અમરવેલ : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cuscuta reflexa Roxb. (સં. आकाशलरी, अमरवल्लरी; હિં. आकाशवेल, अमरवेल; મ. અમરવેલ, આકાશવેલ, અંતરવેલ, સોનવેલ; અં. ડૉડર) છે.

સંપૂર્ણ પરોપજીવી વેલ. મૂલરહિત, પર્ણરહિત આછાં પીળાં પાતળાં પ્રકાંડ. પુષ્પો પરિમિત અને સફેદ. એક હોય તો એક સેમી. લાંબું અથવા વધુમાં વધુ 2થી 4 પુષ્પો આવે. વજ્ર અને ફૂલમણિ પંચાવયવી. લાળી (lobe) તંતુમય. અડધિયાની માફક તૂટતાં ગોળ ફળો. કાળાં બીજ. હરિત કણોનો સદંતર અભાવ. યજમાન વનસ્પતિને ગંભીર નુકસાન પહોંચાડી સર્વનાશ કરે. તેની ત્રણ જાતિઓ ગુજરાતમાં મળે છે. C. chinensis Lam. C. hyalina Roth. અને ત્રીજી ઉપર આપવામાં આવી છે. આ પ્રજાતિ અલાયદા ગુણોને લીધે તેને સ્વતંત્ર કુળ Cuscutaceae ફાળવેલું છે.

મુકુંદ દેવશંકર ભટ્ટ

સરોજા કોલાપ્પન