ખૂંધ : કરોડસ્તંભની ગોઠવણીમાં ઉદભવતો વિષમ (abnormal) વળાંક. કરોડસ્તંભ સીધો દંડ જેવો નથી. તે ગળા અને કમરના ભાગમાં અંદરની તરફ અને પીઠના ભાગમાં બહારની તરફ વળાંકવાળો હોય છે. આ વળાંક અવિષમ (normal) છે અને તે કરોડસ્તંભને સ્થિતિસ્થાપકતા આપે છે. કરોડસ્તંભ કોઈ એક બાજુ વળેલો હોતો નથી. જ્યારે તે ડાબી કે જમણી તરફ વળે ત્યારે તેને પાર્શ્વખૂંધ (scoliosis) કહે છે અને જ્યારે પીઠના ભાગનો કરોડસ્તંભ પાછળની બાજુએ વધુ પડતો વળીને મોટો ઢેકો કરે ત્યારે તેને પશ્ચખૂંધ (kyphosis) કહે છે. પશ્ચખૂંધને ખૂંધ પણ કહે છે. ક્યારેક એક જ મણકો દબાઈને પાછળ નાનો ઢેકો (knuckle) અથવા 3 કે વધુ મણકા વડે મોટો ઢેકો (giffus) થાય છે. ક્યારેક પશ્ચખૂંધ અને પાર્શ્વખૂંધ પણ એકસાથે હોય છે. તેને પશ્ચ-પાર્શ્વખૂંધ (kyphoscoliosis) કહે છે.
પાર્શ્વખૂંધ (scoliosis) : તે 2 પ્રકારની છે – સંરચનાલક્ષી (structural) અને બિન-સંરચનાલક્ષી. સંરચનાલક્ષી પાર્શ્વખૂંધમાં કરોડના મણકા બંને બાજુએથી સરખા હોતા નથી અને ચોંટેલા હોય છે. બિન-સંરચનાલક્ષી પાર્શ્વખૂંધમાં કરોડના મણકા મુક્ત અને બંને બાજુએથી સરખા હોય છે. તેને કારણે જ્યારે દર્દી આગળ તરફ વળે છે ત્યારે તેની બિન-સંરચનાલક્ષી પાર્શ્વખૂંધ અર્દશ્ય થાય છે; પરંતુ સંરચનાલક્ષી પાર્શ્વખૂંધના દર્દીમાં તે અવસ્થામાં પણ તે જોવા મળે છે. સામાન્યત: બિન-સંરચનાલક્ષી પાર્શ્વખૂંધ માટે કોઈ સારવારની જરૂર હોતી નથી.
75 %થી 80 % દર્દીમાં પાર્શ્વખૂંધનું કારણ જાણી શકાતું નથી. અન્ય દર્દીઓમાં હાડકાની જન્મજાત વિકૃતિઓ, કરોડના સાંધાનો વિકાર, વ્યાપક ચેતાતંતુ-અર્બુદતા (neurofibromatosis), ચેતામૂળનું દબાણ, કરોડરજ્જુની ગાંઠ વગેરે કારણો જોવા મળે છે. નિદાન માટે શારીરિક તપાસ તથા એક્સ-રે-ચિત્રણો ઉપયોગી રહે છે. મૂળ કારણના પ્રકારને આધારે પાર્શ્વખૂંધનો વિકાસ તથા તેની સારવાર થાય છે. દર્દી પુખ્તવયે સીધા અને સ્થિર કરોડસ્તંભ સાથે જીવી શકે અને તે માટે પાર્શ્વખૂંધ થતી અટકે અથવા તે થઈ હોય તો મટે એવું જોવામાં આવે છે. વળી તેને કારણે હૃદય કે ફેફસાંની કામગીરી પર અવળી અસર ન થાય તેવું કરાય છે. દર્દી સાથે ખુલ્લા મને બધી જ વાત કરવી સલાહપૂર્ણ ગણાય છે. પીઠના કરોડસ્તંભના ઉપલા ભાગમાં થતી પાર્શ્વખૂંધ વધુ તીવ્ર હોય છે અને તેને માટે શસ્ત્રક્રિયા જરૂરી હોય છે. પીઠ પર પહેરવાના પટ્ટા વડે કે ખેંચાણ કરીને પણ સારવાર કરાય છે. પીઠના પટ્ટા કે ખેંચાણ અથવા કર્ષણ (traction) માટે વિવિધ ઉપકરણો અને પદ્ધતિઓ ઉપલબ્ધ છે; જેમ કે, ટર્નબકલ રાઇઝર કાસ્ટ, લોકલાઇઝર કાસ્ટ, મિલ્વૌકી બ્રેસ, મૉક ટૅકનિક, હેલો ટ્રૅક્શન, સ્પાઇનલ ફ્યૂઝન, હેરિંગ્ટન રોડ, ઇ. લ્યુક રોડ, ઝિલ્ક ટૅકનિક વગેરે.
પશ્ચખૂંધ (kyphosis) : વિવિધ કારણોસર પશ્ચખૂંધ થાય છે. ક્યારેક તેનું કારણ જાણી શકાતું નથી. વિવિધ વૈજ્ઞાનિક માન્યતાઓ અને અભ્યાસોમાં અંત:સ્રાવી વિકારો (endocrine disorders), વારસાગત કે જન્મજાત વિકારોને કારણરૂપ ગણવામાં આવ્યા છે. અપોષણ, અસ્થિછિદ્રલતા (osteoporosis), કરોડના મણકાનો અસ્થિભંગ (fracture) થવો કે ક્ષય રોગ થવો, યુવાનવયે અસ્થિઅલ્પતા (osteopenia) થવી વગેરે કારણો પણ ખૂંધ કરે છે. એન્કાયલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ, સૂકતાન (rickets), અસ્થિમૃદુતા (osteomalacia), વિષમ અતિકાયતા (acromegaly), પેજેટનો રોગ વગેરે વિવિધ રોગોમાં ખૂંધ થાય છે. બાળકોની વૃદ્ધિસમયે ખોટી રીતે ઊભા રહેવાની ટેવને કારણે ખૂંધ થાય છે. તેવી જ રીતે ભારે વજન ઊંચકતા કૂલીઓ કે ખોટી રીતે બેસતા મોચીઓમાં પણ તે જોવા મળે છે. કૂલીઓ અને મોચીઓમાં મણકાનો અધિદંડશોથ (vertebral epiphysitis) થાય છે અને તેથી ખૂંધ ઉદભવે છે.
ખૂંધ થવાને કરાણે પીઠના મધ્ય કે નીચલા કરોડસ્તંભમાં કોણીકરણ (angulation) અથવા ઢેકો (hump) થાય છે. તેમના પગના હેમસ્ટ્રિંગ કે ખભાના પેક્ટોરલ સ્નાયુઓ તંગ હોય છે. મોચીઓ અને કૂલીઓમાં થતા વર્ટેબ્રલ ઍપિફાયટિસ, એન્કાયલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ, વૃદ્ધાવસ્થાની ખૂંધ અને પેજેટના રોગમાં થતી ખૂંધમાં કરોડસ્તંભનો અસરગ્રસ્ત ભાગ હલનચલન કરી શકતો નથી. મણકાનો ક્ષય કે અન્ય પ્રકારનો ચેપ તથા અસ્થિભંગ કોણકારી (angular) ખૂંધ કરે છે.
મૂળ કારણની સારવાર કરાય છે. મિલ્વૉકી બ્રેસનો ઉપયોગ તથા કસરત પણ ઉપયોગી રહે છે. વૃદ્ધિકાળ પત્યા પછી દુખાવો કે ચેતાવિકારો હોય તો તે દૂર કરવા શસ્ત્રક્રિયા કરાય છે. તેમાં કરોડના મણકાને આગળ કે પાછળથી જોડી દેવાની શસ્ત્રક્રિયા કરાય છે. તે માટે હૅમિન્ગ્ટન દાબ અને અસ્થિનિરોપ (bone graft) ઉપયોગી રહે છે.
ભાર્ગવ ભટ્ટ
શિલીન નં. શુક્લ