ફિનૉલ : બેન્ઝિન વલય સાથે જોડાયેલ હાઇડ્રૉક્સિલ સમૂહવાળાં કાર્બનિક સંયોજનોનો પ્રથમ અને સાદામાં સાદો સભ્ય. બૃહદ્ અર્થમાં બેન્ઝિન વલય ઉપરાંત હાઇડ્રૉક્સિલ સમૂહ જોડાયેલ હોય તેવી સંકીર્ણ ઍરોમૅટિક વલય ધરાવતી પ્રણાલીઓના વર્ગ માટે પણ ‘ફિનૉલ’ શબ્દ વપરાય છે.

સાદા ફિનૉલને હાઇડ્રૉક્સિબેન્ઝિન, બેન્ઝોફિનૉલ, ફિનાનાઇલિક ઍસિડ અથવા કાર્બોલિક ઍસિડ પણ કહેવાય છે. શુદ્ધ ફિનૉલ રંગવિહીન, લાક્ષણિક વાસવાળો, સ્ફટિકમય ઘન પદાર્થ છે. તેનું ગ. બિં. 42° સે., ઉ. બિં. 182° સે. અને ઘનતા 1.07 છે. તે પાણીમાં સાધારણ દ્રાવ્ય છે, જ્યારે આલ્કોહૉલ, ઇથર, ક્લૉરોફૉર્મ, કાર્બન ડાઇસલ્ફાઇડ વગેરે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તે નિર્બળ ઍસિડ છે (pKa = 9.9), દહનશીલ છે અને ધુમાડાવાળી જ્યોતથી બળે છે. ફિનૉલ જીવાણુનાશક ગુણધર્મ ધરાવતો હોવાથી તેનાં મંદ દ્રાવણો ચેપનાશક તરીકે જૂના સમયથી વપરાય છે. તેનું સંકેન્દ્રિત દ્રાવણ ચામડી ઉપર દાહ નિપજાવે છે. ફિનૉલ પોતે ખૂબ જલદ દૈહિક (systemic) વિષ છે. ફિનૉલ તથા અન્ય સાદા ફિનૉલ નીચે દર્શાવ્યા છે :

આવાં અન્ય હેલો-સંયોજનો પણ બને છે.

વલયદીઠ એકથી વધુ હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતા ફિનૉલને પૉલિહાઇડ્રિક ફિનૉલ કહે છે. કૅટેકોલ, રિસોર્સિનૉલ, હાઇડ્રૉક્વિનોન, ફ્લોરોગ્લૂસિનૉલ તથા પાયરોગૅલૉલ આ પ્રકારના ફિનૉલ છે. ફિનૉલની પ્રક્રિયાઓ બે વિભાગમાં વહેંચી શકાય

(1) હાઇડ્રૉક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા : આલ્કલી હાઇડ્રૉક્સાઇડ સાથે ક્ષાર (લવણ) બનાવે છે :

C6H5OH + NaOH → C6H5ONa + H2O

ઇલેક્ટ્રૉન ઋણ્વીય વિસ્થાપક સમૂહ ધરાવતા ફિનૉલ (દા.ત., ટ્રાયક્લૉરોફિનૉલ) તો એટલા ઍસિડિક હોય છે કે તે બાયકાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે.

આલ્કોહૉલની માફક જ ફિનૉલ સોડિયમ ફિનૉક્સાઇડ અને એસ્ટર તથા ઇથર બનાવે છે. એસિટિક એન્હાઇડ્રાઇડ સાથે ફિનૉલ ફિનાઇલ ઍસિટેટ આપે છે. મિથાઇલ સલ્ફેટ અને સોડિયમ ફિનૉક્સાઇડ પ્રક્રિયા દ્વારા ઍનિસૉલ આપે છે. 2,4–ડાયક્લૉરોફિનૉલનું સોડિયમ ક્લૉરોઍસિટેટ સાથે ઇથરીકરણ કરવાથી 2,4–ડાયક્લૉરોફિનૉક્સી એસિટિક ઍસિડ (2,4–D) મળે છે, જે પ્રબળ લીલોતરીનાશક (herbicide) છે.

(2) ઍરોમૅટિક વલય સાથે પ્રક્રિયા : ઇલેક્ટ્રૉન-અનુરાગી વિસ્થાપન-પ્રક્રિયાઓની બાબતમાં (દા.ત., નાઇટ્રેશન, હેલોજનીકરણ, (halogenation), સલ્ફોનેશન, આલ્કિલેશન, ડાએઝો-યુગ્મીકરણ) ફિનૉલ ખૂબ જ ક્રિયાશીલ ઍરોમૅટિક સંયોજન છે. અહીં થોડાં ઉદાહરણ દર્શાવ્યાં છે :

ફિનૉલ ઉપચયન પ્રત્યે સંવેદનશીલ છે. ક્રોમિક ઍસિડ દ્વારા તેનું ઉપચયન થતાં ક્વિનોન બને છે.

ઉત્પાદન : પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ફિનૉલ કોલટારમાંથી મેળવાતો હતો. ઔદ્યોગિક ઉત્પાદન માટે તેની છ રીતો જાણીતી છે :

(i) સૌથી જૂની રીત : બેન્ઝિનના સલ્ફોનેશન દ્વારા (1915) :

(ii) રાશિગ પ્રવિધિ (1940માં શોધાયેલી) :

(iii) ડાઉ પ્રવિધિ (1924માં શોધાયેલી) :

(iv) ક્યુમિન હાઇડ્રૉપેરૉક્સાઇડ પ્રવિધિ (1955થી અમલમાં આવી) :

(v) 1962થી અમલમાં આવેલી પ્રવિધિ :

(vi) સાઇક્લોહેક્ઝેનના ઉપચયન દ્વારા સાઇક્લોહેક્ઝેનૉલ તથા સાઇક્લોહેક્ઝેનોનનું મિશ્રણ (મિશ્ર તેલ) મેળવી તેનું હાઇડ્રોજિનેશન કરવાથી સાઇક્લોહેક્ઝેનૉલ બને છે :

ફિનૉલ ખૂબ જ ઔદ્યોગિક અગત્ય ધરાવતું સંયોજન છે. ઘરમાં તથા ઉદ્યોગમાં વપરાતી અનેક નીપજો તેમાંથી મેળવાય છે; દા.ત., નાયલૉન, ઇપૉક્સી રેઝિન, પૃષ્ઠસક્રિયકારકો, અપમાર્જકો, સુઘટ્યતાકારકો, પ્રતિઑક્સિકારકો, ઊંજણ-તેલ ઉમેરણો, ફિનૉલિક રેઝિન, સાઇક્લોહેક્ઝેનૉલ, એડિપિક ઍસિડ, પૉલિયુરિધેન, ઍસ્પિરિન, રંગકો, કાષ્ઠ-પરિરક્ષકો, લીલોતરી નાશકો, ઔષધો, ફૂગનાશકો, ગૅસોલિન-ઉમેરણો, નિરોધકો, સ્ફોટક દ્રવ્યો તથા કીટનાશી પદાર્થો.

કુદરતમાંથી મળતા કેટલાક જાણીતા ફિનૉલ નીચે દર્શાવ્યાં છે :

જંતુનાશકોની અસરકારકતા માપવા ફિનૉલનો પ્રમાણભૂત (standard) દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે. સમય અને તાપમાનના પ્રમાણભૂત સંજોગોમાં જીવાણુઓના ચોક્કસ સંવર્ધન(culture)ને રોગાણુરહિત કરવા માટે કસોટી હેઠળના જંતુનાશકના વધુમાં વધુ મંદન (dilution) અને ફિનૉલના આવા મંદનના ગુણોત્તરને ફિનૉલ-ગુણાંક (coefficient) કહે છે.

જ. પો. ત્રિવેદી