ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ

January, 2010

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ (જ. 10 એપ્રિલ 1916, લંડન; અ. 14 ફેબ્રુઆરી 2002, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : ઇંગ્લૅન્ડના સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ. અધ્યયન કેમ્બ્રિજમાં માકટન કૉમ્બ સ્કૂલ અને ક્રાઇસ્ટ કૉલેજમાં પૂરું કરીને ઉત્તર રહોડેશિયામાં રોડ્સ લિવિંગ્સ્ટન મ્યુઝિયમમાં ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાર બાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં ઍન્થ્રૉપૉલૉજીના પ્રોફેસર તરીકે સેવા આપી.

જૉન ડેસ્મન્ડ ક્લાર્ક

તેમણે ઉત્તર રહોડેશિયાના નૅશનલ મૉન્યુમેન્ટ કમિશનમાં કામ કર્યું,અને વિવિધ સ્થળોએ વ્યાખ્યાનો આપ્યાં. તેમણે 1950થી આફ્રિકાના પ્રાગ્-ઇતિહાસ પર ગ્રંથો પ્રકાશિત કર્યા, તથા કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑવ્ આફ્રિકાના તંત્રી અને લેખક તરીકે 1982માં કામ કર્યું. તેમનાં કામ બદલ તેમનું અનેક રીતે સન્માન થયું હતું.

ર. ના. મહેતા