ખુદાઈ ખિદમતગાર : વાયવ્ય સરહદ પ્રાંતમાં ભારતની આઝાદી પૂર્વે રચવામાં આવેલું પઠાણોનું સ્વયંસેવક સંગઠન. સ્થાપના 1929. ભારતની સ્વતંત્રતાની ચળવળના અગ્રણી ખાન અબ્દુલ ગફારખાન તેના સ્થાપક હતા. પ્રાણીમાત્રની સેવા એટલે ઈશ્વરની સેવા એ મૂળભૂત સિદ્ધાંતના પાયા પર આ સંગઠન રચવામાં આવ્યું હતું. ‘ખુદાઈ ખિદમતગાર’ એટલે ખુદાનો બંદો, ઈશ્વરનો સેવક. પઠાણ કોમ સદીઓથી પછાત અવસ્થામાં હતી અને જુદા જુદા જિર્ગાઓમાં વહેંચાયેલી હતી. તેમની વચ્ચે ભીષણ સંઘર્ષ થતા. તેમનામાં ગુનેગારીનું પ્રમાણ પણ ઊંચું હતું. આ પરિસ્થિતિ બદલવા તથા નવી જીવનર્દષ્ટિ અને વિચારસરણી ધરાવતા સમાજની રચના કરવા માટે સરહદના ગાંધી અબ્દુલ ગફારખાને આ સંગઠનની સ્થાપના કરી હતી. પઠાણ કોમમાં સ્વાવલંબન, કરકસર અને જાતમહેનતના ગુણોનો વિકાસ થાય અને તે દ્વારા તેમનામાં સ્વાભિમાનની ભાવના જાગ્રત થાય એ આ સંગઠનનું મુખ્ય કાર્ય હતું. સંગઠનમાં સ્વયંસેવક તરીકે દાખલ થનાર દરેક સભ્ય પાસે સત્ય, અહિંસા, દેશભક્તિ અને ત્યાગની ભાવનાથી જીવન વ્યતીત કરવાની પ્રતિજ્ઞા ફરજિયાત લેવડાવવામાં આવતી. દરેક સ્વયંસેવક માટે લાલ રંગનો પોશાક પહેરવો ફરજિયાત હતો.

પઠાણોના આ સંગઠને ભારતની આઝાદી અને અખંડિતતાની લડાઈમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. અહિંસા તેમનો ધ્યેયમંત્ર હોવાથી નિ:શસ્ત્ર પ્રતિકાર કરવાની તાલીમથી લાખો પઠાણોએ ચમત્કાર કરી બતાવ્યો હતો.

પાકિસ્તાનની સ્થાપના પછી આ સંગઠને સ્વતંત્ર પખ્તુનિસ્તાનની ઝુંબેશ ઉપાડી જેને લીધે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે