અમરસિંગ (જ. 4 ડિસે. 1910, રાજકોટ; અ. 21 મે 1940, જામનગર) : ભારતીય ક્રિકેટનો ઑલરાઉન્ડર. આખું નામ : અમરસિંગ લધાભાઈ નકુમ. અભ્યાસ : આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ. તે રણજી ટ્રોફી વેસ્ટર્ન ઇંડિયા સ્ટેટ્સ તરફથી (1934-35) અને નવાનગર (1937-38થી 1939-40) તરફથી રમેલો. 1932માં ભારતીય ટીમ તરફથી ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરેલો. 1936માં લૅન્કેશાયર લીગમાં ખેલતા અમરસિંગને પ્રવાસી ભારતીય ટીમની સહાય માટે બોલાવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટનો એક ઉત્તમ ઑલરાઉન્ડર ખેલાડી અમરસિંગ એની ઉત્કૃષ્ટ ગોલંદાજી અને આક્રમક બૅટિંગથી રમતની પરિસ્થિતિમાં એકલે હાથે પલટો લાવી શકતો. જગતનો આ મહાન મધ્યમ ઝડપી ગોલંદાજ નવા દડાને ક્યારેક વિકેટની અંદર તો ક્યારેક બહાર ઝુલાવતો તેમજ દડો ટપ પડ્યા પછી તીવ્ર વેગે બૅટ્સમેન તરફ ધસતો હતો. ટૂંકી દોડ લગાવીને, ગોળ ઘૂમતા ઢીલા હાથમાંથી દડો તે ભાલાફેંકના ખેલાડીની માફક ત્વરિત ગતિએ વીંઝતો હતો. ક્રિકેટના પ્રતિષ્ઠિત ‘વિઝડન’ વાર્ષિકે શ્રેષ્ઠ ગોલંદાજ તરીકે તેની નોંધ લીધી છે. અમરસિંગની બૅટિંગમાં આક્રમકતા હતી. શૉર્ટ ફાઇન લેગના સ્થાને અત્યંત સુંદર ફીલ્ડિંગ કરી શકતો અને અતિશય ઝડપી ‘થ્રો’ કરી શકતો. અમરસિંગ ભારતના ઉત્તમ ‘સ્લિપ ફીલ્ડરો’માંનો એક ગણાય.
રણજી ટ્રોફીમાં અને ઇંગ્લૅન્ડના પ્રવાસમાં (1932ની સીઝન) 100 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ગોલંદાજ તેમજ રણજી ટ્રોફીમાં 1,000 રન કરનારો બીજો ભારતીય ખેલાડી છે. બૅટિંગ અને બૉલિંગ બંનેમાં એણે ઘણી રણજી ટ્રોફી મૅચો અને મુંબઈની ચતુરંગી મૅચોમાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. 1932માં ભારતીય ટીમના ઇંગ્લૅન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસ સમયે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોને માટે તે મૂંઝવનારો બની રહેલો. ઇંગ્લૅન્ડ સામેની પહેલી સાત ટેસ્ટ ખેલનારા અમરસિંગે 51 રનની સરેરાશથી 292 રન અને 30.64ની સરેરાશથી 28 વિકેટો ઝડપી. એ પછી ઑસ્ટ્રેલિયન ઇલેવન અને લૉર્ડ ટેનિસન ટીમ સામેની બિનસત્તાવાર ટેસ્ટ મૅચોમાં અમરસિંગે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. 1932ના પ્રવાસ પછી ઇંગ્લૅન્ડની લૅન્કેશાયર લીગમાં અમરસિંગ વ્યવસાયી ક્રિકેટર તરીકે જોડાયો હતો. એ સમયે સૌથી વધુ લોકચાહના મેળવનારો તેમજ સૌથી વધુ પગાર મેળવનારો ખેલાડી તે હતો. ટેસ્ટમાં અડધી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય એવા અમરસિંગે ઇંગ્લૅન્ડ સામેની 1932, 1933, અને 1936ની સત્તાવાર ટેસ્ટ મૅચમાં 363.4 ઓવરમાં 28 વિકેટ અને એ ઉપરાંત રાઇડરની ટીમ (1935-36) અને લૉર્ડ ટેનિસનની ટીમ (1938-39) સામે એણે અનુક્રમે 71 ઓવરમાં 10 અને 274.4 ઓવરમાં 36 વિકેટ મેળવી હતી. કાઠિયાવાડ જિલ્લા સ્પર્ધામાં તેણે 22 મિનિટમાં સદી નોંધાવેલી. આ જુસ્સાદાર ફટકાબાજ, ઉત્તમ બોલર અને ઉચ્ચ કોટિના ફીલ્ડરનું ન્યૂમોનિયાથી માત્ર ત્રીસ વર્ષની વયે મૃત્યુ થયું હતું.
આણંદજી ડોસા