ખન્ના, દિનેશ ( જ. 4 જાન્યુઆરી 1943, ગુરદાસપુર, પંજાબ) : બૅડમિન્ટનના ભારતના અર્જુન ઍવૉર્ડવિજેતા. જન્મ પંજાબમાં. શિક્ષણ ચંડીગઢમાં. બી.એસસી. થયા બાદ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં પાસ થઈને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયા. 1956માં સૌપ્રથમ જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં રમ્યા અને તે વખતે તેમની ટીમ રાષ્ટ્રીય વિજેતા બની.

દિનેશ ખન્ના

1962માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટીમ તરફથી મલયેશિયામાં ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપમાં રમ્યા અને ટીમને વિજય અપાવ્યો. 1963માં થૉમસ કપ માટે પસંદગી અને આંતરરાષ્ટ્રીય ટુર્નામૅન્ટમાં રમ્યા. એશિયન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં સિંગલ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક મેળવ્યો. 1965-66માં ભારતના પ્રથમ ક્રમના બૅડમિન્ટન ખેલાડી બન્યા. 1966માં ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં સેમી ફાઇનલ સુધી રમીને ભારતને ગૌરવ અપાવ્યું. જમૈકામાં યોજાયેલા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારત તરફથી રમ્યા અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. ભારત સરકારે 1966માં અર્જુન ઍવૉર્ડ એનાયત કર્યો હતો.

હર્ષદભાઈ પટેલ