ક્રૅસ્ટૉન, પૉલ (Creston Paul) (જ. 10 ઑક્ટોબર 1906, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 24 ઑગસ્ટ 1985, સાન ડિયાગો, કૅલિફૉર્નિયા) : અમેરિકન સંગીતકાર અને સંગીતનિયોજક. અવનવા જીવંત લય માટે તેઓ ખાસ જાણીતા છે.

પૉલ ક્રૅસ્ટૉન

પિયાનો અને ઑર્ગનવાદન શીખ્યા પછી ક્રૅસ્ટૉને ન્યૂયૉર્ક નગરના સેંટ માલાથીઝ ચર્ચમાં ઑર્ગનવાદક તરીકેની કારકિર્દી શરૂ કરી. નૅશનલ ઍસોસિયેશન ફૉર અમેરિકન કમ્પોઝર્સ ઍન્ડ કન્ડક્ટર્સના પ્રમુખપદે તેઓ 1956થી 1960 સુધી રહ્યા. 1960માં તેમણે તુર્કી અને ઇઝરાયલનો પ્રવાસ કર્યો. ઑર્કેસ્ટ્રા માટેની બે કૃતિઓ ‘થ્રેનૉડી’ (1938) તથા ‘ટુ કોરિક ડાન્સિસ’ (1938) વડે ક્રૅસ્ટૉનની નામના થઈ. એમની સિમ્ફનીઓમાંથી ‘થર્ડ’ (ત્રીજી) (1950) અને ‘લેન્કેસ્ટર’ (1970) લોકપ્રિય થઈ. મધ્યયુગીન યુરોપના ‘ગ્રેગોરિયન ચાન્ટ્સ’ નામે ઓળખાતા શ્લોકગાનનો ઉપયોગ તેમણે તેમની ત્રીજી સિમ્ફની ઉપરાંત ‘કોરિન્થિયન્સ XIII’ (1963) નામની વૃંદગાન-કૃતિમાં પણ કર્યો છે. આ ઉપરાંત તેમની મહત્વની કૃતિઓ આ પ્રમાણે છે :

(1) ‘ઇન્વોકેશન ઍન્ડ ડાન્સ’ (ઑર્કેસ્ટ્રા માટે, 1953), (2) ‘જેનસ ફૉર સ્ટ્રિન્ગ્ઝ, પિયાનો ઍન્ડ પર્કશન’ (1959), (3) ‘સેકન્ડ સિમ્ફની’ (1945), (4) સિમ્ફનિક પોએમ ‘વૉલ્ટ વ્હિટમૅન’ (1951), (5) ‘પાવાને વેરિયેશન્સ’ (1966), (6) ‘કન્ચર્ટિનો ફૉર મારિમ્બા’, (7) ‘ર્હાપ્સોડી ફૉર સૅક્સોફોન ઍન્ડ ઑર્ગન’ (1976), (8) ‘કન્ચર્ટો ફૉર પિયાનો’, (9) ‘કન્ચર્ટો ફૉર સૅક્સોફોન’, (10) ‘ક્ધચર્ટો ફૉર વાયોલિન’, (11) એકલ (સોલો) વાયોલિન માટેની રચનાઓ, અને (12) ખ્રિસ્તી ધાર્મિક વૃંદગાનો.

અમિતાભ મડિયા