ફિનૉલ્ફ્થેલીન

February, 1999

ફિનૉલ્ફ્થેલીન : થેલીનસમૂહનો ઍસિડબેઝ અનુમાપનમાં વપરાતો સૂચક. રાસાયણિક નામ 3, 3 બીસ (P-હાઇડ્રૉક્સિ ફિનાઇલ)–થેલાઇડ થેલિક એન્હાઇડ્રાઇડ તથા ફિનૉલને ઝિંક ક્લોરાઇડ અથવા સલ્ફ્યુરિક ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં 150°થી 180° સે. તાપમાને ગરમ કરતાં ફિનૉલમાંના પૅરા-સ્થિત હાઇડ્રૉજનના વિસ્થાપન દ્વારા આ સંયોજન બને છે.

તે રંગવિહીન ઘન પદાર્થ હોય છે. ગ. બિં. 261° સે. આલ્કોહૉલ તથા ઇથરમાં દ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય પરંતુ આલ્કલીમાં દ્રાવ્ય થઈ લાલ રંગ નિપજાવે છે. વધુ આલ્કલી ઉમેરતાં આ રંગ ઝાંખો પડે છે તથા વધુ પડતો આલ્કલી ઉમેરીએ તો રંગ સંપૂર્ણપણે દૂર થાય છે. તટસ્થ તેમજ ઍસિડ દ્રાવણમાં રંગવિહીન દ્રાવણ બને છે. આ પ્રક્રમ નીચે મુજબ દર્શાવી શકાય :

અહીં દર્શાવ્યા મુજબ વધુ આલ્કલી ઉમેરતાં લૅક્ટોન-વલય તૂટે છે તથા એક ફિનૉલ-સમૂહ સાથે ક્ષાર બને છે. વધારે પડતો આલ્કલી ઉમેરતાં રંગ માટે કારણભૂત સસ્પંદનીય સ્વરૂપો બનવાં શક્ય ન રહેતાં રંગ જતો રહે છે. મંદ આલ્કલીયુક્ત જલીય દ્રાવણમાં 8થી 10 pH પરિસરમાં રંગવિહીનમાંથી લાલ રંગ જોવા મળે છે. તે ઍસિડબૅઝ અનુમાપન માટે એક ઉત્તમ સૂચક છે. તે મૃદુ રેચક તરીકે પણ વપરાય છે.

જ. પો. ત્રિવેદી