ઘોડો : માનવને અત્યંત વફાદાર એવું એક પાલતુ સસ્તન પ્રાણી. હજારો વર્ષોથી ઘોડો વાહન તરીકે, ખેતીમાં, શિકારમાં અને યુદ્ધમાં માનવીની સેવા બજાવે છે. ઉદયપુરના નાગરિકોએ તો એક વિશાળ ચોકને ‘ચેતક’ નામ આપીને રાણા પ્રતાપના ચેતકને ચિરસ્મરણીય બનાવ્યો છે. ‘રેકલેસે’ નામથી ઓળખાતા એક કોરિયાના ઘોડાએ 1950–53ના યુદ્ધમાં બતાવેલ શૌર્ય બદલ તેને ‘સાર્જંટ’નો હોદ્દો પ્રદાન કરવા ઉપરાંત, સુવર્ણચંદ્રક દ્વારા તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. સ્વયંચાલિત યંત્રોના આજના જમાનામાં ઘોડાનો ઉપયોગ મોટે ભાગે રમત અને મનોરંજન જેવા પ્રસંગ પૂરતો મર્યાદિત રહ્યો છે. પોલીસ કે મિલિટરી જેવા તંત્રમાં પણ ઘોડાનો ઉપયોગ અગાઉ કરતાં ઓછો થઈ ગયો છે.

ઘોડો વિષમ અંગુલિ ધરાવે છે. તે ખરી ઉપર ઊભો રહે છે અને બાકીની બે આંગળીઓ જમીનને સ્પર્શતી નથી. તેનો સમાવેશ ઇક્વિડી કુળમાં કરવામાં આવે છે. શાસ્ત્રીય નામ ‘Equus caballus’. મંદ ગતિ (pace), રવાલ, ખદડુક (trot) અને કૂદકા-ચાલ (galloping), એમ તેની વિવિધ પ્રકારની ચાલ હોય છે. વન્ય અવસ્થાના ઘોડા તીવ્ર સંવેદના (senses) અને ઝડપી ગતિને કારણે ટકી રહે છે. તેની ગંધશક્તિ અને શ્રવણશક્તિ માનવ કરતાં તીવ્ર હોય છે. ડોક લાંબી હોવાને કારણે મોટી આંખો વડે તે ચોફેર નજર ફેરવી શકે છે તેથી તેનું ર્દષ્ટિક્ષેત્ર વ્યાપક બને છે. તેના પગ સહેજ લાંબા અને તેનો નીચલો ભાગ પાતળો હોવાથી એક જ પાદાંગુલિ પર પોતાનું વજન ઊંચકી શકે છે. પગનો ઉપલો ભાગ દોડવામાં મદદરૂપ નીવડે છે. ફેફસાં પ્રમાણમાં વધારે હવા શોષી શકે છે. પરિણામે તેની સહનશક્તિ વધારે હોય છે. ઘોડો વધારે પરિશ્રમ વેઠી શકે છે.

ઘોડો

ઘોડા રંગે શ્યામ, ભૂરા, લાલ ભૂરા, પીળા, સોનેરી, શ્વેત કે મિશ્રિત રંગના હોય છે. તેમના શરીર પર રોમાવલિ હોય છે. શિયાળામાં તે વધે છે અને વસંત ઋતુમાં ખરે છે. જોકે કેશવાળી (mane) અને પૂંછડીના વાળ ક્યારેય ખરતા નથી. ઘોડો વનસ્પત્યાહારી પ્રાણી છે. નર ઘોડાને 40 દાંત હોય છે, જ્યારે માદાને 36 દાંત હોય છે. ચર્વણ દરમિયાન દાઢની મદદથી તે ખોરાકનો ભૂકો બનાવે છે. ચેતાકરણ(innervation)ના અભાવે તેની દાઢ હંમેશાં વૃદ્ધિ પામતી હોય છે. તેની વિષમ વૃદ્ધિ અટકાવવા ક્યારેક તેના દાંતને ઘસવા પડે છે. દંત-પરીક્ષણ ઉપરથી ઘોડાનું આયુ અંદાજી શકાય છે.

ઘોડાની આશરે 250 જેટલી જાત છે. કદમાં નાના ઘોડા(ટટ્ટુ)નું વજન આશરે 125 કિગ્રા. હોય છે જ્યારે સ્થૂલદેહી શાયર(મૂળ વતન, મધ્ય બ્રિટન)નું વજન 1000 કિગ્રા. જેટલું હોઈ શકે છે. ઘોડાની ઊંચાઈ 1.25થી 1.75 મીટર વચ્ચે હોય છે. તેનું સરેરાશ આયુષ 30 વર્ષ હોય છે; પરંતુ તેની આયુમર્યાદા 18થી 20 વર્ષ અંદાજવામાં આવે છે. ઘોડી 2 વર્ષથી 20 વર્ષ સુધી પ્રજનન-ક્ષમ હોય છે. સામાન્યપણે દરેક વખતે માદા એક બચ્ચાને જન્મ આપે છે. પ્રજનન માટે ખાસ પસંદ કરેલા ઘોડાને ‘stallion’ કહે છે અને મોસમમાં તેનો સમાગમ 40થી 50 માદા સાથે કરવામાં આવે છે.

ઉપયોગિતાની ર્દષ્ટિએ ઉછેરવામાં આવતા ઘોડાના કેટલાક મુખ્ય પ્રકાર નીચે મુજબ છે :

ક. સવારી-ઘોડા (saddle horse) : (ક : 1) અરબી : મૂળ વતન અરબસ્તાન, સહિષ્ણુતા અને ચપળતા માટે જાણીતા. આજે તેનો પ્રચાર લગભગ સર્વત્ર થયેલો છે. સ્વભાવે તે ઉમદા હોય છે. નવી જાતોની પેદાશ માટે ઘણી વાર અરબી ઘોડાને પસંદ કરવામાં આવે છે. તેની ઊંચાઈ 1.50થી 1.55 મી. અને વજન 390થી 450 કિગ્રા. હોય છે.

(ક : 2) થરો બ્રેડ : અરબી અને સ્થાનિક ઘોડાના સંકરણથી પેદા થયેલી પ્રજા. યુરોપમાં અને ખાસ કરીને બ્રિટનમાં શરતના ઘોડા તરીકે તેનો ઉપયોગ થાય છે. ઊંચાઈ 1.55થી 1.60 મીટર; વજન 450–590 કિગ્રા.

(ક : 3) અમેરિકન સવારી : મુખ્યત્વે અમેરિકામાં તેનો ઉછેર કરવામાં આવે છે. સવારી માટે આરામદાયક. ઊંચાઈ 1.50થી 1.60 મીટર. વજન 410થી 540 કિગ્રા.

(ખ) હળવી સવારી (light harness) : ધીમી ગતિ અને ખદડુક ચાલ શરતોમાં ઉપયોગી.

(ખ : 1) સપ્રમાણ ઉછેર (standard breed) : અમરિકી ઘોડા. ઊંચાઈ 1.55થી 1.60 મી. વજન 360થી 540 કિગ્રા.

(ગ) સ્થૂલદેહી (drought) : વજનમાં ભારે. શક્તિશાળી અને સૌથી ઊંચી જાત. તે ઉત્તર યુરોપના આદિકાળના વન્ય ઘોડાનો વંશજ ગણાય છે. યુદ્ધકાળમાં મજબૂત બખતરવાળા લશ્કરી અધિકારીઓ તેનો ઉપયોગ કરતા હતા. ઉપરાંત ભારે વજનના પરિવહનમાં વપરાતા વૅગન સાથે આ ઘોડાને જોડવામાં આવતો.

(ગ : 1) શાયર : બ્રિટનના સ્થૂલદેહી ઘોડાની એક જાત. ઊંચાઈ 1.60થી 1.65મી., વજન 820થી 1040 કિગ્રા.

(ઘ) ગાડીનો ઘોડો (coach horse) : આ ઘોડા સ્થૂલદેહી ઘોડાના પ્રમાણમાં ઓછા વજનવાળા હોય છે. આવા ઘોડાઓનો ઉપયોગ સવારી તેમજ શિકાર કરવામાં પણ થાય છે.

(ઙ) ટટ્ટુ (pony) : ઓછી ઊંચાઈ અને ઓછા વજનવાળો ઘોડો. બાળકોને પ્રિય. ઘણુંખરું ગામડામાં ટટ્ટુનો ઉપયોગ સવારી તરીકે તેમજ માલસામાનની હેરાફેરી માટે થાય છે. ઊંચાઈ 1.25 મીટરની આસપાસ, વજન 250–300 કિગ્રા.

ભારતના ઘોડાની કેટલીક જાતો

1. કાઠિયાવાડી (કાઠી અથવા કચ્છી) : મૂળ વતન રાજસ્થાન અને ઉત્તર ગુજરાત. સખત ગરમી ને ઠંડી સહન કરી શકે. સ્વભાવે ચપળ, રંગે લાલ, શરીર પર સફેદ કે કાળાં ટપકાં. 1860માં આ ઘોડાના ઉછેર માટે પાલનપુરમાં એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું.

કાઠિયાવાડી ઘોડો

2. મારવાડી : મજબૂત, સહિષ્ણુ અને દેખાવડા. ઊંચાઈ આશરે 1.5 મીટર. વજન 350 કિગ્રા. જેટલું. સરકસમાં ઉપયોગી.

મારવાડી ઘોડો

3. મણિપુરી : ચપળ અને દેખાવડી જાત. મુખ્યત્વે ઘોડદોડ અને પોલો રમતમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં માલસામાનની હેરાફેરીમાં તે બહુ ઉપયોગી છે. ઊંચાઈ 1.1થી 1.4 મીટર, વજન આશરે 300 કિગ્રા.

4. ભૂતાની : પંજાબથી ભૂતાન સુધીના હિમાલય પર્વતની તળેટીમાં જોવા મળે છે. બાંધો મજબૂત, લાંબા વાળ, ભરાવદાર પીઠ. ડુંગરાળ પ્રદેશમાં ભાર ઊંચકવા તેમજ સવારી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો બાંધો ટટ્ટુના જેવો હોય છે.

ભૂતાની ઘોડો

5. સ્પિતિ : હિમાલય પ્રદેશનો ટટ્ટુ. બાંધો મજબૂત, રોમાવલિ લાંબી; સવારી અને ભાર ઊંચકવામાં ઉપયોગી. લડાખમાં વિશેષ જોવા મળે છે.

સ્પિતિ ઘોડી

6. ચુમુરવી : સ્પિતિને મળતી એક જાત. તિબેટની ચુમુરની ખીણના નિવાસીઓનું વાહન.

અશ્વસંગોપન : ઘોડાને રહેવા માટે તબેલા બાંધવામાં આવે છે. તબેલાનું ક્ષેત્ર ઘોડાદીઠ 3 મી. x 3 મી. ગણાય છે. તબેલા સ્વચ્છ, સૂકા અને ઉજાસવાળા હોય તે આવશ્યક છે. લીલું કે સૂકું ઘાસ અને દાણા ઘોડાનો મુખ્ય ખોરાક હોય છે. દાણા કે સૂકા ઘાસને તે હોઠ વડે ખાય છે. જમીન પરના લીલા ઘાસને દાંત વડે કરડી ખાય છે. તબેલામાં સૂકા ઘાસને અભરાઈ કે જાળ પર ઊંચી ભૂમિકા પર મૂકવામાં આવે છે, જેથી ઘોડો સહેલાઈથી તે ખાઈ શકે. ઘોડો ખોરાક ધીમે ખાય છે. તેથી તોબરાથી પણ ઘોડાને ખોરાક ખવડાવવામાં આવે છે. રોજ તે આશરે 30–40 લિટર પાણી પીએ છે. ઘોડાને પસીનો વધુ થતો હોવાથી તેના ખોરાકમાં મીઠું ભેળવીને ખવડાવવો, બ્રશ વડે ઘોડાને રોજ સાફ કરવો, કેશવાળી અને પૂંછડીને કાંસકી વડે ઓળવાં, ખરી પર નાળ જડવી અને તેમાં કચરો પેસે નહિ તેની તકેદારી રાખવી ઇત્યાદિ પ્રકારની સંભાળ આવશ્યક ગણાય છે.

ઘોડાની રમતો અને મનોરંજક પ્રદર્શની : ઘોડા વગર સરકસનું અસ્તિત્વ કલ્પી ન શકાય. વિઘ્ન(obstacle)-દોડ, છલંગ-કૂદકો અને નૃત્ય જેવા ઘોડાના મનોરંજનાત્મક કાર્યક્રમો ઘણા આકર્ષક હોય છે. પોલો અને ઘોડદોડની શરતો ઘણા દેશોમાં નિયમિતપણે મોટા પાયા પર યોજવામાં આવે છે.

યોગેશ મણિલાલ દલાલ

મ. શિ. દૂબળે