ક્રેસૉલ : હાઇડ્રૉક્સિટૉલ્યુઇન અથવા ક્રૅસિલિક ઍસિડ. સૂત્ર C7H8O. તે ફીનૉલનાં મિથાઇલ વ્યુત્પન્ન છે. સામાન્ય રીતે તે રંગવિહીન પ્રવાહી અથવા સ્ફટિક-સ્વરૂપમાં મળે છે. હવા અને પ્રકાશની હાજરીમાં તે લાલાશ પડતો રંગ ધારણ કરે છે. તે બાષ્પનિસ્યંદિત (steam-volatile) હોય છે. જસત વડે અપચયન કરતાં તે ટૉલ્યુઇનમાં રૂપાંતર પામે છે. તેના ત્રણ સમાવયવોના ગ.બિં., અને ઉ.બિં. સારણીમાં આપ્યા છે.
સારણી
નામ | ગ. બિંદુ (°સે.) | ઉ. બિંદુ (°સે.) |
o – ક્રેસૉલ
(2–હાઇડ્રૉક્સિટૉલ્યુઇન) |
31 | 191 |
m – ક્રેસૉલ
(3- હાઇડ્રૉક્સિટૉલ્યુઇન) |
12 | 203 |
p – ક્રેસૉલ
(4 – હાઇડ્રૉક્સિટૉલ્યુઇન) |
35 | 202 |
તેમને અનુરૂપ (corresponding) સલ્ફૉનિક ઍસિડને આલ્કલી સાથે પિગાળી(fusion)ને અથવા અનુરૂપ ઍમિનોટૉલ્યુઇનનું ડાયએઝો સંયોજન બનાવી, તેનું જળવિભાજન કરી મેળવવામાં આવે છે. કોલસાના વિચ્છેદક નિસ્યંદન દરમિયાન બનતા ડામરમાંથી પણ તે મેળવવામાં આવે છે. કીટનાશકો (pesticides), ફીનૉલિક રેઝિનો, ચેપનાશકો (disinfectants), પ્રતિઉપચાયકો (anti-oxidants), સુઘટ્યકારકો (plasticisers) અને નીંદણનાશક(herbicide)ની બનાવટમાં તે ઉપયોગી છે. 4-6 ડાયનાઇટ્રો-ઑર્થોક્રેસૉલ અને 2-મિથાઇલ 4-ક્લૉરોફિનૉક્સિ-એસેટિક ઍસિડ આનાં ઉદાહરણો છે.
પ્રવીણસાગર સત્યપંથી