય છે. માથાની ચામડીનું સ્વાસ્થ્ય જાળવી રાખવાથી ખોડાની તકલીફમાં રાહત રહે છે.
દીપા ભટ્ટ
શિલીન નં. શુક્લ