ક્વેત્ઝાલકોટલ : પુરોહિત, લોકસેવક, શાસક, સર્પદેવ, આકાશદેવ એમ વિવિધ નામે ઓળખાતું પૌરાણિક પાત્ર. ટૉલ્ટેક પ્રજાના આ શાસકે મેક્સિકોમાં આવેલી પ્રાચીન રાજધાની તુલા ઉપર બાવીસ વર્ષ રાજ્ય ભોગવ્યું હતું. યાદવાસ્થળીમાં હારવાથી પોતાના મોટા સમૂહ સાથે એણે કહેવાતી દરિયાઈ સફર કરી હતી; પોતાના જન્મવર્ષે પાછા ફરવાની પ્રતિજ્ઞા સાથે તે નાસી છૂટ્યો હતો. માનવબલિદાનનો વિરોધી ક્વેત્ઝાલકોટલ આ વિસ્તારનો સંસ્કારપુરુષ હતો. ટૉલ્ટેક પ્રજાએ ઈ. સ. 770માં ક્વેત્ઝાકોટલનું ધ્યાનાકર્ષક મંદિર બાંધ્યું હતું, જેના મુખભાગ ઉપર સપિચ્છ સર્પાકૃતિ શોભે છે.
રસેશ જમીનદાર