ઘોરપડે, જયસિંહ (જ. 2 ઑક્ટોબર 1930, પંચગીની; અ. 29 માર્ચ 1978, વડોદરા) : વડોદરાના ક્રિકેટ ખેલાડી. આખું નામ જયસિંહરાવ માનસિંહરાવ ઘોરપડે. તે ચશ્માંધારી, આક્રમક જમોડી બૅટ્સમૅન તથા લેગ-બ્રેક અને ગૂગલી બૉલર હતા.
‘મામાસાહેબ’ ઘોરપડેના હુલામણા નામે જાણીતા જયસિંહ ઘોરપડે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં વડોદરા અને મહારાષ્ટ્ર તરફથી રમ્યા હતા. તેમણે 1952–53માં વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો હતો અને પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટેસ્ટ(19થી 25 ફેબ્રુઆરી 1953)માં તેમણે ટેસ્ટપ્રવેશ મેળવ્યો હતો. પછી 1955–56માં તેઓ પ્રવાસી ન્યૂઝીલૅન્ડ સામે રમ્યા હતા. 1956–57માં ઑસ્ટ્રેલિયા અને 1958–59માં વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે ટેસ્ટ-શ્રેણીમાં રમ્યા હતા. 1959માં તેમણે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો.
તેમણે 8 ટેસ્ટમૅચોના 15 દાવમાં 41 રનના સર્વોચ્ચ વ્યક્તિગત જુમલા સાથે કુલ 229 રન નોંધાવ્યા હતા. કવર-પૉઇન્ટના ઉત્કૃષ્ટ ફિલ્ડર તરીકે 4 કૅચ ઝડપ્યા હતા.
વડોદરા તરફથી રણજી ટ્રૉફીમાં રમતાં 1957–58માં રાજસ્થાન સામે તેમણે પ્રથમ કક્ષાનો 123 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો.
1952–53માં પ્રવાસી પાકિસ્તાન સામે ભારતીય યુનિવર્સિટી ટીમમાં રમતાં તેમણે 19 રનમાં 6 વિકેટો ઝડપી હતી.
47 વર્ષની યુવાનવયે તેમનું અકાળ અવસાન થયું ત્યારે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના સભ્ય હતા.
જગદીશ બિનીવાલે