ક્લાઇસ્ટ, હાઇન્રિખ વૉન (Kleist Heinrich Von) (જ. 18 ઑક્ટોબર 1777, ફ્રૅન્કફર્ટ એન ડર ઑર્ડર, પ્રુશિયા; અ. 21 નવેમ્બર 1811, વાનસી, બર્લિન પાસે) : ઓગણીસમી સદીના મહાન જર્મન નાટ્યકાર. ફ્રાન્સ તથા જર્મનીના વાસ્તવવાદી, રાષ્ટ્રવાદી, અભિવ્યક્તિવાદી તથા અસ્તિત્વવાદી વિચારધારાના કવિઓએ તેમને પોતાના પ્રેરણાપુરુષ માન્યા. આ કવિને કોઈ દૈવી પ્રતિભાના પરિણામે આધુનિક જીવન તથા સાહિત્યની સમસ્યાઓનું પૂર્વદર્શન થયું હોવાનું કહેવાય છે.
તેમનો ઉછેર થયો અણગમતા લશ્કરી વાતાવરણમાં. પોતાને માટે પસંદ કરાયેલી લશ્કરી અધિકારીની કારકિર્દીથી તેમને ભારોભાર અસંતોષ હતો. સાત વર્ષ પછી એમાંથી રાજીનામું આપી થોડો વખત કાયદા તથા ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો; પરંતુ ઇમૅન્યુઅલ કૅન્ટની વિચારસરણીનું વાચન કર્યા પછી જ્ઞાનની ઉપયોગિતા પરથી તેમનો વિશ્વાસ ઊઠી ગયો. તેમણે અભ્યાસ છોડી દીધો અને ખેડૂત તરીકેનું જીવન વિતાવવા પહેલાં પૅરિસ અને ત્યાર બાદ સ્વિટ્ઝર્લૅન્ડ ગયા. ત્યાં 1803માં તેમણે પોતાની સર્વપ્રથમ કૃતિ ‘સ્ક્રોફેન્સ્ટીન ફૅમિલી’ નામની કરુણ નાટ્યરચના પ્રગટ કરી. ભૂલ કરવાની માનવસહજ વૃત્તિને નાટ્યવિષય બનાવતી આ કૃતિમાં મૂળે તો માનવીના જ્ઞાનની અધૂરપનો તેમની કૃતિઓમાં અવારનવાર ડોકાતો તાત્વિક વિષય જ આલેખાયો છે. આ જ ગાળામાં તેઓ ‘રૉબર્ટ ગિસ્કાર્ડ’ (1808) નામની બીજી કરુણ નાટ્યરચના પણ લખી રહ્યા હતા. અધૂરી રહેલી આ કૃતિમાં તેમણે પ્રાચીન ટ્રૅજેડી તથા શેક્સપિયરના પાત્રપ્રધાન નાટ્યસ્વરૂપનો સમન્વય સાધવાની કોશિશ કરી છે. ત્યાર પછી નવેસર પૅરિસનો પ્રવાસ આદર્યો. ત્યાં કશીક હતાશાને વશ થઈને તેમણે પોતાની તમામ હસ્તપ્રતો બાળી નાખી. ફ્રાન્સમાંથી દેશનિકાલ કરાયા પછી તેઓ પૂર્વ પ્રશિયા ગયા. ત્યાં સનદી જગ્યા માટે ઉમેદવારી નોંધાવી, પરંતુ તાલીમ દરમિયાન જ રાજીનામું આપી દીધું. ફરીથી લેખનપ્રવૃત્તિ શરૂ કરી શકાય એ આશયથી તેઓ ડ્રિસડેન ગયા; પરંતુ ત્યાં ફ્રેન્ચ સત્તાધિકારીઓએ જાસૂસીના આરોપ બદલ તેમને છ માસ જેલમાં પૂર્યા.
1807થી 1809 ડ્રિસડેનમાં રહ્યા તે દરમિયાન આદમ મુલર જેવા રાજકારણી વિચારકના સહયોગથી ‘ફોબસ’ નામનું વિશિષ્ટ સામયિક શરૂ કર્યું. જેલવાસ દરમિયાન 1807માં પ્રગટ થયેલા મૉલિયેરના નાટકનું રૂપાંતર ‘ઍમ્ફિટ્રિયોન’ નોંધપાત્ર બની શક્યું, પણ 1808માં પ્રગટ થયેલા ‘પેન્થીસિલિયા’ નાટકને તત્કાળ બહુ ઓછો આદર સાંપડ્યો હતો. આજે હવે એમાંનાં વિષયગાંભીર્ય, ભાવોની ઉત્કટતા તથા અત્યંત સમર્થ કાવ્યશક્તિને પરિણામે તેમને અનન્ય જર્મન કવિ લેખવામાં આવે છે. તેમણે પદ્યમાં લખેલી એકાંકી કૉમેડી ‘ધ બ્રોકન પિચર’નું માર્ચ, 1808માં ગેટેએ નિર્માણ કર્યું પણ એ રજૂઆત નિષ્ફળ નીવડી. અલબત્ત, જર્મનીના નાટ્યસાહિત્યની શ્રેષ્ઠ કૉમેડીમાં તેની ગણના અવશ્ય થાય છે. નેપોલિયન સામેના સંભવિત બળવાથી પ્રેરાઈને 1808ના અંતભાગમાં ઉગ્ર અને ઉશ્કેરણીભર્યાં યુદ્ધકાવ્યો પણ તેમણે લખ્યાં. સાથોસાથ ‘ધ વૉરિયર્સ બૅટલ’ નામની રાષ્ટ્રવાદથી રંગાયેલી ટ્રૅજેડીની પણ તેમણે રચના કરી. તેમની આઠ નવલકથાઓમાં પ્રશસ્ય રચનાકૌશલ જોવા મળે છે. તેમની છેલ્લી નાટ્યકૃતિ ‘ધ પ્રિન્સ ઑવ્ હેમ્બર્ગ’નું 1821માં મરણોત્તર પ્રકાશન થયું. આ ઉત્તમ કોટિની મનોવૈજ્ઞાનિક નાટ્યકૃતિનો સમસ્યામય નાયક તેમનું સુંદર સર્જન છે. એ પાત્રાલેખનમાં વીરતા અને ભીરુતા તથા સ્વપ્નશીલતા અને કાર્યરતતા વચ્ચેની ક્લાઇસ્ટની પોતાની જ દોલાયમાન સ્થિતિનું નિરૂપણ છે.
છેલ્લે છ માસ માટે એક દૈનિકનું સંપાદન કર્યું પણ તે બંધ પડતાં આજીવિકાનું કોઈ સાધન રહ્યું નહિ. આથી જિંદગીમાં હતાશા આવી ગઈ. વળી પોતાના જીવનકાળ દરમિયાન પોતાની પ્રતિભાની યથોચિત કદર નથી થઈ એવી લાગણીના પરિણામે તેમનામાં રંજ અને કટુતા પ્રવેશ્યાં હતાં. આ જ ગાળામાં આ વિચક્ષણ સર્જક હેનરિટી બૉગેલ નામની બીમાર સ્ત્રીના પરિચયમાં આવ્યા. બીમારીથી કંટાળેલી એ સ્ત્રીએ તેમને તેની હત્યા કરવા વિનંતી કરી. એમાંથી ક્લાઇસ્ટને પોતાને પણ પોતાની જિંદગી ટૂંકાવવાનું આખરી નિમિત્ત મળ્યું. વાન્સી નદીના કાંઠે હેનરિટીને અને પોતાની જાતને પિસ્તોલથી ઠાર કરી મૃત્યુ નોતર્યું.
મહેશ ચોકસી