ક્ષય, મગજ અને તેનાં આવરણોનો
January, 2010
ક્ષય, મગજ અને તેનાં આવરણોનો : મગજના આવરણના ચેપજન્ય વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. ક્યારેક ક્ષયના રોગને કારણે મગજમાં ગાંઠ થાય છે. બાળકોમાં ક્ષયના પ્રાથમિક ચેપ પછી મૅનિન્જાઇટિસ થઈ જવાનો ભય રહેલો છે. તેનું પ્રમાણ 1/1000 દર્દીઓ છે અને તેમાં મૃત્યુદર ઘણો ઊંચો છે. સામાન્ય રીતે ક્ષયના પ્રાથમિક ચેપ પછી 2થી 6 મહિને જવગંડિકાકારી ક્ષય(miliary tuberculosis) રૂપે તે શરીરમાં વ્યાપકપણે ફેલાય છે અને તે સમયે ક્ષયજન્ય તાનિકાશોથ થવાનો ભય રહે છે. મગજ, નાનું મગજ, કોરૉઇડ પ્લેક્સસ, મધ્યકર્ણ તથા કરોડના મણકામાંથી સીધેસીધો કે લોહી દ્વારા ક્ષયના રોગનો ફેલાવો થવાથી મૅનિન્જાઇટિસ થાય છે. મગજની આસપાસના પ્રવાહીને કેડમાંથી બહાર કાઢીને તપાસ કરવાથી નિદાન શક્ય બને છે. તેને અન્ય જીવાણુથી થતા મૅનિન્જાઇટિસથી અલગ પાડવામાં આવે છે. ઘણી વખતે રોગ ધીમે ધીમે વધે છે અને ક્યારેક તે ઉગ્ર સ્વરૂપે પણ જોવા મળે છે. મોટા ભાગના દર્દીઓને માથું દુખે, તાવ આવે, થાક લાગે, માનસિક ગૂંચવણ થાય, જુદા જુદા ચેતાતંત્રીય વિકારો (neurologic disorders) અને લકવો થાય, ઘેન ચડે અને દર્દી બેભાન બને છે. ક્યારેક તેના માનસિક વિકારોને કારણે માનસિક રોગ થયો એવું પણ જણાય છે. આઇસોનિયાઝિડ અને રિફામ્પિસિન ઉપરાંત, ત્રીજી દવા રૂપે ઇથિઓનેમાઇડ કે પાયરીઝિનેમાઇડ અપાય છે. મગજની આસપાસના પ્રવાહીમાં સ્ટ્રૅપ્ટોમાયસિનનું પ્રમાણ ઓછું રહે છે. શરૂઆતના ગાળામાં કૉર્ટિકોસ્ટીરૉઇડ આપવાથી લાંબા ગાળાની તકલીફો ઓછી રહે છે એવું કેટલાક નિષ્ણાતો માને છે.
ક્યારેક મગજમાં ક્ષયના ચિરશોથગડ(granuloma)ની ગાંઠ જોવા મળે છે. તેને ક્ષયાર્બુદ (tuberculoma) કહે છે. તે મગજની ગાંઠ કે કૅન્સરની જેમ જ ચિહનો અને લક્ષણો પેદા કરે છે. મગજની આસપાસના પ્રવાહીની તપાસ ઘણી વખતે કોઈ વિષમતા દર્શાવતી નથી. મગજની અન્ય ગાંઠોની જેમ જ તેની નિદાનપ્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા કરીને પેશી મેળવી શકાય છે. તેની સારવાર ક્ષયજન્ય મૅનિન્જાઇટિસ જેવી જ છે.
શિલીન નં. શુક્લ