ક્લાર્ક, ગ્રેહામ ડગ્લાસ

January, 2010

ક્લાર્ક, ગ્રેહામ ડગ્લાસ (જ. 28 જુલાઈ 1907, શૉર્ટલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 સપ્ટેમ્બર 1995, કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના જાણીતા પુરાતત્વવિદ અને માનવવંશવિદ. તેમનું અધ્યાપનક્ષેત્ર કેમ્બ્રિજ યુનિવર્સિટી રહ્યું છે. 1935થી તેમણે આ કાર્ય શરૂ કર્યું હતું અને 1946માં તેઓ ત્યાં અધ્યાપક અને 1956માં વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમનું મુખ્ય કાર્ય પ્રાગૈતિહાસિક ક્ષેત્રમાં છે. 1982 સુધીમાં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તકોમાં ‘મેસોલિથિક સેટલમેન્ટ ઑવ્ નૉર્ધર્ન યુરોપ’, ‘આર્કિયૉલૉજી ઍન્ડ સોસાયટી’, ‘પ્રિહિસ્ટૉરિક યુરોપ, ધી ઇકૉનૉમિક બેઝિસ’, ‘વર્લ્ડ પ્રી-હિસ્ટરી : ઍન આઉટલાઇન’, ‘વર્લ્ડ પ્રી-હિસ્ટ્રી ઇન ન્યૂ પર્સ્પેક્ટિવ’, ‘ધ આઇડેન્ટિટી ઑવ્ મૅન ઍઝ સીન બાય ઍન આર્કિયૉલૉજિસ્ટ’ જેવાં મહત્વનાં તેમજ ‘એક્સકેવેશન્સ ઍટ સ્ટાર કાર’ નામના વિશદ અન્વેષણગ્રંથ આદિની ગણના થાય છે. સ્ટાર કાર ઇંગ્લૅન્ડના યૉર્કશાયર પરગણામાં આવેલું મેસોલિથિક યુગનું ખૂબ જાણીતું પુરાતત્વીય સ્થળ છે.

ઇંગ્લૅન્ડની પ્રીહિસ્ટૉરિક સોસાયટીના તેઓ પ્રમુખ હતા અને તેના મુખપત્રના તંત્રી તરીકે તેમણે ઘણું કામ કર્યું છે. ઉપરાંત ઇંગ્લૅન્ડ, ડેન્માર્ક, હોલૅન્ડ, ફિનલૅન્ડ, જર્મની, આયર્લૅન્ડ, ઇટાલી, સ્વીડન અને અમેરિકાની ઘણી સંસ્થાઓના સભ્ય છે. એમને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે; જેમાં સોસાયટી ઑવ્ ઍન્ટિક્વિટી, લંડનનો સુવર્ણચંદ્રક, વેન્નર ગ્રેન ફાઉન્ડેશનનો વાઇકિંગ મેડલ આદિ મહત્વના છે.

ર. ના. મહેતા