ખીલી/ ખીલા : બે ઘટકોને એકબીજા સાથે કાયમી રીતે જોડવા માટે જેનો એક છેડો અણીદાર અને બીજો છેડો નાના માથાવાળો હોય તે પ્રમાણે ધાતુના નાના સળિયા કે તારમાંથી બનાવેલ વસ્તુ.
ખીલી/ખીલાના મુખ્ય ત્રણ ભાગ છે : (1) માથું, (2) દાંડી અને (3) અણી. ખીલી/ખીલાની લંબાઈ તેના માથાથી અણી સુધીનું માપ અને ખીલીની જાડાઈ તેના દાંડીના વ્યાસ મુજબના ગેજ નંબરમાં દર્શાવાય છે. શૂન્યથી વીસ નંબર સુધીની ગેજની ખીલીઓ બજારમાં મળતી હોય છે. જેમ ગેજ નંબર વધતો જાય તેમ ખીલીની જાડાઈ ઘટતી જાય છે. ખીલીનું વેચાણ સામાન્ય રીતે વજન પર થાય છે. લોખંડ ઉપરાંત પિત્તળ, તાંબું, અન્ય ધાતુઓ તથા પોલાદના તાર કે નાના સળિયામાંથી પણ ખીલી/ખીલા બને છે. ભેજથી કાટ ન લાગે તે હેતુથી લોખંડના તાર ઉપર જસતનો ઢોળ ચઢાવીને ખીલી/ખીલા બનાવાય છે. ખીલી/ખીલાના વિવિધ પ્રકારો નીચે મુજબ છે. જે ખીલી/ખીલાના માથાના આકાર, લંબાઈ, દાંડીનો વ્યાસ અને ઉપયોગ મુજબ વિવિધ પ્રકારના હોય છે.
(1) સપાટ માથાવાળી ખીલી : તેનું માથું સપાટ તથા ગોળ હોય છે. દાંડી ગોળ અથવા ચોરસ હોય છે. ચોરસ દાંડીવાળી ખીલીની પકડ ગોળાકાર દાંડી કરતાં વધુ હોય છે. ઘણી વાર વધુ સારી પકડ મેળવવા તેની દાંડીને વળ ચઢાવેલો હોય છે. તેનો ઉપયોગ બાંધકામને લગતાં કાર્યોમાં થાય છે.
(2) ઢાળિયા માથાવાળી ખીલી : આ ખીલીનું માથું ગોળાકાર તથા સપાટ હોય છે; પરંતુ નીચેની બાજુએ સહેજ ઢાળ હોય છે. તેના માથાની ઉપરની સપાટી પર ચોકડી આકારના કાપા પાડેલા હોય છે જેથી હથોડીનો ફટકો સરકી ન જાય. જ્યારે આ ખીલીને સંપૂર્ણ રીતે બેસાડવામાં આવે ત્યારે તેનું માથું લાકડામાં સપાટીને સમાંતર બેસી જાય છે અને ઊપસેલું રહેતું નથી. આ પ્રકાર ફર્નિચર, સુથારીકામ તથા ઘરવપરાશમાં વપરાય છે.
(3) તારચૂંક : ગોળ કે ચોરસ દાંડીવાળી આ ચૂંકની લંબાઈ 10 મિમી.થી 50 મિમી. સુધીની હોય છે. તેનું માથું ઊંધા શંકુ જેવું તથા ઉપરથી સપાટ હોય છે. આને કારણે તે સાધારણ ફટકાથી પણ લાકડામાં બેસી જાય છે તથા લાકડું ચિરાતું નથી. આ ઉપરાંત ઘુમ્મટ જેવા માથાના આકારની ખીલીઓ છાપરા ઉપર પતરાં જડવા, ચેરનેઇલ્સ જેવી ખીલીઓ સોફાની ગાદી તથા મોટરકારની છત વગેરે જડવા માટે વપરાય છે. નૌકા વગેરેના બાંધકામમાં તાંબાની ખીલીઓ વપરાય છે જેથી તે કાટ લાગવાની પ્રક્રિયાનો પ્રતિકાર કરી શકે.
(4) ખીલા : ખીલાની દાંડીની લંબાઈ તેમજ વ્યાસ ખીલી કરતાં વધારે હોય છે અને તેનું માથું ગોળ, ચોરસ અથવા લંબચોરસ તેમજ દાંડી કરતાં સહેજ મોટું હોય છે. ખીલા સામાન્ય રીતે 100થી 200 મિમી. લંબાઈના મળતા હોય છે. તેના માથા ઉપર જોરથી ફટકા મારી તેને લાકડામાં બેસાડવામાં આવે છે. એક વખત બેસાડ્યા પછી તેને પાછા ખેંચી શકાતા નથી. તેનો ઉપયોગ મોટા લાકડા તથા બારણાંની બારસાખ જોડવા માટે થાય છે.
લોખંડનાં ખીલી/ખીલાનો ઉપયોગ યંત્રયુગ પહેલાંથી થયેલો છે. યંત્રયુગ પહેલાં લુહાર લોખંડનાં પતરાંના ટુકડા તપાવીને તેમને ચારે તરફથી ટીપીને ખીલા બનાવતા હતા. ઈ. સ. 1850ના અરસામાં યંત્રની સહાયથી તારચૂંક બનાવવાની શરૂઆત થઈ. યંત્રથી બનાવેલાં ખીલા અને તારચૂંક લગભગ એકસરખાં હોય છે અને તેમની પડતર કિંમત પણ ઓછી થાય છે. તારચૂંક સામાન્ય રીતે 1 સેમી.થી 7 સેમી. લાંબી હોય છે અને તેનો વ્યાસ 0.5 મિમી.થી 3 મિમી. હોય છે. તારચૂંક બનાવનાર યંત્રમાં જરૂર પૂરતી જાડાઈનો તાર એક બાજુથી સરકાવવામાં આવે છે. આ તાર યંત્રની બે પકડમાં મજબૂત રીતે જકડી રખાય છે. અને તેની એક બાજુ યાંત્રિક ફટકો મરાય છે. તેથી નિશ્ચિત કરેલો માથાનો આકાર તૈયાર થાય છે ત્યાર પછી પકડ ઢીલી બને છે અને તાર તારચૂંક માટે નિશ્ચિત કરેલી લંબાઈ જેટલો આગળ ધકેલાઈને યાંત્રિક છીણી વડે કપાય છે. અંતિમ પ્રક્રિયામાં કપાયેલો છેડો ટિપાઈને પિરામિડના આકારનો થાય છે. આ પ્રકારના યંત્ર વડે એક મિનિટમાં 400થી 500 તારચૂંક તૈયાર થાય છે. ત્યાર પછી તારચૂંકો લાકડાનું ભૂસું ભેળવીને એક પીપમાં નખાય છે અને પીપ બીજા યંત્ર ઉપર એક કલાક ગોળ ગોળ ફેરવાય છે તેથી તારચૂંકો ચકચકિત થાય છે. બજારમાં વેચાતી પોલાદની તારચૂંકો સામાન્ય રીતે નીચેના કોષ્ટકમાં દર્શાવેલી વિગતો પ્રમાણેની હોય છે :
1 | 2 | 3 | 4 | 5 | 20 | |
આકાર-અંક | 12.5 | 25.4 | 31.7 | 37.5 | 44.4 | 76.2 |
લંબાઈ (મિમી.) | 20 | 15 | 14 | 13 | 12 | 8 |
વ્યાસ-અંક માથાનો
વ્યાસ (મિમી.) |
3.1 |
4.3 |
5.1 |
6.1 |
7.1 |
12.7 |
એક કિગ્રા. વજનમાં
સંખ્યા |
3,300 |
1,870 |
1,190 |
640 |
220 |
20 |
હરેશ જયંતીલાલ જાની