ક્રોનનો રોગ (Crohn’s disease) : આંતરડામાં લાંબા ગાળાનો શોથજન્ય (inflammatory) રોગ. તેને સ્થાનિક અંતાંત્રશોથ (regional ileitis) પણ કહે છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી; પરંતુ જનીનીય (genetic) અને પ્રતિરક્ષાલક્ષી (immunological) પરિબળોની અસર તેમાં કારણભૂત મનાય છે. તેને કારણે મોંથી ગુદા સુધીના સમગ્ર અન્નમાર્ગમાં જુદી જુદી જગ્યાએ, અનિયમિતપણે રોગગ્રસ્ત વિસ્તારો(lesions) જોવા મળે છે. નાના આંતરડાના છેડાના ભાગને અંતાંત્ર (ileus) કહે છે. અંતાંત્ર તથા જમણી બાજુ આવેલું મોટું આંતરડું સૌથી વધુ અસરગ્રસ્ત બને છે. અસરગ્રસ્ત આંતરડાની આખી દીવાલમાં શોથ ઉદભવે છે.

કારણો : તે મોટે ભાગે જીવનના બીજા અને ત્રીજા દશકામાં થાય છે અને યુરોપિયન પ્રજામાં, શ્વેત પ્રજામાં તથા યહૂદીઓમાં વધુ જોવા મળે છે. 20 %થી 40 % કિસ્સામાં એક જ કુટુંબની અનેક વ્યક્તિઓ રોગગ્રસ્ત થયેલી જોવા મળે છે. વળી જોડિયાં બાળકોમાં જો એકને તે થાય તો બીજાને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. સિગારેટના ધૂમ્રપાનની પણ રોગ થવાના દર પર અસર પડે છે. કોઈ ચોક્કસ કારણ નિશ્ચિત થયેલું નથી.

રુગ્ણવિદ્યા : આ રોગમાં કેટલીક રોગકારી પ્રક્રિયા થતી જોવામાં આવે છે, જેમ કે આંતરડાની અંદરની દીવાલના આવરણ(અધિચ્છદ, epithelium)ની પારગમ્યતા (permeability) તથા તેમની પ્રતિજન (antigen) સાથેની પ્રક્રિયા બદલાય છે. આ કોષો વધુ પ્રમાણમાં ટૂંકી શૃંખલાવાળા ફૅટી ઍસિડ વાપરે છે અને તેથી આંતરડાના પોલાણમાં જોવા મળતાં કેટલાંક પ્રતિજનો જેવાં જ પ્રતિજનો તેની દીવાલમાં જોવા મળે છે. તેને કારણે તેની દીવાલની પેશીનો સતત નાશ થતો રહે છે. શરૂઆતમાં આંતરડાની લંબાઈને સમાંતર ચાંદાં પડે છે જે સમય જતાં એકબીજા જોડે જોડાય છે અને વચ્ચે વચ્ચે સામાન્ય શ્લેષ્મસ્તરના ‘ટાપુઓ’ રહી જાય છે.

લક્ષણો અને ચિહનો : નાના આંતરડાના ક્રોનના રોગમાં દર્દીને પેટમાં ચૂંક ઊપડે છે તથા ઝાડા થાય છે. પેટને અડતાં દુખાવો થાય છે, જેને સ્પર્શવેદના (tenderness) કહે છે. આંતરડાની આખી દીવાલમાં સોજો આવતો હોવાથી સમય જતાં તેમાં તંતુઓ જમા થાય છે, તેને તંતુતા (fibrosis) કહે છે. તંતુઓ જમા થવાને કારણે આંતરડાનું પોલાણ સાંકડું થાય છે અને તેથી તેમાં અવરોધ પેદા થાય છે. લાંબા સમય સુધી ચાલતા રોગમાં ચૂંક અથવા કોઈ ચોક્કસ સ્થળે ધીમો અને સતત દુખાવો તથા ઝાડા થાય છે અને મળમાર્ગે લોહી પડે છે, વજન ઘટે છે, તાવ આવે છે, રાત પડ્યે પરસેવો વળે છે, થાક અને અશક્તિ લાગે છે તથા સાંધા દુખે છે. જઠર અસરગ્રસ્ત થયું હોય તો જઠરના વ્રણ (peptic ulcer) જેવી તકલીફો થાય છે અને ઊબકા, ઊલટી તથા પેટના ઉપલા ભાગમાં દુખાવો થાય છે.

નિદાનલક્ષી કસોટીઓ અને તપાસ : પ્રયોગશાળાની તપાસ દરમિયાન પાંડુતા (anaemia), કુપોષણ તથા પ્રોટીનનો મળમાર્ગે વ્યય થયેલો જોવા મળે છે. લોહ, ફૉલિક ઍસિડ તથા વિટામિન બી12ની ઊણપને કારણે પાંડુતા થાય છે. લોહીમાં પ્રોટીન તથા ખાસ કરીને આલ્બ્યુમિન ઘટે છે. લોહીમાં કૅલ્શિયમ તથા અન્ય ક્ષાર-આયનો ઘટે છે. નાના આંતરડાના છેલ્લા ભાગમાં ચરબી અને મેદદ્રાવ્ય વિટામિનો(એ, ડી, ઈ તથા કે)નું અવશોષણ થાય છે. ત્યાંનો રોગ થયો હોય તો મેદદ્રાવ્ય વિટામિનની ઊણપ થાય છે.

આનુષંગિક તકલીફો (complications) : ક્યારેક આંતરડાની દીવાલમાં થયેલો શોથ ઊંડે સુધી પ્રસરે અને કોઈ મોટી નસ પણ ચાંદું પડવાને કારણે તૂટી જાય તો મળમાર્ગે ખૂબ મોટા પ્રમાણમાં લોહી પડે છે. ક્યારેક સક્રિય રોગને કારણે માણસ સખત માંદો થઈ જાય છે અને તે સમયે ઝેરી અસરને કારણે મોટું આંતરડું પહોળું થઈ જાય છે. આંતરડાની સમગ્ર દીવાલનો શોથ ઊંડે સુધી પ્રસરે ત્યારે સપાટી પરનાં ચાંદાં ઊંડે સુધી ચીરા રૂપે ફેલાય છે અને આમ તે શોથજન્ય ગડ, ગૂમડું તથા ક્યારેક પાસેપાસેના આંતરડાના બે ભાગને જોડતી રોગજન્ય નળી પણ બની જાય છે. તેને સંયોગનળી (fistula) કહે છે. ક્રોનનો રોગ થયો હોય ત્યારે આંતરડાનું ગ્રંથિકૅન્સર (adeno carcinoma) થવાની શક્યતા વધે છે. આ દર્દીઓમાં થોડા વધુ પ્રમાણમાં લોહીનું કૅન્સર, લસિકાર્બુદ (lymphoma) તથા પિત્તનળીનું કૅન્સર થતું માલૂમ પડ્યું છે.

ક્રોનના રોગની આંતરડા સિવાયના અન્ય અવયવો પર પણ રોગજન્ય અસર પડે છે. લાંબા ગાળાના રોગ પછી પોષણ અને ચયાપચયમાં વિષમતાઓ ઉદભવે છે. દર્દીના ખોરાકમાંનાં શક્તિદાયક દ્રવ્યોનું પાચન અને અવશોષણ ઘટે છે. તેવી જ રીતે વિટામિનો અને ધાતુક્ષારોનું અવશોષણ ઘટે છે. આ ઉપરાંત લોહી અને પ્રોટીનનો મળમાર્ગે વ્યય થતો હોવાથી પાંડુતા થાય છે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ઝિંક વગેરે ધાતુક્ષારો(minerals)ની ઊણપ ઊભી થાય છે. કૅલ્શિયમની ખામીને કારણે અસ્થિમૃદુતા (osteomalacia) થાય છે. ચરબી અને પિત્તક્ષારોનું અવશોષણ ઘટે છે અને તેથી પિત્તમાર્ગમાં પથરી થાય છે. કૅલ્શિયમ ઑક્ઝેલેટના અવશોષણની વિષમતાને કારણે મૂત્રમાર્ગમાં પણ પથરી બને છે. વળી આંતરડામાંના રોગને કારણે મૂત્રમાર્ગમાં પણ અવરોધ અને સંયોગનળી બને છે. ઝિંકની ઊણપ અથવા કૅન્ડિડા નામની ફૂગના ચેપને કારણે મોંમાં ચાંદાં અને હોઠ પર ચીરા પડે છે.

સારણી 1 : વિવિધ પ્રકારના સ્થિરાંત્રશોથ કરતા રોગો

  ચિહનલક્ષણ વ્રણકારી

સ્થિરાંત્રશોથ

ક્રોનનો રોગ અમીબાજન્ય

સ્થિરાંત્રશોથ

અરુધિરી

સ્થિરાંત્રશોથ

1. શરૂઆત ધીમી/ ઝડપી ધીમી ઝડપી/ધીમી ઝડપી
2. લક્ષણો મળમાર્ગે

લોહી પડવું,

ઝાડા,

ઝાડા, થોડું

લોહી પડવું

ચીકણા ઝાડા અચાનક

દુખાવો,

મળમાર્ગે

લોહી પડવું

3. ગુદાની

આસપાસ

સોજો

ક્યારેક મોટે ભાગે,

ઘણી વખત

મુખ્ય તકલીફ

કદી નહિ. કદી નહિ.
4. મળાશય-

અંતર્દશન

અથવા

નિરીક્ષા

(procto-

scopy)

વિસ્તૃત

અસર,

અડતાં

લોહી ઝમે.

સામાન્ય

દેખાવ

અથવા

છૂટાંછવાયાં

ચાંદાં;

ક્યારેક

વિસ્તૃત

અસર

વિસ્તૃત

અસર;

અથવા

છૂટાંછવાયાં

ચાંદાં

સામાન્યપણે

કોઈ

વિષમતા

નહિ.

5. ઍક્સ-રે-

ચિત્રણ

મોટા

આંતરડામાં

સળંગ

અસર

અથવા કોઈ

એક ભાગમાં

અસર

જમણી

બાજુનું મોટું

આંતરડું,

છૂટા છૂટા

અસરગ્રસ્ત

ભાગ

અનિયમિત

અસરગ્રસ્ત

ભાગ

મોટા

આંતરડાના

અંધાંત્ર

(caecum)

અને

શ્રોણીય

(sigmoid)

ભાગ

મોટે ભાગે

બરોળ

પાસેનું મોટું

આંતરડું

6. નાના

આંતરડાનો

છેલ્લો ભાગ

(અંતાંત્ર)

સામાન્ય

અથવા

પહોળો

થયેલો

સાંકડો

અથવા

સામાન્ય

સામાન્ય ક્યારેક

અસરગ્રસ્ત

7. રુગ્ણપેશી-

વિદ્યા

શ્લેષ્મ-સ્તર

(mucosa)ને

વિસ્તૃત અસર

દીવાલમાં

ઊંડે સુધી

અસર

શ્લેષ્મ-સ્તર

અને

અવશ્લેષ્મ-

સ્તરમાં

અસર

શ્લેષ્મ-સ્તર

અથવા ઊંડે

સુધી અસર

8. સંયોગનળી ના મોટે ભાગે ના ના

નાનાં બાળકોનાં વૃદ્ધિ અને લૈંગિક (sexual) વિકાસ અટકે છે. ક્યારેક તેમનામાં હાથપગના સાંધાનો સોજો, અજ્ઞાતમૂલ (idiopathic) તાવ, પાંડુતા તથા પેટમાંની તકલીફનાં લક્ષણો જોવા મળે છે.

સ્ત્રીઓમાં ક્યારેક થોડા સમય માટે ફલિતતા (fertility) ઘટે છે; પરંતુ જો સગર્ભાવસ્થા થાય તો નવજાત શિશુમાં કોઈ વિકૃતિ હોતી નથી. તેથી આવી સ્ત્રી માટે દવાની અને પોષણની કાળજી રાખવામાં આવે છે.

નિદાન : રોગનાં લક્ષણો અને ચિનહોનો સમગ્ર દેખાવ તથા વિકાસ નિદાનસૂચક છે. પ્રયોગશાળાની તપાસો અને ઍક્સ-રે ચિત્રણ વડે નિદાન થાય છે. રોગગ્રસ્ત વિસ્તારમાંથી ટુકડો લઈને તેનું જીવપેશી-પરીક્ષણ (biopsy) કરવામાં આવે છે. તે નિદાનસૂચક હોય છે. ક્રોનના રોગને મુખ્યત્વે વ્રણકારી સ્થિરાંત્રશોથ(ulcerative colitis)ને અરુધિરી અથવા અરુધિરવાહી (ischemic) કે અમીબાજન્ય સ્થિરાંત્રશોથથી અલગ પાડવો જરૂરી ગણાય છે. (જુઓ સારણી 1.)

સારવાર : રોગના ફેલાવા અને તેની તીવ્રતાને આધારે તેના ઉપચાર નક્કી કરાય છે. સલ્ફા સેલૅઝાઇન, મેસાલૅમાઇનની સારવાર કરવાથી રોગ શમે છે, પરંતુ આ દવા બંધ કરતાં તે ફરીથી સક્રિય બને છે. સલ્ફાપાયરિડિન, 5-ઍમિનોસેલિસિલિક ઍસિડ તથા મેસાલૅમાઇનના મિશ્રણને સેલૅઝાઇન કહે છે. કૉર્ટિકોસ્ટીરૉઇડની મદદથી રોગની તીવ્રતા ઘટે છે; પરંતુ જરૂર પૂરી થવાની સાથે તેને બંધ કરવામાં આવે છે, કેમ કે તેના લાંબા ગાળાના ઉપયોગને કારણે ઘણી આડઅસરો થઈ શકે છે. લાંબા ગાળાની સારવાર માટે પ્રતિરક્ષાદાબ (immuno-suppressant) દવાઓ તરીકે 6-મર્કેપ્ટોપ્યુરિન અને એઝાથાયૉપ્રિન અપાય છે. તેમનો આવો પ્રયોગ કેટલો સુરક્ષિત છે તે નિશ્ચિત નથી. આ દવાઓ સગર્ભા સ્ત્રીને આપી શકાતી નથી. મેટ્રોનિડેઝોલ પણ ઘણી વખતે અસરકારક નીવડે છે; પરંતુ તેના લાંબા ગાળાના પ્રયોગથી ચેતારુગ્ણતા (neuropathy) થાય છે અને તેથી ઝણઝણાટી થવી તથા ખાલી ચડવી વગેરે થાય છે.

રોગગ્રસ્ત ભાગને શસ્ત્રક્રિયા વડે દૂર કરવામાં આવે તો તે મોટે ભાગે ફરીથી થાય છે. તેથી સંયોગનળી કે અવરોધ જેવી આનુષંગિક તકલીફો થાય ત્યારે શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે. ક્યારેક અતિશય લોહી પડે અથવા દવાઓ સતત નિષ્ફળ નીવડે તોપણ શસ્ત્રક્રિયા કરાય છે. બાળકોમાં સ્ટીરૉઇડ અને અન્ય દવાઓથી સામાન્ય વૃદ્ધિ ઘટે અથવા કૉર્ટિકોસ્ટીરૉઇડને બંધ ન કરી શકાય તેવા રોગમાં પણ ક્યારેક શસ્ત્રક્રિયા કરાય છે.

ક્રોનના રોગની સારવારમાં સૌથી વધુ મહત્વ વિવિધ પોષક તત્વોની ઊણપ રોકવાને અપાય છે.

શિલીન નં. શુક્લ

સંજીવ આનંદ