ઘોરાલ (the great Indian bustard)

February, 2011

ઘોરાલ (the great Indian bustard) : વંશ Gruiformesના Otididae કુળનું લગભગ લુપ્ત થવા આવેલી જાતનું એક ભારતીય પક્ષી. શાસ્ત્રીય નામ Choriotis nigriceps. ઘોરાલ કે ઘોરાડ સૂકાં વેરાન, છૂટાંછવાયાં ઊગેલાં ઝાડવાંવાળાં ઘાસનાં વિશાળ સપાટ મેદાન, ખાડાટેકરાવાળા વિસ્તારો અને તેની આસપાસ આવેલાં ખેતરોમાં મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં તે ભારતના વિશિષ્ટ પ્રદેશોમાં ઘણી વાર 20થી 30ના ટોળામાં જોવા મળતાં. હવે છૂટાંછવાયાં કે 5થી 10ના ટોળામાં કોઈક વાર નજરે પડે છે. ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળે છે.

ઘોરાલનો બાંધો શાહમૃગ જેવો મજબૂત હોય છે. તેની ડોક અને પગ લાંબાં હોય છે. તેના શરીર પરનાં પીછાં આછા કથ્થાઈ રંગનાં, માથા પરનાં કાળાં અને ડોક પરનાં સફેદ રંગનાં હોય છે. પગ ઘેરા પીળા હોય છે. કદમાં ગીધથી સહેજ મોટું, ઊંચાઈ આશરે 1 મીટર, લંબાઈ 1.25 મીટર, જ્યારે પાંખનો વિસ્તાર 2 મીટર કરતાં પણ વધારે હોય છે. ઘોરાલ ત્વરિત વેગે ઊડનારું હોવા છતાં ભારે શરીરને લીધે તે જમીનથી બહુ ઊંચે ચડતું નથી. ઘોરાલ શરમાળ અને બીકણ પક્ષી છે અને માનવીથી તે દૂર રહે છે. તેનું માંસ સ્વાદિષ્ટ ગણાતું હોવાથી તે શિકારીનું નિશાન બને છે જ્યારે શિયાળ, કૂતરા, ઘો અને ગરુડ જેવાં પ્રાણીઓ તેનું ભક્ષણ કરે છે. ઘાસનાં બીજ અને અનાજના દાણા જેવા વનસ્પત્યાહાર ઉપરાંત, ખેતીને નુકસાનકારક એવાં કીટકો, સરીસૃપો અને ઉંદર જેવાં પ્રાણીઓને પણ તે ભક્ષે છે.

ઘોરાલ

કદમાં માદા કરતાં નર સહેજ ઊંચો હોય છે. નરની છાતી પર એક કાળો પટ્ટો જોવા મળે છે. માદામાં સામાન્યપણે આ પટ્ટો દેખાતો નથી. પ્રજનનકાળ સામાન્યપણે માર્ચથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. નર ઘોરાલ પ્રજનનકાળ દરમિયાન માદાને એકત્રિત કરી પોતાના તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સહેજ ઊંચાણવાળા સ્થળે રહી નૃત્યલીલા આરંભ કરે છે. તેની ડોકમાં એક કોથળી આવેલી હોય છે તેને તે ફુલાવે છે. કોથળી ફૂલતાં ડોક અને માથું ઢંકાઈ જાય છે. પૂંછડીને વાળીને તે પીઠ સુધી ફેલાવે છે. છાતી પરનાં પીછાંને કાઢી નાખે છે અને ખૂબ અવાજ કરે છે. આ બધા અખતરા માદાને આકર્ષવા અને હરીફ નરને પડકારવા માટે હોય છે. માદા એક જ ઈંડાને ઘાસ અને છોડ હોય તેવા ખુલ્લા મેદાનમાં મૂકે છે. આ ઈંડું ભૂરું-લીલું હોય છે. સેવન અને બચ્ચાની સંભાળની જવાબદારી માદા ઉપાડે છે.

ઘોરાલને લુપ્ત થતું અટકાવવા સુરક્ષિત (protected) પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 1969માં ભારતમાં ઘોરાલની કુલ વસ્તી 1200 હતી તે 1979માં 1000 થઈ. છેલ્લા 2–3 દાયકાથી ગુજરાતના કચ્છ-વિસ્તાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘોરાલની વસ્તી અત્યંત દુર્લભ થઈ ગઈ છે. ત્યાં ભાગ્યે જ એકલદોકલ ફરતા ઘોરાલને જોઈ શકાય. કર્ણાટકના રાણેબત્તૂર ખાતે ઘોરાલ માટે અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે. એવા જ એક બીજા અભયારણ્ય માટે મહારાષ્ટ્રમાં આશરે 7000 મી. વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. આ પ્રદેશોમાં ઘોરાલની વસ્તી ધીમે ધીમે વધવા માંડી છે. ઘોરાલને લુપ્ત થતું અટકાવવા માટે જયપુર ખાતે 1980માં ભારતીય પ્રવાસ નિગમ અને વન્ય-જીવ (wild-life) સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક યોજના ઘડી કાઢવામાં આવી છે.

યોગેશ મણિલાલ દલાલ