ખન્ના, રાજેશ (જ. 29 ડિસેમ્બર 1942, અમૃતસર; અ. 18 જુલાઈ 2012, મુંબઈ) : ભારતના ચલચિત્રજગતના જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ. તેમને દત્તક લઈ ઉછેરનાર તેમના પાલક પિતા રેલવેના કૉન્ટ્રેક્ટર હતા. રાજેશનું મૂળ નામ જતિન હતું. તેમના પરિવારે અમૃતસર છોડી મુંબઈ સ્થળાંતર કર્યું અને ત્યાં જ તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ કર્યો.

શરૂઆતની અભિનય-કારકિર્દીમાં તેમણે નાટ્યક્ષેત્રમાં દાખલ થવાનો પ્રયાસ કરેલો; પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. એક નાટકમાં દ્વારપાલ તરીકેની એન્ટ્રીમાં તેમને એક જ વાક્ય બોલવાનું હતું; પરંતુ તે વાક્ય પણ તેઓ બોલી શક્યા ન હતા ! સ્પર્ધાત્મક રીતે નવા ચહેરાની ખોજ કરનારી સંસ્થા ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સે’ જતિનને નવા ચહેરા તરીકે તક આપી અને સાથોસાથ તેમને ‘રાજેશ’ એ નવું નામ પણ આપ્યું. 1966થી 1970 સુધી રાજેશ ખન્ના આ સંસ્થા સાથે કરારબદ્ધ રહ્યા. આ રીતે તેમની ચલચિત્ર-કારકિર્દીની શરૂઆત થઈ. જી. પી. સિપ્પીના ચલચિત્ર ‘રાઝ’ (1967)માં રાજેશને સૌપ્રથમ રૂપેરી પડદા પર અભિનય કરવાની તક મળી. ત્યારબાદ 1980ના દાયકાના લગભગ અંત સુધી તેઓ સિનેપ્રેક્ષકોના માનીતા અભિનેતા બની રહ્યા. આ દરમિયાન તેમણે જે ચલચિત્રોમાં અભિનય કર્યો તેમાં ‘આરાધના’, ‘આનંદ’, ‘દો રાસ્તે’, ‘બંધન’, ‘ધ ટ્રેન’, ‘સચ્ચા જૂઠા’, ‘સફર’, ‘ખામોશી’, ‘કટી પતંગ’, ‘હાથી મેરે સાથી’, ‘અનુરાગ’, ‘આવિષ્કાર’, ‘નમકહરામ’, ‘પ્રેમકહાની’, ‘અવતાર’ અને ‘આજ કા એમ.એલ.એ.’ ઉલ્લેખનીય છે.

રાજેશ ખન્ના

તેમને ‘આનંદ’, ‘આરાધના’ અને ‘દો રાસ્તે’ ચલચિત્રોએ ખૂબ લોકપ્રિયતા આપી. ‘આરાધના’ અને ‘દો રાસ્તે’ ચલચિત્રોએ સુવર્ણ-જયંતીની ઉજવણી કરી. તે ઉપરાંત તેમના અભિનયવાળાં ‘સફર’ અને ‘અમરપ્રેમ’ ચલચિત્રો પણ બૉક્સ ઑફિસ પર સફળ નીવડ્યાં.

1973માં ‘બૉબી’ ચલચિત્રની બહુચર્ચિત અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે રાજેશે લગ્ન કર્યાં. 1975 પછી રાજેશ ખન્નાની કારકિર્દીમાં ઓટ આવવાની શરૂઆત થઈ. તે પૂર્વે તેમના ‘દાગ’ (1973) અને ‘પ્રેમનગર’ (1974) ચલચિત્રોએ તેમની લોકપ્રિયતા ચાલુ રાખવામાં મદદ કરી હતી. ‘અમરદીપ’ (1979) અને ‘થોડીસી બેવફાઈ’ (1980)થી તેમની એ લોકપ્રિયતા અમુક અંશે જળવાઈ રહી; પરંતુ તેમના લગ્નજીવનમાં ભંગાણ પડવાનાં એંધાણ શરૂ થયાં. ‘અવતાર’ અને ‘સૌતન’ – આ બે ચલચિત્રોએ તેમને ફરી લોકપ્રિયતા હાંસલ કરવાની તક પૂરી પાડી. ત્યારબાદ તેમની અભિનય-કારકિર્દી સમાપ્ત થવાની અણી પર આવીને રહી.

દરમિયાન તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે નવી દિલ્હીની બેઠક પરથી લોકસભામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. પ્રથમ પ્રયત્ને લાલકૃષ્ણ અડવાણી સામે તેમને સફળતા મળી ન હતી; પરંતુ બીજા પ્રયત્ને શત્રુઘ્ન સિંહાને પરાજય આપી તેમણે લોકસભામાં પ્રવેશ કર્યો.

હિંદી ચલચિત્રોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે તેમને ફિલ્મફેર-ઍવૉર્ડ તથા રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

શશિકાન્ત નાણાવટી