ગ્રુબ્સ, રૉબર્ટ એચ.

February, 2011

ગ્રુબ્સ, રૉબર્ટ એચ. (Grubbs, Robert H.) (જ. 27 ફેબ્રુઆરી 1942, પોસુમ ટ્રોટ પાસે, કેન્ટકી, યુ.એસ.; અ. 19 ડિસેમ્બર 2021, કેલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2005ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ગ્રુબ્સે 1968માં કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1978માં તેઓ કેલ્ટેક(Caltech)ના શિક્ષકગણમાં જોડાયા. સ્થાનફેર (metathesis) પ્રક્રિયાઓ પર સંશોધન આગળ ધપાવતાં ગ્રુબ્સ અને તેમના સાથીઓએ 1992માં રુથેનિયમ (ruthenium) ધાતુ ધરાવતા ઉદ્દીપકની શોધની જાહેરાત કરી. આ ઉદ્દીપક હવામાં સ્થાયી (stable) હતો અને અણુમાંના અન્ય પરમાણુઓ વચ્ચેના આબંધો(bonds)ને

રૉબર્ટ એચ. ગ્રુબ્સ

તોડ્યા સિવાય બે કાર્બન વચ્ચેના આબંધો ઉપર સંવરણીય રીતે (selectively) કાર્ય કરતો હતો. આ નવો ઉદ્દીપક પાણી, આલ્કોહૉલ અને કાબૉર્ક્સિલ (carboxyl) ઍસિડોની હાજરીમાં પણ સ્થાનફેર પ્રક્રિયાઓ એકાએક શરૂ કરવાની ક્ષમતા ધરાવતો હતો. [જુઓ : ચોવિન, ઈવ (Yves).]

પ્રહલાદ બે. પટેલ