ક્રોનિન, જેમ્સ વૉટસન (Cronin, James Watson) (જ. 29 સપ્ટેમ્બર 1931, શિકાગો, ઇલિનૉઇ, અ. 25 ઑગસ્ટ 2016, સેન્ટપૉલ, મિનેસોટા, યુ. એસ. એ.) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી. નિષ્ક્રિય (neutral) k-મેસોનના ક્ષયમાં મૂળભૂત સમમિતિના સિદ્ધાંતોના ઉલ્લંઘન(violation)ની શોધ કરવા બદલ ફિચ વાલ લૉગ્સ્ડન સાથે 1980માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા.

ક્રોનિન ટૅક્સાસના ડલાસની સધર્ન મેથડિસ્ટ યુનિવર્સિટીમાંથી 1951માં ગ્રૅજ્યુએટ થયા. પછી 1955માં યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યાર બાદ ન્યૂયૉર્કના અપટ્રોનની બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરીમાં જોડાયા. 1958માં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1971માં યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકપદે નિયુક્ત થયા. અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ તથા નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના તેઓ સભ્ય છે.

જેમ્સ વૉટસન ક્રોનિન

પ્રતિક્રિયામાં સમતાસંયોજન (combination of parity) અને ભારસંયુગ્મન (charge conjugation[C])ના ગુણધર્મનું સંરક્ષણ થાય છે એ માન્યતાને પડકારતાં 1956માં સુંગ દાઓ લી અને ચેન નિંગ યાંગે એવો દાવો કર્યો કે નિર્બળ પારસ્પરિક ક્રિયા(weak interaction)માં સમતા[parity (P)]ની જાળવણી(conservation) થતી નથી. 1964માં ક્રોનિન અને વાલ ફિચે, જેમ્સ ક્રિસ્ટેન્સન અને રેને ટર્લે સાથે આ સંયુગ્મન સમતાસંરક્ષણ(CP conservation)ની કસોટી નિષ્ક્રિય કેઓનના ક્ષય પર કરીને બતાવ્યું કે એક પ્રકારના કેઓનનો ક્ષય થવાથી તેનું પાયોનમાં રૂપાન્તર થાય છે, જેમાંનું એક સંયુગ્મન સમતા સંરક્ષણનું ઉલ્લંઘન કર્યા સિવાય થઈ શકતું ન હતું. ક્રોનિન અને ફિચે એ સિદ્ધ કર્યું કે ભારસંયુગ્મન (C), સમતા (P) અને સમય(T)ના ગુણધર્મો સંયોજિત હોય છે. તેથી ભારસંયુગ્મન સમતાનું ઉલ્લંઘન થાય તો સમયના વ્યુત્ક્રમ(reversal)ના સંબંધમાં પણ કેઓનનો ક્ષય સમમિતિવાળો (symmetrical) ન હોય.

સમયદિશાનું ઉત્ક્રમણ અવપરમાણ્વિક કણ(subatomic particales)ની કેટલીક પ્રતિક્રિયાના માર્ગનું સ્પષ્ટ ઉત્ક્રમણ ન પણ કરે એ તથ્યની આ સંશોધનથી સ્પષ્ટતા થઈ, કારણ કે ત્યાર પહેલાં એમ જ મનાતું હતું કે કણ પ્રતિક્રિયા સમયદિશા સાથે સંબંધ ધરાવતી નથી.

વાસુદેવ યાજ્ઞિક