ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints) : હાડકાં અને હાડકાંના સાંધાને આધાર આપવા અને તેમનું પ્રચલન (mobility) ઘટાડવા માટેની સંયોજનાઓ (devices). તૂટેલા હાડકાના બે ભાગને જોડીને સ્થિર રાખવા માટે ખીલણનો ઉપયોગ કરાય છે; દા.ત., થાપાનું હાડકું તૂટે ત્યારે. ટેકણપટ્ટીઓના ઉપયોગના વિવિધ હેતુઓ હોય છે; જેમ કે ઈજા પછી થતો દુખાવો ઘટાડવો, રૂઝ આવે તે માટે જે તે ભાગને સ્થિર કરવો, રૂઝ પામેલી સંરચનાઓ(structures)નું રક્ષણ, અંગ કે ઉપાંગને તેની ક્રિયાશીલતા માટે જરૂરી સ્થિતિમાં રાખવું, કુરચના (deformity) થતી અટકાવવી, થયેલી કુરચનામાં સુધારો કરવો, નબળા પડેલા સાંધાની સ્થિરતા જાળવવી જેથી અન્ય સાંધાનું પ્રચલન બરાબર થાય, સ્નાયુઓની સજ્જતા પાછી આવે, સ્નાયુઓનું સંકોચન બરાબર થાય, નબળા સ્નાયુઓનું બળ પાછું આવે વગેરે.

ખીલણ : લાંબા હાડકાના મધ્યદંડ (shaft) ઘણી વખત તૂટે છે. તેની સારવાર માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. હાડકાના પોલાણમાં સળિયો મૂકવાની પણ એક પદ્ધતિ છે. તેને મજ્જાગુહાકીય ખીલણ (intramedullary nailing) કહે છે. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) ખુલ્લી પ્રક્રિયાવાળી કે બંધ પ્રક્રિયાવાળી પ્રમાણિત (standard) પદ્ધતિ અને (2) આંતરબંધનીય સ્થાપન (interlocking fixation). ખીલણ ધાતુનાં મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલનાં બનેલાં હોય છે. મધ્યદંડના વચલા ભાગમાં થયેલા અસ્થિભંગ- (fracture)ની સારવારમાં તે ખૂબ ઉપયોગી છે.

વિવિધ પ્રકારનાં ખીલણ અથવા મજ્જાગુહાકીય સંયોજનાઓ (medullary devices) ઉપલબ્ધ છે; જેમ કે, (1) પ્રમાણિત ખીલણ, (2) કુન્શ્ચર અને ‘V’ ખીલણો, (3) શ્નિડર અને સેમ્પસન ખીલણો, (4) આંતરબંધનીય ખીલણો, (5) રશ તથા એન્ડર્સના વાળી શકાય એવાં (flexible) ખીલણો વગેરે. 3 બિન્દુઓ પર કરાતા દાબ-સ્થાપન (pressure fixation) વડે તૂટેલાં હાડકાંને સ્થિર અને સ્થગિત કરાય છે.

તૂટેલા હાડકા પરની ચામડી અકબંધ હોય ત્યારે તેની આસપાસ જમા થયેલો લોહીનો ગઠ્ઠો જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં કરાતા ખીલણને બંધ પ્રક્રિયાવાળી પ્રમાણિત પદ્ધતિ કહે છે. થાપાના ભાગમાં જ્યારે હાડકું તૂટ્યું હોય ત્યારે જાંઘનાં હાડકાં, જંઘાસ્થિ(femur)ની ડોક(ગ્રીવા)માં અસ્થિભંગ થયેલો હોય છે અને તે સમયે મોટી અસ્થિગંડિકા (greater tuberosity) નામના જંઘાસ્થિના ભાગમાંથી ખીલણને અંદર તરફ ધકેલવામાં આવે છે, જેથી તૂટેલી જંઘાસ્થિ-ગ્રીવાના બંને ભાગ એકબીજાની પાસપાસે આવીને સ્થિર સ્થિતિમાં રહે છે. તેવી જ રીતે તૂટેલા નળાસ્થિ (tibia) માટે નળાસ્થિ-ગંડિકા(tibial tuberosity)માંથી, હસ્તાસ્થિ (radius) હાડકા માટે લિસ્ટરના ગંડક (tubercle) કે દંડીપ્રવર્ધ(styloid process)માંથી તથા અનુહસ્તાસ્થિ (ulna) માટે કોણીપ્રવર્ધ(olecranon)માંથી ખીલણને નાખવામાં આવે છે. એન્ડર્સના ખીલણ માટે જંઘાસ્થિના ઉપસારી ગંડક(adducter tubercle) નામના જંઘાસ્થિના ભાગમાંથી ખીલણ નાખવામાં આવે છે.

ખીલણના વિવિધ પ્રકારો પ્રમાણે તેને નાખવાનાં વિવિધ સાધનો ઉપલબ્ધ છે. ખીલણ નાખવાની શસ્ત્રક્રિયા કરતાં પહેલાં ખીલણની લંબાઈ, તેનું કદ, તેનો પ્રકાર, તેને નાખવાની પદ્ધતિ તથા સાધનો વગેરેનો નિર્ણય કરવામાં આવે છે. જરૂરી છિદ્ર કરી મજ્જાગુહાને તૈયાર કરીને તેમાં પથદર્શક તાર (guide pin) નાખવામાં આવે છે અને ત્યાર બાદ ખીલણ નાખવામાં આવે છે. હાડકાના ટુકડા અને ખીલણનું સ્થાન યોગ્ય છે તે જોવા એક્સ-રે-ચિત્રણ મેળવી લેવાય છે.

આંતરબંધનીય (interlocking) ખીલણ માટે વિશિષ્ટ પ્રકારની સંયોજનાઓ વપરાય છે. આવા ખીલણ પણ વજનનું વહન કરે છે માટે દર્દીને વહેલો હરતો-ફરતો કરી શકાય છે. આ લાભની સામે ક્યારેક કેટલીક આનુષંગિક તકલીફો પણ થાય છે; દા. ત., લોહીનો ગઠ્ઠો છૂટીને ફેફસાંની નસમાં જામી જવો, તૂટેલા હાડકાનું ન સંધાવું અથવા મોડેથી સંધાવું, ધાતુ સામેની શારીરિક પ્રતિક્રિયાથી ઉદભવતો વિકાર વગેરે. ખીલણના નવા પ્રકારો શોધાઈ રહ્યા છે જેમાં આ પ્રકારની તકલીફો ઓછી થાય.

ટેકણપટ્ટીઓ : વિવિધ પ્રકારની ટેકણપટ્ટીઓ ઉપલબ્ધ છે. સૌપ્રથમ બોહ્લરે (bohler) કેટલીક ટેકણપટ્ટીઓ વર્ણવી હતી. યોગ્ય શસ્ત્રક્રિયા અને ટેકણપટ્ટીઓનો યોગ્ય ઉપયોગ થાય તો ઈજા પછીની સારવારનાં પરિણામો સારાં આવે છે અને કુરચના ઓછી થાય છે. રૂઝ આવે ત્યારે થતી તંતુતા (fibrosis), કુરચના કરે છે તથા ક્રિયાશીલતામાં અવરોધ કરે છે. ટેકણપટ્ટીઓથી ધીમી અને સતત ખેંચ ઉત્પન્ન થાય છે જે સાંધાનાં પ્રચલનનો ગાળો જાળવે છે તથા કુરચના થતી અટકાવે છે.

ટેકણપટ્ટીઓ 3 પ્રકારની છે : સ્થિર (static), ગતિશીલ (dynamic) અને અર્ધગતિશીલ (semidynamic) ટેકણપટ્ટીઓ, સ્થિર ટેકણપટ્ટીઓમાં હલાવી શકાય એવો કોઈ ભાગ હોતો નથી અને તે શરીરના અંગને આધાર આપે છે તથા સ્થગિત કરે છે (immobilization). ક્રમિક ખેંચકારી (serial stretching) ટેકણપટ્ટીઓ પણ સ્થિર ટેકણપટ્ટીઓ ગણાય છે. તે સંધિવા (osteoarthritis) તથા આમવાતી સંધિવા(rheumatoid arthritis)માં શોથને કારણે સૂજેલા અને દુખતા સાંધાને સ્થગિત કરવા માટે વપરાય છે. આ ઉપરાંત સ્થિર ટેકણપટ્ટીઓ તૂટેલા હાડકાની સારવારમાં અને પુનર્રચનાલક્ષી (reconstructive) શસ્ત્રક્રિયા પછી પણ વપરાય છે. જે ભાગને ઈજા પહોંચી ન હોય તેને સ્થિર ટેકણપટ્ટીમાં આવરી લેવાતો નથી અને તેથી અન્ય સામાન્ય સાંધામાં હલનચલન શક્ય રહે છે. તંતુમય કુરચનાને કારણે ટૂંકા થયેલા અંગને ખેંચીને સીધું તથા લાંબું કરવા માટે ક્રમિક ખેંચકારી ટેકણપટ્ટીઓ વપરાય છે. તેમાં પણ અંગ અકડાઈ ન જાય માટે તેને ટેકણપટ્ટીમાંથી દરરોજ એક-બે વાર બહાર કાઢીને કસરત કરાવાય છે.

ગતિશીલ ટેકણપટ્ટીઓમાં એક પ્રકારનું ચાલકબળ (driving force) ઉમેરેલું હોય છે. તેને કારણે એક કે વધુ સાંધામાં થતું હલનચલન વધી શકે છે. આવું ચાલકબળ રબરના પટ્ટા કે સ્પ્રિંગરજ્જુ વડે બહારથી ઉમેરાય છે અથવા દર્દીના સ્નાયુના રહેલા બળનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત સાંધાનું હલનચલન વધારી શકાય છે. તેથી ગતિશીલ ટેકણપટ્ટીઓને જીવંત, ચલનશીલ (kinetic), સક્રિય (functional) કે અવેજીયુક્ત (substituting) ટેકણપટ્ટીઓ પણ કહે છે. તેના વડે નબળા સ્નાયુનું જોર વધે છે, શરૂઆતની કુરચના નાબૂદ થાય છે તથા તંતુમય કુરચનાથી અંગ ખેંચાઈને ટૂંકું થઈ જતું નથી.

ટેકણપટ્ટી માટે વિવિધ પદાર્થોનો ઉપયોગ કરાય છે; દા.ત., પ્લાસ્ટર ઑફ પૅરિસ, ઍલ્યુમિનિયમ, ફાઇબર ગ્લાસ, ઇલાસ્ટિક, લેક્સન, મેર્લોન વગેરે. કેટલાંક જાણીતી ટેકણપટ્ટીઓનાં નામ છે – ઢીંચણ નીચેની ટેકણપટ્ટી, અસ્થિભંગ સ્થગિતક (fracture immobilizing) ટેકણપટ્ટી, ચેતાઘાત (nerve palsy) ટેકણપટ્ટી, બ્યુટોનિર ટેકણપટ્ટી, મેલેટ અંગુલીય ટેકણપટ્ટી વગેરે.

સસ્તી, સહેલાઈથી અને ઝડપથી વાપરી શકાતી, સહેલાઈથી મળતા પદાર્થની બનેલી, પહેરવામાં સહેલી, વજનમાં હલકી, સારા દેખાવની તથા જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય એવી ટેકણપટ્ટી આદર્શ ટેકણપટ્ટી ગણી શકાય. દર્દી તે વાપરે તે પહેલાં તે અંગેની પૂરતી સૂચના આપવી જરૂરી ગણાય છે. તેના ઉપયોગથી અંગના દૂરના છેડે સોજો આવવો, ચામડીનો રોગ થવો, અંગમાં ખાલી ચઢવી અને ઝણઝણાટી થવી, ચેતાઘાત થવો કે લોહીનું પરિભ્રમણ ઘટે તો અંગનો પેશીનાશ (necrosis) થવો વગેરે તકલીફો થાય છે માટે તે થતી અટકાવવી અને તે થઈ હોય તો તરત સારવાર કરવી જરૂરી ગણાય છે.

ભાર્ગવ ભટ્ટ

શિલીન નં. શુક્લ