ગ્રુનવૉલ્ડ મેથીસ નીધર્ડ-ગોધર્ડ (જ. 1475, વુઝબર્ગ, બવેરિયા; અ. 31 ઑગસ્ટ 1528, હૅલે, આર્કબિશ પ્રોઇક ઑવ્ મૅગ્ડેબર્ગ) : જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમને એલઝાસમાં સ્કોન્ગૌરની શૈલીની તાલીમ મળી અને જર્મનીમાં સર્વત્ર ફરવાનું મળ્યું. ઇસેનહેઇમ, સેલીજનસ્ટાડ, આશફનબુર્ગ અને માયન્ટ્સમાં ઇલેક્ટરના હાથ નીચે દરબારી ચિત્રો કરવામાં તેમના જીવનનાં ઘણાં વર્ષો ગયાં. ઇસેનહેઇમના ઉચ્ચ ઑલ્ટરનાં 1515 સુધીમાં પૂરાં થયેલાં દશ ચિત્રો તેમની ઉત્કૃષ્ટ
રચનાઓ બની; અત્યારે આ ચિત્રો અંટરલિન્ડનના સંગ્રહાલયમાં છે. તેમનાં ચિત્રોના મૂળમાં પુનરુત્થાનકાળનો ઉત્સાહ હતો. આમ છતાં પોતાની મૌલિક કલ્પના વડે તે જર્મનીના મધ્યકાળની કલાનો સ્પર્શ આપતા. કચડાયેલાં વિપર્યાસી રૂપ અને અભિનવ રંગો ‘ક્રૂસિફિકેશન’માં જોવા મળે છે. રંગનું ફલક તે ચિત્રમાં ભયજનકથી માંડી ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ’ જેવામાં નિર્મળ અને તેજસ્વિતા સુધી પહોંચ્યું છે. ઉપરની બાબતોને કારણે તે તેમના સમકાલીન કલાકાર ડ્યુરર કરતાં જુદા પડે છે. પુનરુત્થાનકાળનાં ઊર્મિને ઉત્તેજન આપતાં તત્વોનો તેમણે ઉત્તર-ગૉથિક કાળનાં ધાર્મિક ચિત્રોમાં વિનિયોગ કર્યો તે તેમની શૈલીની વિલક્ષણતા ગણાય છે. અવકાશ-વ્યવસ્થા અને વાસ્તવિક પરિપ્રેક્ષ્ય એ તેમનાં ચિત્રોમાં પુનરુત્થાનકાળની દેન હતી. એ ઇટાલિયન અસર તેમનાં રેખાંકન, છાયાપ્રકાશ અને રંગમાં પણ જળવાઈ રહી. તેમનાં ચિત્રો ફ્રૅન્કફર્ટ, મ્યૂનિક અને વૉશિંગ્ટનમાં કાયમી સ્થાન પામ્યાં છે.
કનુ નાયક