ખન્ના, બલરાજ (જ. 1940, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી 1962માં ત્યાંથી અંગ્રેજી સાહિત્યના અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ

બલરાજ ખન્નાએ દોરેલું ચિત્ર

લંડન જઈ રૉયલ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમનાં ચિત્રો પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રિત છે, જેમાં અવકાશમાં તરતા અમીબા જેવા આકારો નજરે પડે છે. આ આકારોમાંથી કેટલાક આકારો પાર્થિવ પશુપંખી માનવી કે વસ્તુઓના આકાર રૂપે ઓળખી શકાય તેવા હોય છે. તેમનાં ચિત્રો નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ-  દિલ્હીમાં પ્રદર્શિત છે.

ભારતની કાલીઘાટ ચિત્રકલા વિષે તેમણે અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે : ‘કાલીઘાટ પેઇન્ટિન્ગ્ઝ 1800–1930’ વળી ‘નૅશનલ ફૂલ્સ’ શીર્ષક હેઠળ તેમણે લખેલી અંગ્રેજી નવલકથાને હોલ્ટ્બાય મેમોરિયલ પ્રાઇઝ મળ્યું છે.

અમિતાભ મડિયા