ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી
January, 2010
ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી : ઇસ્લામી સંસ્કૃતિને લગતી હસ્તપ્રતો તથા આ અંગે છપાયેલાં પુસ્તકોનો મોટો સંગ્રહ ધરાવતું પટણામાં આવેલું પુસ્તકાલય. અરબી અને ફારસીના જ્ઞાતા ખુદાબક્ષે આ પુસ્તકાલય સ્થાપ્યું હોવાથી તે ‘ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી’ તરીકે જાણીતું થયું છે.
આ પુસ્તકાલયનો પ્રારંભ ખુદાબક્ષના પિતાની 1,400 અરબી, ફારસી વગેરે હસ્તપ્રતોના સંગ્રહથી થયો હતો. 1888માં આ પુસ્તકાલયનું પોતાનું મકાન બંધાયું હતું. 14 જાન્યુઆરી, 1891ના રોજ ટ્રસ્ટની રચના કરી. ખુદાબક્ષે આ પુસ્તકાલય બંગાળ સરકારને પુસ્તકો બહાર ન લઈ જવાની શરતે સોંપ્યું હતું. આ પુસ્તકાલયનું ઉદઘાટન બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર ચાર્લ્સ ઇલિયટે કર્યું હતું. 1903માં ખુદાબક્ષને પુસ્તકાલયના પગારદાર મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. 1969માં પાર્લમેન્ટે કાયદો કરીને તેને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકે જાહેર કરી હતી. 1891માં ઉદઘાટન વખતે 4,000 હસ્તપ્રતો હતી. ઇજિપ્ત, અરબસ્તાન, ઈરાન વગેરે દેશોમાંથી પ્રાચીન હસ્તપ્રતો મેળવવા તેમણે અનુભવી આરબ વિદ્વાનનો સહકાર સાધ્યો હતો. તેને યોગ્ય પુરસ્કાર અને કમિશન અપાતું હતું. હસ્તપ્રતો કે અલભ્ય પુસ્તકો મેળવવા માટે તેમણે ખર્ચની ગણતરી કરી ન હતી. 1973માં સંસ્થા પાસે 10,000 હસ્તપ્રતો અને 50,000 છાપેલાં પુસ્તકો હતાં.
હસ્તપ્રત તથા પુસ્તકોની યાદીનાં 32 વૉલ્યૂમો છે, તે ઉપરાંત હસ્તલિખિત યાદી પણ છે. બંને કોમોના ધાર્મિક સમન્વયમાં માનતા વિદ્વાનોના જીવનને લગતી 700 ઑડિયો અને 342 વીડિયો ટેપ છે. આ પુસ્તકાલયમાં હાલ (2007માં) 18,000 અરબી અને ફારસી હસ્તપ્રતો અને 2,50,000 પુસ્તકો છે. મોઘલ અને રાજપૂત શૈલીનાં 2,000 ચિત્રોનો સંગ્રહ છે.
લાઇબ્રેરી તરફથી એક સંશોધન ત્રૈમાસિક પ્રસિદ્ધ થાય છે. આ પુસ્તકાલયે 36 જેટલી અલભ્ય કૃતિઓની વિવેચનાત્મક આવૃત્તિ તથા હસ્તપ્રતોની વિગત દર્શાવતી સૂચિ પણ પ્રસિદ્ધ કરી છે. જદુનાથ સરકારે આ વિદ્વાનને (ખુદાબક્ષને) ‘ઇન્ડિયન બોડલે’ તરીકે ઓળખાવ્યા છે. ખુદાબક્ષ કવિ અને લેખક પણ હતા. તેમણે પોતાની આત્મકથા લખી છે, પણ 1908માં તેમનું મૃત્યુ થવાથી અધૂરી રહી હતી. ગાંધીજીએ આ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી.
1991માં આ પુસ્તકાલયે 100 વરસ પૂરાં કર્યાં હોઈ તેનો શતાબ્દી મહોત્સવ ઊજવાયો હતો. વિદ્વાનોની સેવામાં આ પુસ્તકાલયે 11 વર્ષ પૂર્ણ કર્યા છે.
શિવપ્રસાદ રાજગોર