ખીવ (ચિવા) : ઉઝબેક પ્રજાસત્તાક રાજ્યના ખોરેઝમ જિલ્લામાં આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન 41° 22′ ઉ.અ. અને 60° 24′ પૂ.રે. આમુદરિયા નદીની પશ્ચિમે પાલવન નહેરને કાંઠે તે વસેલું છે. તેની દક્ષિણે કારાકુમનું અને ઈશાને કાસિલકુમનું રણ છે.

અહીં ખેતી માટે પૂરતો વરસાદ પડતો નથી. પણ સિંચાઈ દ્વારા કપાસની ઘનિષ્ઠ ખેતી થાય છે. સમુદ્રથી દૂર હોવાને કારણે ખીવની આબોહવા ખંડસ્થ છે. શિયાળો અને ઉનાળો બંને સખત હોય છે. કપાસ ઉપરાંત બાજરી, ફળો અને તમાકુના બીજા પાકો થાય છે. ઊંટ, ઘેટાં, બકરાં, ખચ્ચર વગેરે પ્રાણીઓ ઉછેરાય છે.

અહીં કપાસને લોઢવાનાં અનેક કારખાનાં અને પ્રેસ છે. પરંપરાગત હસ્તકલા જીવંત હોઈ ગાલીચા-ભરતકામ તથા કાષ્ઠ અને પથ્થરના કોતરકામવાળી હાથકારીગરીની વસ્તુઓ બને છે.

શહેર ફરતો જૂનો કિલ્લો શહેરનું રક્ષણ કરે છે. અહીં રાજમહાલયો, મસ્જિદો, મદરેસા, મિનારાવાળા ભવ્ય રોજાઓ અને કબરો જોવા મળે છે. ખીવ અનેક વણજાર-માર્ગોનું મધ્યસ્થ કેન્દ્ર અને મોટું વેપારી કેન્દ્ર રહ્યું છે.

પુરાતત્ત્વીય માહિતી પ્રમાણે આ શહેર છઠ્ઠીથી આઠમી સદી દરમિયાન અસ્તિત્વમાં હતું. દસમી સદીમાં આવેલા બે આરબ મુસાફરોએ તેનો પ્રથમ વાર ઉલ્લેખ કર્યો છે. સોળમી સદીના મધ્ય ભાગથી ખીવના ખનાટે-વંશી રાજાઓનું તે પાટનગર હતું.

1920થી લાલ લશ્કરની મદદથી ખનાટેવંશના ખાનની સત્તા ઉથલાવી નાખવામાં આવી અને તે પ્રદેશ પ્રજાસત્તાક રાજ્ય બન્યું. ખીવ તેનું પાટનગર બન્યું. 1924થી ખોરઝમ રાજ્યનો ઉઝબેક પ્રજાસત્તાક રાજ્યમાં સમાવેશ કરાયો.

શિવપ્રસાદ રાજગોર