ફિનો-યુગ્રિક ભાષાઓ

February, 1999

ફિનો-યુગ્રિક ભાષાઓ : યુરેલિક ભાષાઓનું પેટાજૂથ. વીસથી વધુ ભાષાઓ ધરાવતા આ જૂથની ભાષાઓનો ઉપયોગ લગભગ અઢી કરોડ લોકો કરે છે. પશ્ચિમમાં નૉર્વેથી પૂર્વમાં સાઇબીરિયા અને છેક કાર્પેથિયન પર્વતમાળાના પ્રદેશોમાં વસતા લોકોની આ પૃથક્ પૃથક્ ભાષાઓ છે. ઉત્તર સ્કૅન્ડિનેવિયા, પૂર્વ યુરોપ અને વાયવ્ય એશિયામાં આ ભાષાઓ બોલાય છે. ફિનો-યુગ્રિકની બે મુખ્ય શાખાઓ છે : ફિનિક (ફિનોપર્મિયન) અને યુગ્રિક. ફિનિકમાં બે મુખ્ય ભાષાઓ છે : ફિનિશ, જે ફિનલૅન્ડમાં બોલાય છે અને ઇસ્ટૉનિયન, જે ઇસ્ટૉનિયામાં બોલાય છે. યુગ્રિકમાંથી હંગેરિયન (મેગ્યાર) ભાષા હંગેરીમાં અને તેની નજીકનાં અન્ય રાજ્યોમાં રહેતા હંગેરિયન લોકો બોલે છે.

ફિનિક શાખામાં ગૌણ ભાષાઓનો સમાવેશ થાય છે. તે બધી પહેલાંના યુનિયન ઑવ્ સોવિયેત સૉશિયાલિસ્ટ રિપબ્લિક્સ(યુએસએસઆર)માં બોલાય છે. આમાંની ફિનિશની તદ્દન નિકટની કારેલિયન છે. લિવૉનિયન લગભગ મૃતભાષા છે. લિવૉનિયન લૅટવિયનમાં ભળી જતાં તે લૅટવિયન ભાષાની એક બોલી તરીકે રહી છે. લેક ઓનેંગાની આસપાસ વેપ્સ બોલાય છે. મારી (ચૅરૅમિસ) અને મોર્દવિન વૉલ્ગા નદીના મધ્યભાગના પ્રદેશમાં બોલાય છે. યુદમર્ત (વૉત્યાક) અને કોમી(ઝિરિયન)નો ઉપયોગ રશિયાના યુરોપ તરફના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા વિશાળ પ્રદેશમાં છૂટીછવાઈ વસ્તી કરે છે. આ બંને ભાષાઓને એકમેકથી સ્વતંત્ર પણ ગણી શકાય; જેમ  કે, પર્મિયાક અને પર્મિયન સ્વતંત્ર દરજ્જાવાળી ભાષાઓ છે. સામી (લેપ્સ) પ્રજા 15 જેટલી બોલીઓનો ઉપયોગ કરે છે. યુરોપના ઉત્તર ભાગમાં એટલે કે સાપ્મી (લૅપ્લૅન્ડ) પ્રદેશમાં તે બધી બોલાય છે. તેમને ફિનિક ભાષાઓ તરીકે પણ ઓળખાવાય છે. યુગ્રિક શાખામાં (હંગેરિયન ઉપરાંત) બે ગૌણ ભાષાઓ છે, જે ઑસ્ત્યાક અને વૉગલ નામથી જાણીતી છે. વાયવ્ય સાઇબીરિયાના ઑબ નદીના ખીણવાળા ભાગમાં તે બોલાય છે.

ફિનો-યુગ્રિક ભાષાજૂથમાં 5 પેટાજૂથ છે : (1) બાલ્ટિક–ફિનિક જૂથ : તેમાં ફિનિશ, ઍસ્તોનિયન, કૅરેલિયન, લ્યૂડિક, વેપ્સ, ઇંગ્રિયન, લિવૉલિયન અને વૉટિક આવે છે. (2) પૅર્મિક જૂથ : તેમાં કોમી (ઝાઇરિયન) અને ઉડમુર્ટ આવે છે. (3-4-5) સ્વતંત્ર જૂથ : તેમાં મારી, મૉર્ડવિન અને લેપ આવે છે. લેપની બોલીઓ એકમેકથી તદ્દન જુદી છે. તે એટલે સુધી કે એકની બોલી બીજા બોલીવાળાને લગભગ સમજાતી નથી. એટલે તો તે બધીને જુદી ભાષાઓ તરીકે મૂલવવામાં આવે છે.

ફિનો-યુગ્રિક ભાષાઓનું આગવું લક્ષણ તે તેમાં છતો થતો સ્વરવ્યંજનોનો સંવાદપૂર્ણ વિન્યાસ છે. વળી પૃથક્ શબ્દોને જોડીને બનતા સમાસો પણ આ ભાષાઓનું આગવું લક્ષણ છે.

ફિનો-યુગ્રિક ભાષાઓને આલ્તાઇક શાખાની તુર્કી ભાષા અને ઇન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે પણ સંબંધ હોવાનો મત કેટલાક ભાષાશાસ્ત્રીઓના અભ્યાસમાંથી ઉદભવ્યો છે. જોકે આ ભાષાઓ વચ્ચે આ પ્રકારનો સંબંધ હતો તેમ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ફિનો-યુગ્રિક ભાષાઓના ઊગમનાં મૂળ તપાસતાં જૂની ભાષાઓને શોધવાના પ્રયત્નો થાય છે અને તે સંશોધનના આધારે તે ભાષાઓને ઇરાનિયન ભાષા સાથે નિકટનો સંબંધ હશે તેવું તારણ નીકળે છે. પાછળથી ફિનિક ભાષાઓમાં જર્મન અને સ્લાવિક (ખાસ કરીને રશિયન) ભાષાઓમાંથી કેટલાક શબ્દોએ પ્રવેશ કર્યો હોય તેમ લાગે છે. હંગેરિયન ભાષા પર જર્મન, ઇટાલિયન, લૅટિન, સ્લાવિક અને તુર્કી ભાષાના પ્રભાવ વિશે બેમત નથી.

વિ. પ્ર. ત્રિવેદી