ખાકી, હસન બેગ : ફારસી ઇતિહાસકાર. મુઘલ શહેનશાહ અકબરના રાજ્ય-અમલમાં ગુજરાતના બક્ષી તરીકે નિમાયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ હસન બિન મુહમ્મદ અલ્ ખાકી અલ્ શીરાઝી. ઈરાનના ખાનદાન કુટુંબમાં જન્મ. તેમની વંશ-નામાવળીમાં ચોથા સ્થાને આવનાર દાદા શમ્સુદ્દીન અબ્દુલ્લાહ ખાકી શીરાઝી, શીરાઝના ગવર્નર ‘એક્યાનો’ના સમયમાં બક્ષીનો હોદ્દો ભોગવતા હતા. તે ઈ. સ. 1496માં તબરેઝ મુકામે મરણ પામ્યા હતા. ખાકી હસન બેગ પોતાના ગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે કે તેઓ શહેનશાહ અકબરના રાજ્ય-અમલ દરમિયાન ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા હતા અને અકબર બાદશાહે એમને ઇતિહાસ લખવાનો આદેશ આપ્યો હતો. તેમણે એક દળદાર ઇતિહાસ જહાંગીરના સમયમાં ઈ. સ. 1610માં ‘અહસનુત્તવારીખ’ શીર્ષક રાખી સંપૂર્ણ કર્યો. તેમણે તિમૂરી વંશનો ઇતિહાસ લખ્યો છે. પોતે આ વંશ સાથે સંબંધ ધરાવતા હતા. ઈ. સ. 1598માં અકબરે એમને ગુજરાતના બક્ષી બનાવી ગુજરાતમાં મોકલ્યા હતા અને 12 વર્ષ પછી જહાંગીરે પટણાના દીવાન બનાવી ઈ. સ. 1610માં પટણા મોકલ્યા હતા.
‘અહસનુત્તવારીખ’ એક સર્વસાધારણ ઇતિહાસ છે. તેમાં વિશ્વની ઉત્પત્તિથી માંડી ઈ. સ. 1612 સુધીની ઐતિહાસિક ઘટનાઓની નોંધ જોવા મળે છે. ઈ. સ. 1610માં પૂર્ણ કર્યા પછી તેમાં ઈ. સ. 1612 સુધીના ઐતિહાસિક બનાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇતિહાસનો મૂળ આધારગ્રંથ ‘નુસકએ જહાનઆરા’ છે. લેખકે ઘણા પરિશ્રમપૂર્વક પેટાવિભાગ પાડી વ્યવસ્થિત ગોઠવી પોતાના સમયના હિન્દુસ્તાન સંબંધિત પણ નવાં પ્રકરણો ઉમેરીને ઇતિહાસની રચના કરી છે. આનો મૂળ આધારગ્રંથ ‘તબકાતે અકબરશાહી’ છે જેનું ખાકી હસન બેગે અનુકરણ કર્યું છે.
એમની પહેલાં આ જ શીર્ષક હેઠળ હસન બેગ રૂમલુનો ઇતિહાસ જોવા મળે છે; પણ ખાકીના ઇતિહાસ સાથે તેનો ગૂંચવાડો થતો નથી. લેખકે પોતાના ઇતિહાસમાં ખાસ કરીને ઈરાનનો ઈ. સ. 1494થી ઈ. સ. 1577 સુધીનો ઇતિહાસ આપ્યો છે. ઘણા વિદ્વાનો – ખાસ કરીને અબ્બાસી રાજ્ય-અમલના વિદ્વાનોનો ટૂંકો પરિચય આપ્યો છે.
આ ઇતિહાસમાં પયગમ્બરો, પ્રાચીન રાજાઓ (જહાનઆરાના અનુકરણમાં), પછી પયગમ્બર હજરત મુહમ્મદ અને ખલીફાઓ અને અબ્બાસી ખિલાફતમાં સ્થપાયેલાં રાજ્યોનો અહેવાલ પ્રકરણ સાથે નોંધવામાં આવ્યો છે. 1. સફારી વંશ, 2. સામાની વંશ અને તેની ત્રણ શાખાઓ અલપ્તગીન, અલી ફેરીગોન અને બની ઇલ્યાસ, 3. ગઝનવી વંશ, 4. ગીલાન અને માઝંદ્રાનના પ્રાચીન રાજાઓ (જહાનઆરામાંથી), 5. ઈરાન, રોમ, સીરિયા (શામ) અને કિરમાનના સેલ્જુકી રાજાઓ, 6. સૈયદ વંશ (ઇદરેસી યમનના હાકેમો અને મક્કાનો શરીફ વંશ), 7. ખ્વારઝમશાહ, 8. ઘોરીવંશ અને ઈરાનના સ્થાનિક રાજાઓ.
બીજા ખંડમાં નીચે પ્રમાણે હિન્દુસ્તાનનાં સ્થાનિક રાજ્યોનો અહેવાલ આપવામાં આવ્યો છે (એમાં ‘તબકાતે અકબરી’નું સંપૂર્ણ અનુકરણ છે.) : (1) બહમની વંશ, (2) નિઝામુલ-મુલ્કી વંશ, (3) આદિલખાની વંશ, (4) કુતબુલ-મુલ્કી વંશ, (5) ગુજરાત, (6) માળવા, (7) ખાનદેશ, (8) બંગાળ, (9) જોનપુર, (10) કાશ્મીર, (11) સિંધ અને (12) મુલતાન. છેલ્લે મુઘલ વંશનો ઇતિહાસ પણ આપ્યો છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ