ખૂંટિયોં પર ટંગે લોગ (1982) : હિન્દી કાવ્યસંગ્રહ. હિન્દીના પ્રસિદ્ધ આધુનિક કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાના 1976-1981નાં વર્ષોમાં લખાયેલાં 55 કાવ્યોના આ સંગ્રહને 1982ના હિન્દીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયો હતો.

1960 પછીના કવિઓમાં સર્વેશ્વર દયાલનું સ્થાન મોખરે છે અને વિષય અને નિરૂપણની ર્દષ્ટિએ એ સતત અવનવા સફળ પ્રયોગો કરતા આવ્યા છે. આ પુરસ્કૃત સંગ્રહમાં આધુનિક યુગના માનવીનાં વિવિધ ચિત્રો આપ્યાં છે. એનાં કેટલાંક કાવ્યોનાં શીર્ષકો પણ ધ્યાન ખેંચે એવાં છે; જેમ કે, ‘જૂતા’; તેને વિશે ચાર કાવ્યો ‘જૂતા-1’, ‘જૂતા-2’, ‘જૂતા-3’ તથા ‘જૂતા-4’ લખ્યાં છે. દરેક કાવ્યમાં ‘જૂતા’ના રૂપકને જુદી જુદી રીતે ઘટાવ્યું છે. તેવી જ રીતે ‘નદી-1’, ‘નદી-2’ તથા ‘નદી-3’માં પણ નદીનાં ત્રણ ભિન્ન ભિન્ન રૂપો આલેખ્યાં છે. ‘ખૂંટિયોં પર ટંગે લોગ’ એ નામની કોઈ કવિતા નથી, પણ સંગ્રહનું નામ એ માટે આપ્યું છે કે આજનો માનવી ખીંટી પર ટંગાયેલો છે, અધ્ધર. એ કોઈ ભોમને સ્પર્શતો નથી. એ હવામાં જ લટકતો રહે છે, એમાં વાંક છે ખીંટીઓનો, એટલે કે પરિસ્થિતિનો.

ગીતા જૈન