ક્રિસ્ટો જાવાશૅફ

January, 2010

ક્રિસ્ટો જાવાશૅફ (Christo Javachef) (જ. 13 જૂન 1935, બલ્ગેરિયા; અ. 31 મે 2020, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : આધુનિક બલ્ગેરિયન કલાકાર. બાઇસિકલ, મહિલાથી માંડીને મકાન સુધ્ધાંને પૅકેજિંગ (Packaging) કરવાની પ્રવૃત્તિ વડે કલાસર્જન કરવા માટે તેઓ જાણીતા છે. આ વિશ્વમાં માત્ર ખાલીપો છે અને માત્ર સન્નાટો જ આરાધ્ય છે તેવી તેમની ફિલસૂફી તેમને આ પ્રકારની કલાસાધના તરફ ખેંચી ગઈ છે. આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિને, પશ્ચિમની ભૌતિકવાદી – ઉપભોક્તાવાદી સંસ્કૃતિને તેઓ કુરૂપ કહે છે, ધિક્કારે છે. 1970માં તેમણે યુરોપ અને અમેરિકાનાં ઘણાં મ્યુઝિયમોને અને મહેલોને કામચલાઉ ધોરણે કપડાં કે પ્લાસ્ટિક વડે પૅક કરીને બંધ કરી દીધાં. આ પ્રકારની કલા-પ્રવૃત્તિઓ ‘અર્થ-વર્ક’ (earth-work) નામે ઓળખાય છે.

1972થી 1976 દરમિયાન ક્રિસ્ટોએ પોતાનાં પત્ની અને 350 કલા- વિદ્યાર્થીઓની મદદ વડે કૅલિફૉર્નિયાના મૅરિન અને સોનોમા જિલ્લાઓના પૅસિફિક સાગરકાંઠે નાયલૉનના કપડાની બનેલી 5.79 મી. ઊંચી અને 41.03 કિમી. લાંબી વાડ ઊભી કરી. ચાર વરસ સુધી ચાલુ રહેલ આ પ્રવૃત્તિ માટે તેમણે 90,20,000 ડૉલરનું દાન વિવિધ દાતાઓ પાસેથી મેળવેલું. આ માટે તેમને વિવિધ સ્થાનિક સત્તાધીશો અને અંગત સંપત્તિ-માલિકો જોડે કચેરીઓમાં સંઘર્ષ પણ થયો. આવી

ક્રિસ્ટો જાવાશૅફ

અરૂઢ જણાતી આ કલાકૃતિ રચવા પાછળનો તેમનો હેતુ લોકોનું પ્રકૃતિ તરફ ધ્યાન ખેંચવાનો હોવાનું તેમનું કહેવું છે. ‘રનિંગ ફેન્સ’ નામે ઓળખાતી આ વાડમાં 5.79 મી.નો પનો ધરાવતું 57,436 મી. યાર્ડ નાયલૉન અને ટેકા માટે પ્રત્યેક 20 મીટર ધાતુના બનેલા અસંખ્ય થાંભલા વપરાયા. આ પાછળ હજારો કિલોમિટર લાંબી ચીનની દીવાલ જેવી ભવ્ય કૃતિ રચવાની નેમ ક્રિસ્ટોની હતી. સ્વાભાવિક રીતે જ આવી વિચિત્ર કલાકૃતિઓ વેચાણ માટે હોતી નથી. બે સપ્તાહ સુધી આ વાડને ઊભી રાખીને પછી તરત જ તેને ઉતારી લેવામાં આવી. વાડ ઊભી કરવાની પ્રવૃત્તિમાં તેમજ તેને ઉતારી લેવાની પ્રવૃત્તિમાં કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિને લેશમાત્ર નુકસાન પહોંચાડવામાં કે રંજાડવામાં આવે નહિ તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઊલટાનું માલ પૂરો પાડનારા અને મજૂરી કરનારા 350 વિદ્યાર્થીઓને 90,00,000 ડૉલરની ચુકવણી કરવામાં આવી.

1980માં ક્રિસ્ટો માયામી ફ્લોરિડા ગયા. ત્યાં બિસ્કાઇન અખાતમાં તેમણે અગિયાર નાનકડા ટાપુઓની આજુબાજુ સમુદ્રકાંઠે ગુલાબી રંગના પૉલિપ્રોપૅલિનનાં શીટ પાથરી દીધાં. આકાશમાં હેલિકૉપ્ટરમાંથી નીચે જોતાં એવું લાગે કે આ ટાપુઓને ગુલાબી રંગની બૉર્ડર મળી છે. આ માટે તેમણે 30,00,000 ડૉલરનું દાન મેળવીને ખર્ચ કર્યો હતો. ટાપુઓની અને સમુદ્રની જીવસૃષ્ટિને લેશમાત્ર નુકસાન પહોંચે નહિ તેની તકેદારી રાખવા માટે તેમણે નિષ્ણાત જીવવિજ્ઞાનીઓ રોક્યા હતા.

અમિતાભ મડિયા