ક્રિસ્ટોબેલાઇટ

January, 2010

ક્રિસ્ટોબેલાઇટ : સિલિકાવર્ગની ખનિજનો સ્ફટિકમય પ્રકાર. રા. બં. : SiO2 (ક્વાર્ટ્ઝ, ટ્રિડીમાઇટ, કોએસાઇટ-સ્ટિશોવાઇટ સાથે બહુરૂપતાના ગુણથી સંબંધિત); સ્ફ.વ. : ક્યૂબિક, ટેટ્રાગોનલ ઊંચા તાપમાને ઉદભવતા ક્રિસ્ટોબેલાઇટ તરીકે ઓળખાતો પ્રકાર સાવર્તિક (isotropic) હોઈ ક્યૂબિક છે, જે 275°થી 220° સે. તાપમાન ગાળામાં ટેટ્રાગોનલ α-ક્રિસ્ટોબેલાઇટમાં પરિવર્તિત થાય છે. સ્વ. – 4.00 મિમી.થી નાના ઑક્ટાહેડ્રા, ક્વચિત્ ક્યૂબ જેવા સ્ફટિક, જથ્થામય તંતુઓ, અધોગામી સ્તંભ-સ્વરૂપ, સ્ફેરુલિટિક કે પોપડી અને દ્રાક્ષસમ ઝૂમખાસ્વરૂપ; રં. : સફેદ, પીળાશ પડતો, રાખોડી, વાદળી-રાખોડી, કથ્થાઈ; ચ. : અર્ધપારદર્શકથી પારદર્શક; રં. : બરડ; ક. : 6.50; વિ. ઘ. 2.33 ± 0.01; પ્ર. અચ. :

        (અ) વક્રી. : w = 1.484 (ટેટ્રાગોનલ)

                        e = 1.487

                        n = 1.485 – 1.487 (ક્યૂબિક)

                       (બ) 2v= —

પ્ર. સં. : એકાક્ષી –ve (ટેટ્રાગોનલ); પ્રા. સ્થિ. : 1470° સે.થી વધુ તાપમાને બિનપરિવર્તનશીલ સ્થાયી (stable) રહે છે, તેથી જ્વાળામુખી ખડકોમાં મળી આવે છે. ઉલ્કાઓમાં પણ મળે છે. ટ્રિડીમાઇટ સાથે પણ મળે છે અને પરરૂપતા ધારણ કરી ટ્રિડીમાઇટનું સ્થાનાંતર કરે છે.

મેક્સિકોના સાન ક્રિસ્ટોબાલ પર્વતના ઍન્ડેસાઇટ ખડકમાંથી તે મળી આવે છે. કૃત્રિમ ક્રિસ્ટોબેલાઇટના ઉષ્ણતા-અભ્યાસ દ્વારા તેના α અને β એવા બે પ્રકારો જાણવા મળેલા છે, જેમનું વ્યસ્ત તાપમાન 198° સે. અને 275° સે. વચ્ચેનું છે. α-ક્રિસ્ટોબેલાઇટ નીચા તાપમાનનું સ્વરૂપ છે અને અલ્પ દ્વિવક્રીભવન બતાવે છે. તેનો સ્ફટિકવર્ગ ટેટ્રાગોનલ હોઈ શકે. ઊંચા તાપમાનનું સ્વરૂપ β-ક્રિસ્ટોબેલાઇટ છે અને તેનો સ્ફટિકવર્ગ ક્યૂબિક છે, જે ઑક્ટાહેડ્રન સ્ફટિક-સ્વરૂપે મળે છે અને મોટે ભાગે સ્પાઇનેલ નિયમ મુજબ યુગ્મતા બતાવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે