ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ (જ. 29 ડિસેમ્બર 1809, લિવરપૂલ; અ. 19 મે 1898, ફિલન્ટશાયર, વેલ્સ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડમાં ચાર વખત વડાપ્રધાન બનનાર, ઉદારમતવાદી, સુધારાવાદી રાજનીતિજ્ઞ. ઈટન અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું; તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. 1832માં તેમણે એ સમયના ટોરી (રૂઢિચુસ્ત) પક્ષના નેતા સર રૉબર્ટ પીલના અનુયાયી તરીકે પાર્લમેન્ટમાં પ્રવેશ કર્યો; પરંતુ રૂઢિચુસ્ત પક્ષમાં રહેવા છતાં તેમનું માનસ પ્રગતિશીલ અને સુધારાવાદી રહ્યું હતું. પરિણામે 1846માં પીલના અવસાન પછી તે રૂઢિચુસ્ત પક્ષ છોડીને ઉદારમતવાદી (liberal) પક્ષમાં દાખલ થયા, અને ત્યાં ઝડપથી શક્તિશાળી નેતા તરીકે આગળ આવ્યા. તેમના આગમન પછી ઉદારમતવાદી પક્ષમાં પણ નવું જોમ આવ્યું. ગ્લૅડસ્ટને 1868થી 1874, 1880થી 1885, 1886ના ફેબ્રુઆરીથી ઑગસ્ટ અને 1892થી 1894 એમ ચાર વખત પ્રધાનમંડળ રચ્યાં હતાં.
તેમની ગૃહનીતિ અને સુધારાને ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મુખ્ય આ મુજબ છે : (1) પ્રાથમિક શિક્ષણ ચર્ચ પાસેથી રાજ્ય હસ્તક લઈને તેની જવાબદારી જિલ્લાસમિતિઓને સોંપવામાં આવી. તે ઉપરાંત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું. (2) લશ્કરમાં ઊંચા હોદ્દા ખરીદવાની પ્રથા બંધ કરવામાં આવી. અનામત લશ્કરી ટુકડીઓ શરૂ કરવામાં આવી. લશ્કરના સરસેનાપતિને યુદ્ધપ્રધાનના હાથ નીચે મૂકવામાં આવ્યા. (3) ન્યાયતંત્રમાં જુદી જુદી આઠ પ્રકારની હકૂમતોવાળી અદાલતો રદ કરી, એક જ સર્વોપરી અદાલતની રચના કરવામાં આવી. (4) સનદી નોકરીઓમાં ખુલ્લી હરીફાઈથી જગ્યાઓ પૂરવાનું તથા તે સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવાનું ઠરાવવામાં આવ્યું. (5) યુનિવર્સિટીઓમાં હોદ્દા તથા સ્કૉલરશિપ કે ફેલોશિપ માટે કૅથલિકો ઉપરના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા. (6) નશાકારક પીણાંની દુકાનો માટે લાઇસન્સ પ્રથા શરૂ કરવામાં આવી. (7) મજૂરોના સંઘો (trade union) કાયદેસર ગણવામાં આવ્યા. (8) ઇન્કમ ટૅક્સના દરમાં તથા જીવનજરૂરિયાતની ચીજો ઉપરના કરો ઘટાડવામાં આવ્યા. લોકોને બચતની ટેવ પડે તે માટે પોસ્ટ ઑફિસ સેવિંગ્ઝ બૅંકની શરૂઆત કરવામાં આવી. (9) પાર્લમેન્ટની ચૂંટણીઓમાં ગુપ્ત મતદાન પદ્ધતિ દાખલ કરવામાં આવી. મતાધિકારનો વિસ્તાર કરી, પોતાની માલિકીનું ઘર ધરાવતા દરેકને મતાધિકાર આપવામાં આવ્યો, જેને પરિણામે ઇંગ્લૅન્ડમાં વાસ્તવિક અર્થમાં લોકશાહીની સ્થાપના થઈ; મતવિસ્તારોની પુનર્રચના કરીને દરેક મતવિસ્તારદીઠ એક જ પ્રતિનિધિની જોગવાઈ કરવામાં આવી. ચૂંટણીમાં ભ્રષ્ટાચાર રોકતા કાયદા કરવામાં આવ્યા. (10) કારખાનામાં મજૂરને થતા અકસ્માત માટે માલિકને જવાબદાર ગણવામાં આવ્યા. (11) પરિણીત સ્ત્રીને પતિથી સ્વતંત્ર રીતે મિલકત ધરાવવાની છૂટ આપવામાં આવી. (12) જિલ્લામાં ગરીબોના કલ્યાણને લગતા કાયદાનો અમલ સ્થાનિક જિલ્લાસમિતિઓને સોંપવામાં આવ્યો તથા 300ની વસ્તીવાળાં ગામડાંને ચૂંટાયેલી ગ્રામસમિતિ આપી તેને રસ્તા, સફાઈ વગેરેની જવાબદારીઓ સોંપવામાં આવી.
ગ્લૅડસ્ટનના સમયમાં થયેલા આ સુધારા વ્યાપક, સર્વાંગી અને સમાજ માટે ફળદાયી હતા. આ સુધારાને કારણે જ ગ્લૅડસ્ટનને ઓગણીસમી સદીના ‘સૌથી મહાન સુધારક અને ઉદારમતવાદી રાજપુરુષ’, તથા તેના સમયને ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં ‘સુધારાનો બીજો મહાન યુગ’ ગણવામાં આવે છે.
આમ છતાં, ગ્લૅડસ્ટનને ઇંગ્લૅન્ડને તાબે રહેલા આયર્લૅન્ડની જનતાને સંતોષવામાં સફળતા ન મળી. જોકે તેમણે આયર્લૅન્ડના કૅથલિક ચર્ચને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરી કૅથલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું. તે ઉપરાંત તેમણે ગણોતિયા ખેડૂતોના લાભ માટે પણ કેટલાક કાયદા કર્યા; પરંતુ આયર્લૅન્ડના લોકોનો અસંતોષ ચાલુ રહ્યો તથા ઉગ્ર બન્યો, ત્યારે ગ્લૅડસ્ટને પોતાના ત્રીજા અને ચોથા પ્રધાનમંડળના સમયમાં બબ્બે વખત આયર્લૅન્ડને ‘સ્વશાસન’ (homerule) આપવાનો ક્રાંતિકારી ખરડો રજૂ કર્યો; પરંતુ પહેલી વખત તે ખરડો આમસભા(1886)માં અને બીજી વખત ઉમરાવસભામાં ઊડી ગયો (1894). આથી બંને વખત આ જ પ્રશ્ન ઉપર ગ્લૅડસ્ટને રાજીનામું આપ્યું. 1894 પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને જિંદગીનાં છેલ્લાં ચાર વર્ષો શાંતિમય જીવન જીવવામાં ગાળ્યાં.
વિદેશનીતિને ક્ષેત્રે ગ્લૅડસ્ટન સામ્રાજ્યવાદી નહિ, પણ શાંતિવાદી હતા. 1861માં અમેરિકાના આંતરવિગ્રહ વખતે બ્રિટનમાં બંધાયેલા ‘આલાબામા’ નામના યુદ્ધજહાજે અમેરિકન સંઘ સરકારને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. આને પરિણામે અમેરિકન સરકારે બ્રિટન પાસે વળતર માગ્યું ત્યારે ગ્લૅડસ્ટને આ વિવાદ યુદ્ધથી ઉકેલવાને બદલે આંતરરાષ્ટ્રીય લવાદને સોંપ્યો (1871–72) અને લવાદની સૂચના પ્રમાણે 30 લાખ પાઉન્ડ અમેરિકાને વળતર તરીકે પણ ચૂકવી આપ્યા. જોકે આનાથી ઇંગ્લૅન્ડનો પ્રજામત નારાજ થયો; પરંતુ ગ્લૅડસ્ટને આમાં ખોટી રાષ્ટ્રીય પ્રતિષ્ઠાને બદલે શાંતિને વધારે મહત્વ આપ્યું હતું.
આ ઉપરાંત તેમણે ઈ. સ. 1870માં યુરોપને હચમચાવી મૂકનારા ફ્રાન્કો-જર્મન યુદ્ધમાં તટસ્થતા અપનાવી હતી. આ યુદ્ધની સ્થિતિનો લાભ લઈને રશિયાએ કાળા સમુદ્રમાં લશ્કરી તાકાત વધારી દીધી. ત્યારે પણ તેમણે તેની ઉપેક્ષા કરી હતી. દક્ષિણ આફ્રિકાના ડચ બોઅરોએ બળવો કર્યો, ત્યારે યુદ્ધની નિરર્થકતા સમજીને તેમણે તેમને ‘બ્રિટિશ સામ્રાજ્યના નેજા નીચે સ્વાયત્તતા’ આપી હતી (1881). જોકે સમય આવ્યે તે કડક પણ થઈ શકતા હતા. તેમણે ઇજિપ્તમાં અરબી પાશાના અને સુદાનમાં મહદી પાશાના બળવાને કડક હાથે દાબી દીધા હતા.
ઇંગ્લૅન્ડના આ મહાન રાજપુરુષ કુલ 63 વર્ષ સુધી (1832–95) પાર્લમેન્ટના સભ્ય તરીકે દેશના રાજકારણ સાથે સંકળાયેલા રહ્યા હતા. આ દરમિયાન તેમણે 28 વર્ષ સુધી (1866–94) ઉદારમતવાદી પક્ષના નેતા તરીકે પક્ષને તથા ચાર વખત વડાપ્રધાન તરીકે દેશને ઉત્કૃષ્ટ કક્ષાની નેતાગીરી પૂરી પાડી હતી. તે એક અત્યંત પ્રામાણિક અને સન્નિષ્ઠ રાજપુરુષ હતા. રાજકારણને તેમણે કોઈ ખેલ કે વ્યવસાય કે આજીવિકાના સાધન તરીકે નહિ; પરંતુ હંમેશાં એક પવિત્ર ફરજ તરીકે ગણ્યું હતું. તેમની ગણના માત્ર ઇંગ્લૅન્ડના જ નહિ; પરંતુ લોકશાહી વિશ્ર્વના પણ એક મહાન વડાપ્રધાન તરીકે થાય છે.
દેવેન્દ્ર ભટ્ટ