ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી

January, 2010

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી (જ. 13 જુલાઈ 1903, લંડન, બ્રિટન; અ. 21 મે 1983, હાઈથી, કૅન્ટ, બ્રિટન) : યુરોપિયન કલાના ઇતિહાસમાં ઊંડું સંશોધન કરનાર પ્રસિદ્ધ બ્રિટિશ કલા-ઇતિહાસકાર અને મ્યુઝિયમ-ક્યુરેટર.

ધનાઢ્ય સ્કૉટિશ પરિવારમાં ક્લાર્ક જન્મ્યા હતા. પિતા કાપડનો ધંધો કરતા હતા. ઑક્સફર્ડ ખાતેની વિન્ચેસ્ટર કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં તેમણે કલાના ઇતિહાસનો અભ્યાસ કર્યો. સહાધ્યાયિની એલિઝાબેથ જેઈન માર્ટિન સાથે તેમણે લગ્ન કર્યું હતું. એલિઝાબેથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ ક્લાર્કે ફ્લૉરેન્સ જઈ પ્રસિદ્ધ પીઢ કલા-ઇતિહાસકાર બર્નાર્ડ બેરેન્સનનું શિષ્યત્વ સ્વીકારી ઇટાલિયન કલાના ઇતિહાસનો બે વરસ સુધી અભ્યાસ કર્યો.

કૅનિથ મેક્કૅન્ઝી ક્લાર્ક

બ્રિટન પાછા ફરી 31 વરસની ઉંમરે 1933માં ક્લાર્કે ઑક્સફર્ડના ‘એશ્મોલિયન મ્યુઝિયમ’નું ક્યુરેટર-પદ સ્વીકાર્યું. બીજે જ વર્ષે આ પદ છોડી તેમણે લંડનની નૅશનલ ગૅલરીના ડિરેક્ટરનું પદ સ્વીકાર્યું; આ પદે તેઓ અગિયાર વરસ સુધી, 1945 સુધી રહ્યા. આ સાથે જ બ્રિટનના રાજકુટુંબના અંગત કલાસંગ્રહ ‘ધ કિન્ગ્ઝ પિક્ચર્સ’ના સર્વે-કર્તા તરીકે પણ અગિયાર વરસ માટે તેમની નિમણૂક થઈ હતી. 1954થી 1960 સુધી ‘ધ આર્ટ્સ કાઉન્સિલ ઑવ્ ગ્રેટ બ્રિટન’ના ચૅરમૅન-પદે તેઓ રહ્યા. 1954થી 1957 સુધી તેઓ બ્રિટનની ઇન્ડિપેન્ડન્ટ ટેલિવિઝન સોસાયટી ઑથોરિટીના પ્રથમ ચૅરમૅનપદે પણ રહેલા. આ પદેથી તેમણે ટેલિવિઝનના કાર્યક્રમો દ્વારા ચિત્ર અને શિલ્પની કલાઓને લોકભોગ્ય બનાવવાના પ્રયત્નો કર્યા. 1946થી 1950 સુધી તેમજ 1961થી 1962 સુધી તેઓ ઑક્સફર્ડ ખાતે ‘સ્લેઇડ પ્રોફેસર ઑવ્ ફાઇન આર્ટ’ની ચૅર પર કલા-ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે પ્રતિષ્ઠિત થયા.

લોકો સમજી શકે એવી સાદી ભાષામાં કલાના ઇતિહાસ અને વિકાસને આવરી લેતી ક્લાર્ક દ્વારા દિગ્દર્શિત ‘સિવિલાઇઝેશન’-શ્રેણી 1969માં પહેલી વાર બી.બી.સી. ઉપરથી બ્રોડકાસ્ટ થઈ હતી. આ ટેલિવિઝન-શ્રેણીમાં યુરોપની પ્રાગૈતિહાસિક કલાથી માંડીને વીસમી સદીની આધુનિક કલાની સમગ્ર પ્રવાસગાથાને વિગતવાર સમાવી લેવામાં આવી હતી.

પત્ની જેઇન 1976માં મૃત્યુ પામ્યાં. બીજે જ વર્ષે ક્લાર્કે નૉલ્વેન દ જાન્ઝે-રાઇસ સાથે લગ્ન કર્યું. 1920થી 1935 સુધીના મોટરકાર રેસના પ્રખ્યાત ફ્રેંચ ખેલાડી જાન્ઝે કોમ્તે ફ્રેડરિખની એ ધનાઢ્ય પુત્રી હતી.

પશ્ચિમી કલાના ઇતિહાસમાં અત્યંત પ્રમાણભૂત ગણાતાં ક્લાર્કનાં પુસ્તકો આ પ્રમાણે છે : (1) ‘ધ ગૉથિક રિવાઇવલ’ (1928), (2) ‘કૅટલૉગ ઑવ્ ધ વિન્ડ્સર લિયૉનાર્દો ડ્રૉઇન્ગ્ઝ’ (1935), (3) ‘પિયેરો દેલ્લ ફ્રાન્ચેસ્કા’ (1939), (4) ‘લૅન્ડસ્કેપ ઇનટુ આર્ટ’ (1949), (5) ‘મૉમેન્ટ્સ ઑવ્ વિઝન’ (1954), (6) ‘ધ ન્યૂડ’ (1956), (7) ‘લૂકિન્ગ ઍટ પિક્ચર્સ’ (1960), (8) ‘રૅમ્બ્રાં ઍન્ડ ધ ઇટાલિયન રેનેસાંસ’, (1966), (9) ‘સિવિલાઇઝેશન’ (1969), (10) ‘બ્લૅક ઍન્ડ વિઝનરી આર્ટ’ (1973), (11) ‘અનધર પાર્ટ ઑવ્ વૂડ’ (1974, આત્મકથાનો પ્રથમ ખંડ), (12) ‘ધી અધર હાફ’ (1977, આત્મકથાનો બીજો ખંડ), (13) ‘ફૅમિનાઇન બ્યૂટી’ (1980) અને (14) ‘ધ રોમૅન્ટિક રિબેલિયન’ (1986).

ક્લાર્ક ઘણાં સન્માનોથી વિભૂષિત થયેલા; તેમાંનાં કેટલાંક આ પ્રમાણે છે : (1) ‘નાઇટ કમાન્ડર ઑવ્ ધ બાથ’ (1938), (2) ‘નાઇટહૂડ’ (1953) ખિતાબ, (3) ‘કમ્પેનિયન ઑવ્ ઑનર’ (1959), (4) ‘બૅરનહૂડ’ (1969) પદ અને (5) ‘ધી ઑર્ડર ઑવ્ મેરિટ’ (1976).

અમિતાભ મડિયા