ગ્રૅકાઈ ભાઈઓ : રોમના ટાઇબેરિયસ અને ગેયસ નામના બે ભાઈઓ સેમ્પ્રોનિયસ ગ્રૅકસ અને કૉર્નેલિયાના પુત્રો હતા. તેઓ મહત્વાકાંક્ષી, નીડર, પ્રામાણિક અને પ્રખર વક્તા હતા. શહેરમાં વસ્તીનો ભરાવો, લશ્કરમાં શિથિલતા, લાંચરુશવત તથા ગુલામી નિવારવા માટે ગરીબોમાં જમીન-વહેંચણી કરવાનું અનિવાર્ય છે જેવા મુદ્દાઓ વિશે તેઓ ચર્ચા કરતા હતા. ઈ. સ. પૂ. 133માં ટાઇબેરિયસ ગ્રૅકસ ટ્રિબ્યૂનપદે ચૂંટાયો. કૉમિશિયા ટ્રિબ્યુટા સભામાં તેણે ત્રણ પ્રસ્તાવો મૂક્યા : (1) કોઈ પણ નાગરિક અમુક મર્યાદાથી વધુ પ્રમાણમાં જમીન રાખી શકશે નહિ; (2) રાજ્યની જે જમીનો ખાનગી માલિકોને વેચાણ કે પટેથી અપાઈ છે તે તેમણે રાજ્યને અમુક કિંમતે પાછી સોંપવી; (3) આ રીતે મેળવેલી જમીન ગરીબોને તેઓ વેચશે નહિ, એવી શરતે વહેંચી આપવી. આ સુધારાને સેનેટે ખાનગી મિલકત પર તરાપ મારનાર તરીકે ઓળખાવી, ટાઇબેરિયસ સરમુખત્યાર થવા માગે છે એવો આક્ષેપ કરી બીજા ટ્રિબ્યૂન ઑક્ટેવિયસને વીટો સત્તા વાપરીને અટકાવવા દબાણ કર્યું. તેથી ટાઇબેરિયસે આમ કરનારને પદભ્રષ્ટ કરવામાં આવશે એવી દરખાસ્ત સભામાં મંજૂર કરાવી. તે મુજબ ઑક્ટેવિયસને સભામાંથી દૂર કર્યો અને ઉપરના ત્રણ પ્રસ્તાવોને કાયદાનું સ્વરૂપ મળ્યું. જમીનની વહેંચણી માટેના પંચના ત્રણ સભ્યો ચૂંટવામાં આવ્યા. બીજે વરસે ટ્રિબ્યૂનની ચૂંટણી વખતે થયેલા તોફાનમાં ટાઇબેરિયસનું ખૂન થયું.
ઈ. પૂ. 123માં ટાઇબેરિયસ ગ્રૅકસનો ભાઈ ગેયસ ટ્રિબ્યૂનપદે ચૂંટાયો. તેણે ઇટાલિયનો, નિર્ધનો તથા ઇક્વાઇટિસનો સહકાર મેળવ્યો. તેણે રોમનો ઉપરાંત ઇટાલિયનોને પણ જમીન વહેંચી આપવાના તથા રોમનોને ઓછી કિંમતે અનાજ આપવાના કાયદા પસાર કરાવ્યા, સેનેટની સત્તા ઘટાડી અને પ્રાંતીય ગવર્નરોની ગેરવર્તણૂકને અટકાવવા માટે અદાલતની સ્થાપના કરાવી. બેકારોને રોજગારી આપવા તેણે બાંધકામો શરૂ કરાવ્યાં. તે સરમુખત્યાર થવા માગે છે એવો આક્ષેપ તેના વિરોધીઓએ મૂક્યો. તે ફરીથી ટ્રિબ્યૂન તરીકે ચૂંટાઈ શક્યો નહિ. સેનેટે તેને પ્રજાનો દુશ્મન જાહેર કર્યો, રોમમાં થયેલા હુલ્લડને શાંત કરવાના તેના પ્રયાસો નિષ્ફળ જતાં, સલામતી માટે તે રોમ છોડી નાસી ગયો. ગેયસના હુકમથી તેના ગુલામે તેને મારી નાખ્યો. તેની અને તેની પત્નીની મિલકત જપ્ત કરવામાં આવી.
જયકુમાર ર. શુક્લ