અમરાવતી (1) : આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કાંઠે આવેલી પ્રાચીન આંધ્રવંશની રાજધાની. તેનું પ્રાચીન નામ ધાન્યકટક હતું. શાતવાહન વંશના રાજા શાતકર્ણિએ ઈ. પૂ. 180માં આ નગરી વસાવી હતી. શાતવાહન રાજાઓએ અમરાવતીમાં પ્રથમ ઈ. પૂ. 200માં સ્તૂપ બંધાવેલો, પછી કુષાણ કાલમાં અહીં અનેક સ્તૂપો બન્યા. ધાન્યકટકની નજીકની પહાડીઓમાં શ્રીપર્વત (શ્રીશૈલ) કે નાગાર્જુનીકોંડ નામે સ્થાન હતું, જ્યાં બૌદ્ધ દાર્શનિક નાગાર્જુન ઘણો સમય રહ્યા હતા. આંધ્રવંશ પછી અમરાવતીમાં કેટલીક સદીઓ સુધી ઇક્ષ્વાકુ રાજાઓનું શાસન રહ્યું. તેમણે આ નગરી છોડી નાગાર્જુનીકોંડ કે વિજયપુરને પોતાની રાજધાની બનાવી. અમરાવતી પ્રસિદ્ધ વેપારી નગરી હતી. સમુદ્રમાંથી કૃષ્ણાનદી મારફતે અનેક વેપારી જહાજો અહીં પહોંચતાં. તેની સમૃદ્ધિ તથા કલાની ઉન્નતિનું મુખ્ય કારણ તેનો સમૃદ્ધ વેપાર હોવાનું જણાય છે.

આજે તો આ સ્થળે અમરેશ્વર નામે નાનું નવું ગામ વસેલું જોવામાં આવે છે. કૃષ્ણાસાગર સંગમથી 96 કિમી. દૂર, નદીના જમણા કાંઠે, ગુંટુરથી 25 કિમી. દૂર અને ‘બસ્તી’ની દક્ષિણે અમરાવતીના બૌદ્ધ મહાસ્તૂપના અવશેષ જોવામાં આવે છે. નિકટમાં ધરણીકોટ નામે સ્થળ છે જે રાજધાની ધાન્યકટકનું સ્થળ સૂચવે છે. કર્નાલ મેકેન્ઝીએ 1797માં અહીંના સ્તૂપનો પત્તો મેળવ્યો ત્યારે તો ત્યાંના સ્થાનિક રાજાએ એમાંથી ઘણા શિલ્પપટ્ટોને પોતાના મહેલ અને નગરના નિર્માણમાં ઉપયોગમાં લેવા માટે કઢાવી લીધા હતા. તેને પરિણામે ઘણી મૂર્તિઓ નષ્ટ થઈ ગઈ, પરંતુ જે કંઈ બચેલું તે મેકેન્ઝીએ કલકત્તાની એશિયાટિક સોસાયટીને મોકલી આપ્યું. મેકેન્ઝીએ 1816થી 1818 દરમ્યાન સઘન સ્થળતપાસ કરીને ઉપલબ્ધ શિલ્પો અને સ્તૂપના અવશેષોનાં રેખાચિત્ર તૈયાર કર્યાં. 1840માં આ સ્થળે ઉત્ખનન થતાં અનેક મૂર્તિઓ મળી આવી. 1855, 1876, 1879-80 અને 1881નાં ઉત્ખનન દરમિયાન પુરાવસ્તુ સર્વેક્ષણના નિયામક જેમ્સ બર્જેસને જે અવશેષો મળ્યા તે પૈકીના 361 મદ્રાસ મ્યુઝિયમમાં અને બાકીના લંડનના બ્રિટિશ મ્યુઝિયમ તેમજ કલકત્તાની એશિયાટિક સોસાયટીને વહેંચી આપવામાં આવ્યા. પ્રાચીન જગતની અજાયબી જેવા અમરાવતીના મહાસ્તૂપની ભવ્યતા કે ગરિમા સૂચવતા કોઈ અવશેષો અત્યારે મૂળ સ્થળે જોવામાં આવતા નથી.

અમરાવતીના સ્તૂપના પરિસરમાંથી 126 જેટલા શિલાલેખો મળ્યા છે તેમાંથી સ્તૂપ અને નગરને લગતી રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. આ સ્તૂપનું નામ ‘મહાચેતિય’ હતું. સ્તૂપનું નિર્માણ ધાન્યકટક નામના સ્થાને થયેલું. લેખોમાં એને ‘ધનકટક’ અને ‘ધાન્યઘટક’ કહેલ છે એ પરથી સ્તૂપને ‘ધનમહાચેતિય’ અને ‘કટમહાચેતિય’ને નામે પણ ઓળખવામાં આવતો. સ્તૂપના નિર્માણમાં આમ-જનતાનો મોટો ફાળો હતો. લેખોમાં અપાયેલી દાતાઓની સૂચિમાં પાટલિપુત્ર, રાજગૃહ, તમિળદેશ, ઘંટશાળ અને વિજયપુરના ગૃહપતિ, ઉપાસક, વાણિજ, સાર્થવાહ, હેરણિક (ચોકસી કે શરાફ), પણિયધરણ (પાણીઘરનો અધિકારી), સરકારી કર્મચારી અને રાજલેખકનો નિર્દેશ થયો છે. ધાન્યકટકમાં શ્રેષ્ઠી કે મહાજનોનું એક નિગમ કે વેપારી-મહામંડળ હતું જેણે સ્તૂપ-નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એવા નિગમના વ્યક્તિગત સભ્યને ‘શ્રેષ્ઠી’ અને તેના પ્રમુખને ‘શ્રેષ્ઠી-પ્રમુખ’ કહેવામાં આવતો. બૌદ્ધ ધર્મના અનુયાયી બનેલા વાણિજ લોકો ગહપતિ કે ગૃહપતિ કહેવાતા. સ્તૂપના પરિસરમાં નિવાસ કરતો બૌદ્ધ સંઘ સંગઠિત હતો. સંઘ ‘ચૈત્યક-મહાચેતિય’ કહેવાતો. એમાં ભિક્ષુ, ભિક્ષુણી, પ્રવ્રાજિકા, થેર, મહાથેર, મહાધમ્મ કથિક, વિનયધર, ઉવઝ્ઝાય (ઉપાધ્યાય), અન્તેવાસિક, અન્તેવાસિકિની જોડાયેલાં હતાં. અને તેઓ ગૃહપતિ તેમજ ઉપાસકોને ધર્મોપદેશ કરી મહાચૈત્યને દાન દેવાની પ્રેરણા કરતા.

સ્તૂપના વાસ્તુવિન્યાસ વિશે પણ લેખોમાંથી ઘણી માહિતી મળે છે. સ્તૂપને ફરતી મહાવેદિકા હતી, જેમાં ચારે દિશામાં એક એક તોરણદ્વાર હતું. પ્રત્યેક દ્વારની અંદરની બાજુએ ‘આયક’ નામે ઓળખાતો મંચ હતો. આવા પ્રત્યેક આયક પર સ્તૂપની લગોલગ પાંચ આયકસ્તંભો ઊભા કરવામાં આવતા. આ પ્રકારની કુલ વીસ સ્તંભોની રચના એ આંધ્રપ્રદેશના સ્તૂપોની વિશેષતા જણાય છે. આ સ્તૂપની રચનામાં સહુથી મહત્ત્વપૂર્ણ અંગ બાહ્ય ‘શિલાકંચૂક’ હતો જેને લેખોમાં ‘પટ્ટ’ કે ‘ઊર્ધ્વપટ્ટ’ પણ કહ્યો છે. જોકે આવા પ્રત્યેક પટ્ટ પર તેમનું વિશેષ નામ પણ અંકિત થયું છે. એમાં પુણ્યઘટકપટ્ટ, કલશપટ્ટ, સ્વસ્તિકપટ્ટ, ચક્રપટ્ટ, બુદ્ધપટ્ટ વગેરે ઉલ્લેખનીય છે. આ બધા પટ્ટો મથુરાના સ્તૂપો પરથી મળેલા ‘આયાગપટ્ટો’ને મળતા આવે છે. અહીં સ્તૂપને ફરતી અબ્જમાલા કે કમળનાં ફૂલોની માળાની કોતરણી ધરાવતા પટ્ટ પણ હતા. સ્તૂપની ઉપર છત્રયુક્ત ‘હર્મિકા’ પણ હતી. સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ કરેલો હતો. સ્તૂપ પાસે એક દીપસ્તંભ અને પ્રધાનમંડપ પણ હતો. સમગ્ર કાર્ય ‘પાષાણિક’ શિલ્પીઓ દ્વારા થતું અને તેનું નિરીક્ષણ ‘નવકર્મિક’ નામના અધિકારીઓ કરતા. સમગ્ર કાર્ય પર ‘મહાનવકર્મિક’ની દેખરેખ રહેતી. આમ આ મહાસ્તૂપની રચના અંગે કાર્યક્ષમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ઉપલબ્ધ શિલાલેખો પૈકીના બે મૌર્ય અને શુંગકાલના છે અને તે ઈ. પૂ. 200ના અરસાની લિપિમાં લખાયેલા છે. પછીના સમયના લેખોમાં શાતવાહન રાજા વાસિષ્ઠીપુત્ર પુળુમાવિ યજ્ઞશ્રી શાતકર્ણિ તેમજ શિવમક શાતકર્ણિનો ઉલ્લેખ થયો છે. કેટલાક લેખો ઇક્ષ્વાકુ રાજાઓના સમય (ઈ.સ. ત્રીજી સદી)ના છે. પાંચમી સદીના એક લેખમાં વાકાટક નામ અપાયું છે. ત્યારપછી લાંબા સમય પછી છેક ઈ. સ. 1182 અને 1234ના બે લેખો મળે છે, જે અમરેશ્વર મંદિરના સ્તંભ પર ઉત્કીર્ણ છે. એમાં બુદ્ધની મૂર્તિની રક્ષા માટે કરાયેલા દાનની નોંધ છે. આ ઉપરથી જણાય છે કે અમરાવતીનો પ્રસિદ્ધ સ્તૂપ તેરમી સદી સુધી સુરક્ષિત હતો.

હસુતાબહેન સેદાણી