ક્લાર્ક, આલ્વા ગ્રેહામ (જ. 10 જુલાઈ 1832, ફૉલ રિવર મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.; અ. 9 જુલાઈ 1897, કેમ્બ્રિજ, મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : દૂરદર્શક(telescope)ના નિર્માતા ને ખગોળશાસ્ત્રી.
અભ્યાસની સમાપ્તિ પછી તેમણે પોતાના પિતા આલ્વા ક્લાર્ક અને ભાઈ જ્યૉર્જ બેસેટ ક્લાર્ક સાથે જોડાઈ ર્દક્કાચ(lens)નું ઉત્પાદન શરૂ કર્યું. ઓગણીસમી સદીમાં વક્રીભવન દૂરદર્શક(refracting telescope)ના સુવર્ણકાળ દરમિયાન આ આલ્વા ક્લાર્ક ઍન્ડ સન્સની પેઢીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપની ઘણી વેધશાળાઓને અદ્વિતીય દૂરદર્શક અને ર્દક્કાચ પૂરાં પાડ્યાં. વળી તેમણે કલિફના માઉન્ટ હેમિલ્ટનને 1888માં 91.44 સેમી.નો ર્દક્કાચ ચેકર્સમાં બનાવી આપ્યો. 1878માં હાલના લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ) પાસેની પુલ્કોવો વેધશાળા માટે 76.20 સેમી.નો; 1883માં શાર્લૉટ્સવિલની યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયા માટે 71.12 સેમી.નો; 1873માં વૉશિંગ્ટન ડી.સી.ની યુ.એસ. નેવલ ઑબ્ઝર્વેટરી માટે 60.96 સેમી.નો ર્દક્કાચ અને 1896માં ફ્લૅગસ્ટાફની લૉવેલ ઑબ્ઝર્વેટરી માટે પણ ક્કાચ બનાવી આપ્યા. 1897માં આશરે 100 સેમી. વ્યાસના ર્દક્કાચવાળું વક્રીભવન દૂરદર્શક વિસ્કૉન્સિનની વિલિયમ બેની ચેકર્સ વેધશાળા માટે બનાવી આપ્યું, જે આજ સુધીમાં બનાવાયેલાં દૂરદર્શકોમાં સૌથી મોટું છે. આમાંનું પુલ્કોવોનું દૂરદર્શક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાશ પામ્યું, પણ બીજાં બધાં દૂરદર્શક આજે પણ કાર્ય કરી રહ્યાં છે.
આ ઉપરાંત આશરે 47 સેમી.ના અરીસાની કસોટી કરતાં તેમણે જ શોધી કાઢ્યું કે સિરિયસ દ્વિઅંગી (binary) તારાઓના સમૂહમાંનો એક છે. તેમણે સિરિયસના સાથી તારાને પોતાના બનાવેલા દૂરદર્શક વડે શોધી કાઢ્યો તેમજ અન્ય 16 યુગ્મતારકો (double stars) પણ શોધી કાઢ્યા હતા.
વાસુદેવ યાજ્ઞિક