ખનિજવર્ણકો (mineral pigments) : રંગોની બનાવટમાં, રંગને અપારદર્શિતા આપવામાં, રંગો બનાવવાના માધ્યમ તરીકે, ચણતર કે પ્લાસ્ટર માટેના સિમેન્ટ કે પીસેલા ચૂનામાં રંગ લાવવા માટે, પ્લાસ્ટરમાં, લિનોલિયમ, રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાં ઉમેરણ તરીકે વપરાતાં ખનિજદ્રવ્યો.

ખનિજવર્ણકોને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવેલા છે : (i) કુદરતી ખનિજવર્ણકો, (2) કુદરતી ખનિજદ્રવ્યોને બાળીને કે શુદ્ધ કરીને બનાવેલા વર્ણકો અને (3) કૃત્રિમ વર્ણકો.

લિમોનાઇટ, હીમેટાઇટ અને ક્વચિત્ મૅગ્નેટાઇટ જેવાં લોહધાતુખનિજોમાં રંગ માટે જરૂરી ઘટકો રહેલા હોય છે. જરૂરિયાત હોય તો તેમાં માટી અને મૅંગેનીઝ ઑક્સાઇડ ભેળવવામાં આવે છે. તેમાંથી ગેરુ, અંબર અને સિયેના બને છે. પ્રાગૈતિહાસિક કાળમાં મનુષ્ય આવાં દ્રવ્યોને તેમની વસાહતોમાં સુશોભન અને ચિત્રણના હેતુ માટે વાપરતો હતો. આવાં દ્રવ્યોનો રંગ ઝાંખો પડતો ન હોવાને કારણે પછીથી તેનો ઉપયોગ લોખંડ-પોલાદ જેવી ધાતુઓમાંથી બનાવેલી ચીજવસ્તુઓને, કોઠારોને, વાહનોને ઓપ આપવામાં થતો ગયેલો છે. વિવિધ રંગો અને તેનો ચળકાટ (તેજ) કે દેખાવ તેમાં વપરાતા ઘટકોના પ્રમાણ પર આધારિત હોય છે. આ માટે ઉપયોગમાં લેવાતાં ખનિજોની ઉત્પત્તિ માટે મુખ્યત્વે અવશિષ્ટ ખવાણની ક્રિયાથી થતાં સંકેન્દ્રણો કારણભૂત છે.

મિનરલ રેડ અથવા ઇન્ડિયન રેડના નામે ઓળખાતા આયર્ન ઑક્સાઇડનો બનેલો વર્ણક હીમેટાઇટ કે લોહયુક્ત ખનિજોના અવશિષ્ટ ખવાણથી તૈયાર થાય છે. વર્મિલિયન લાંબા કાળથી રંગદ્રવ્ય તરીકે વપરાતો રહ્યો છે. પર્શિયન રેડ નામે જાણીતો વર્ણક મૂળમાં ઇન્ડિયન રેડ જ છે; તેમાં Fe2O3નું પ્રમાણ 65 %થી 72 % હોય છે અને તે ઈરાનના અખાતી પ્રદેશમાંથી મળી રહે છે. સ્પેનમાંથી મળતો સ્પૅનિશ રેડ Fe2O3 નું 82 %થી 87 % પ્રમાણ ધરાવે છે તે લાલરંગી શુદ્ધ હીમેટાઇટ જ છે. મિનરલ યેલોબ્રાઉન વર્ણક એ લિમોનાઇટ છે, જેમાં થોડોક મૅંગેનીઝ ઑક્સાઇડ હોય છે.

ગેરુ એ 15 %થી 80 % લોહ ઑક્સાઇડ સહિતનું હીમેટાઇટ, લિમોનાઇટ અને માટીનું મિશ્રણ છે. તેને ભૂંજવાથી તે રતાશ પડતો કથ્થાઈ રંગ ધારણ કરે છે. અંબર પણ એક પ્રકારનો ગેરુ જ છે, તેમાં 11 %થી 25 % મગેનીઝ ઑક્સાઇડ રહેલો હોય છે. તે વિશિષ્ટ પ્રકારના કથ્થાઈ રંગનો હોય છે. તેને ભૂંજવાથી તે ગાઢો કથ્થાઈ રંગ ધારણ કરે છે.

સિયેના પણ ઓછા મગેનીઝ ઑક્સાઇડ અને વધુ લિમોનાઇટવાળો પીત-કથ્થાઈ ગેરુ જ છે. તેનું નામ ઇટાલીમાં આવેલા સિયેના પરથી પડેલું છે.

આ ઉપરાંત મિનરલ યેલો, ચાઇનીઝ યેલો, રોમન અર્થ જેવા પીળા વર્ણકોને ભૂંજવાથી તેમાં કથ્થાઈ ઝાંય (tint) ઉત્પન્ન થાય છે.

ગ્રીન અર્થ, ગ્રીન ઓકર, ટેરીવર્ટ, કેલાડોન અને વેરોના એ આછી ઝાંયવાળા લીલા વર્ણકો છે, જે લોહમૅગ્નેશિયમયુક્ત સિલિકેટ, ગ્રીન સ્ટોન અને ક્લોરાઇટસમૃદ્ધ ખડકોમાંથી મેળવાય છે. ચિરોડી, બેરાઇટ, શંખજીરું, સફેદ માટી અને અન્ય સફેદ ખનિજોમાંથી શ્વેત વર્ણકો તૈયાર કરવામાં આવે છે, તેમનો ઉપયોગ પ્લાસ્ટર, સિમેન્ટ અને પીસેલા ચૂનામાં તેમજ ઠંડા પાણી સાથે તૈયાર કરાતા રંગો બનાવવામાં થાય છે.

લાલ અને કાળા સ્લેટ, શેલખડકો કે અન્ય રંગીન ખડકો પણ કુદરતી ખનિજવર્ણકો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

ભારત, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, સાયપ્રસ, કાસ્પિયન સમુદ્ર, યુ.એસ. કુદરતી ખનિજવર્ણકોનાં મુખ્ય પ્રાપ્તિસ્થાનો છે.

કૃત્રિમ વર્ણકો : ગેરુ, અંબર, સિયેના, લોહધાતુખનિજો અને તાંબાનાં ધાતુખનિજો લાલ કે કથ્થાઈ રંગવાળા કૃત્રિમવર્ણકો તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાય છે. લાલ, પીળા, કથ્થાઈ અને કાળા રંગની જુદી જુદી ઝાંયવાળા કૃત્રિમ વર્ણકો ફેરસ સલ્ફેટ કે ફેરિક ક્લોરાઇડ જેવા લોહયુક્ત ક્ષારોમાંથી તૈયાર કરવામાં આવે છે. કાળા રંગો અને શાહી માટેના કાર્બન બ્લૅક બનાવવામાં પોલાદની ઠંડી તકતીઓને કુદરતી વાયુની જ્યોતથી બાળવામાં આવે છે.

મોટા ભાગના રાસાયણિક રંગો સીસા, જસત, બેરિયમ, ક્રોમિયમ, ટાઇટેનિયમ અને કાર્બનમાંથી તૈયાર થાય છે. સીસામાંથી બનતા રંગો રાસાયણિક અને ધાતુગાળણ-પદ્ધતિથી મેળવાય છે. કાર્બોનેટ, સલ્ફેટ, રેડ ઑક્સાઇડ, લાલ-કેસરી-પીળા ક્રોમેટ જેવાં સીસાનાં સંયોજનોનો ઉપયોગ કરીને પણ કૃત્રિમ વર્ણકો તૈયાર થાય છે, તેમાં 97 % સીસાની ધાતુ હોય છે. જસતના રંગો બનાવવામાં જસત ધાતુ અને ધાતુખનિજોનો ઉપયોગ થાય છે. મોટા ભાગના શ્વેત રંગો સીસા અને જસતના ઑક્સાઇડમાંથી બને છે. 70 % બેરિયમ સલ્ફેટ અને 30 % જસત સલ્ફાઇટ અને જસત ઑક્સાઇડથી બનેલો તેજસ્વી શ્વેત રંગ લિયોફોન તરીકે ઓળખાય છે. ટાઇટેનિયમથી બનતો શ્વેત રંગ ઊંચી ગુણવત્તાવાળો, સારી અપારદર્શકતા અને આવરણક્ષમતા ધરાવતો હોવાથી બેરિયમ, જસત અને સીસાથી બનતા શ્વેત રંગ માટેના બજાર પર સારી એવી અસર પડી છે.

કોઈ પણ વર્ણક તૈયાર કરવામાં વપરાતાં ખનિજોને દળવાં જરૂરી હોય છે. તેમના ગુણધર્મોમાં અપારદર્શકતા, આવરણક્ષમતા અને તૈલી પદાર્થ ગ્રહણ કરવાની ક્ષમતા હોવી જોઈએ; રાસાયણિક બંધારણ એટલું મહત્વનું ગણાતું નથી.

ગિરીશભાઈ પંડ્યા