ખંડાલા : મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલું ગિરિનગર. તે 18o-45´ ઉત્તર અક્ષાંશ અને 73o-22´ પૂ. રેખાંશ ઉપર આવેલું છે. તે પુણેથી વાયવ્ય ખૂણે 65 કિમી. ઉપર ચારે બાજુ પર્વતોનાં શિખરોથી ઘેરાયેલું છે. પશ્ચિમ ઘાટનો પ્રદેશ સરેરાશ 914-1,523 મીટર ઊંચો હોવાથી ઉનાળામાં હવા ખુશનુમા રહે છે અને ગરમી જણાતી નથી. ચોમાસામાં નૈર્ઋત્યના મોસમી પવનોથી 1,800થી 2,000 મિમી. વરસાદ આવે છે. ડુંગરો પર વાંસ, સાગ, સાદડ, ખેર, સીસમ વગેરે વૃક્ષો જોવા મળે છે. શિયાળો આકરો નથી કારણ કે ખંડાલા ઉષ્ણ કટિબંધમાં આવેલું છે. ગિરિનગર હોઈને ખંડાલાનો પ્રવાસધામ તરીકે વિકાસ થયો છે. નજીકના તથા મુંબઈ વગેરે શહેરના લોકો સ્વાસ્થ્ય સુધારવા, હવાફેર કરવા અહીં આવે છે. અહીં પ્રવાસીઓની સુવિધા માટે હોટેલો, આરોગ્યધામ, સરકારી વિશ્રામગૃહ વગેરે આવેલાં છે. રેલવે કૉલોની સ્ટેશન નજીક છે. પર્વતના ખડકોમાંથી કોતરી કાઢેલ ગંભીરનાથ મહાદેવનું મંદિર જોવાલાયક છે. ખંડાલા નજીક બે જળધોધ આવેલા છે. તેનું ર્દશ્ય રમણીય અને હૃદયંગમ છે. અહીં છાત્રાલય સાથેની નિવાસી માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, પુસ્તકાલય તથા સરકારી દવાખાનું છે. વસ્તી આશરે 1,75,895 (2022).
શિવપ્રસાદ રાજગોર