અમદાવાદ (જિલ્લો) : સ્થાન, સીમા અને વિસ્તાર : ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહાનગર. તે 210 48’થી 230 30′ ઉ. અ. અને 710 37’થી 730 02′ પૂ. રે. વચ્ચેનો 8,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ગાંધીનગર અને મહેસાણા, ઈશાનમાં સાબરકાંઠા જિલ્લો, પૂર્વમાં ખેડા અને આણંદ જિલ્લા અગ્નિકોણમાં ખંભાતનો અખાત, દક્ષિણે બોટાદ અને ભાવનગર જિલ્લા તથા પશ્ચિમે સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે. જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે. જેમાં 10 તાલુકા અને 474 ગામડાં આવેલાં છે. જ્યાં 7 મ્યુનિસિપાલિટી આવેલી છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાના દક્ષિણ છેડા પર આવેલા કેટલાક ખડકાળ ભાગોને બાદ કરતાં આખાય જિલ્લાનું ભૂપૃષ્ઠ લગભગ સમતળ સપાટ ઢળતા મેદાની વિસ્તારથી બનેલું છે. તેનો ઢોળાવ ઉત્તર અને પૂર્વ તરફ ઊંચાણવાળો બનતો જાય છે. કહેવાય છે કે દૂરના ભૂતકાળમાં જિલ્લાનો મોટો ભાગ દરિયા તળે હતો; હજી આજે પણ ખંભાતના અખાતનો શિરોભાગ અને કચ્છના રણની વચ્ચેનો પ્રદેશ વર્ષાઋતુ દરમિયાન ભરતીનાં પાણીથી ભરાઈ તરબતર બની રહે છે. જિલ્લામાં વિશેષ મહત્ત્વની કોઈ ટેકરીઓ નથી, માત્ર દક્ષિણ ભાગમાં વસઈ અને મિરોલી ખાતે નાના ટેકરાઓ જોવા મળે છે, આ ઉપરાંત દસક્રોઈ તાલુકાના થલતેજ અને ગોતા ખાતે, સિટી તાલુકાના વસ્ત્રાપુર ખાતે તેમજ ધોળકા તાલુકામાં ચંડીસર ખાતે પણ કેટલાક ટેકરાઓ નજરે પડે છે. વિરમગામ પાસે જિલ્લાનું એક માત્ર ખારા પાણીનું અગત્યનું મોટું સરોવર ‘નળસરોવર’ અમદાવાદથી નૈર્ઋત્યમાં આશરે 60 કિમી. અંતરે આવેલું છે. તેનો વિસ્તાર 126.91 ચોકિમી. છે : વધુમાં વધુ ઊંડાઈ 2 મીટર જેટલી છે તેમાં આવેલા ઘણા ટાપુઓમાં પાનવડ સૌથી મોટો ટાપુ છે. તે પક્ષી-અભયારણ્ય તેમજ પ્રવાસનમથક તરીકે જાણીતું છે.
જિલ્લાની જમીન કાળી, મધ્યમ કાળી, ગોરાડુ અને ક્યારી પ્રકારની તથા કેટલીક ખડકાળ છે. અહીં તેલ અને કુદરતી વાયુ સિવાય કોઈ વિશેષ મહત્ત્વ ધરાવતાં ખનિજો મળતાં નથી, પરંતુ અહીં રેતી, સાદી માટી, કંકર, ગ્રૅવલ, ચૂનાખડક અને ટ્રૅપ જેવાં દ્રવ્યો કે ખડકોનું ખનન-કાર્ય ચાલે છે. જિલ્લામાં સાબરમતી મુખ્ય નદી છે. અમદાવાદ ખાતે આવેલાં કાંકરિયા અને ચંડોળા તથા ધોળકા તાલુકાનાં મલાવ તળાવ અને ખાનસરોવર વિશેષ ઉલ્લેખનીય ગણાય. સાબરમતી ઉપરાંત શેલવા, અંધલી, ઓમકાર, ભોગાવો, સુકભાદર, રોઢ, વાત્રક, મેશ્વો, ખારી નિલકા, ઉતાવળી, ઘેલા, છત્રોલી, વાંસિર વગેરે નદીઓ જિલ્લામાં થઈને વહે છે. આ પૈકી ઉત્તર-દક્ષિણ વહેતી સાબરમતી અને જિલ્લાના દક્ષિણ ભાગમાં પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી સુકભાદર જિલ્લાની મુખ્ય નદીઓ છે.
ખેતી-પશુપાલન : જિલ્લામાં ઘઉં, જુવાર, બાજરી, ડાંગર, ચણા અને તુવેર જેવા ખાદ્યપાકો તથા કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકો થાય છે. આ પૈકી ઘઉં, ડાંગર અને બાજરી સિંચાઈથી તથા અન્ય પાકો વરસાદથી લેવામાં આવે છે. સિંચાઈનો મુખ્ય સ્રોત કૂવાઓ છે.
જિલ્લામાં ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં, ઊંટ, ટટ્ટુ, ઘોડા, ગધેડાં અને ડુક્કરનું પાલન થાય છે. મરઘાઉછેર પણ સારા પ્રમાણમાં થાય છે. જિલ્લામાં પશુ ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો તથા પ્રાથમિક સારવાર કેન્દ્રો, આખલા કેન્દ્રો અને મરઘાઉછેર કેન્દ્રો આવેલાં છે. જિલ્લાના લગભગ બધા જ તાલુકાઓમાં દૂધનો પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા છે. જિલ્લામાં સહકારી દૂધ મંડળીઓ આવેલી છે.
જિલ્લામાં 987 જેટલા નાના એકમો છે, તેમાં ધાત્વિક એકમો, રાસાયણિક એકમો, યાંત્રિક એકમો, કાપડનાં કારખાનાં, અધાત્વિક ખનિજ એકમો વગેરેનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક વિકાસક્ષેત્રે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ મહત્ત્વનો ફાળો આપે છે. કઠવાડા ઔદ્યોગિક વસાહત વિકાસ પામી રહી છે, બાવળા અને ધંધૂકા ઔદ્યોગિક વસાહતો વિકાસના પંથે છે.
જિલ્લામથક અમદાવાદ ખાતે તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં કુલ 20 જેટલા મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા છે. જિલ્લાનાં જુદાં જુદાં નગરોમાં રૂ, રૂની ગાંસડીઓ, સુતરાઉ અને રેશમી કાપડ, હાથસાળનું કાપડ, ઔષધીય પાટા, રસાયણો, પ્લાસ્ટિક પેદાશો, પ્લાસ્ટિકની, લોખંડની અને સિમેન્ટની પાઇપો, ઇજનેરી પેદાશો, બૉલ-બેરિંગ, સ્ક્રીન પ્રિન્ટિંગ, ઘડિયાળો, ક્રૉકરી, બિસ્કિટ, સિંગતેલ, કાગળ, ગુંદરપટ્ટીઓ, કૃષિસાધનો, તમાકુની પેદાશો અને ઈંટોનું ઉત્પાદન લેવાય છે. ઉત્પન્ન થતી મોટા ભાગની આ બધી પેદાશોની તથા
યંત્રોના ભાગો, ગુંદર, છાપેલું કાપડ, ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર અને ટેપરેકૉર્ડર, ટ્રૅક્ટરની ટ્રૉલીઓ, મીઠાઈઓ, ખાદ્યાન્ન વગેરેની નિકાસ થાય છે, જ્યારે આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓમાં કપાસ, સૂતર, રેશમના રેસા, ખાદ્યાન્ન, ખાદ્યતેલો, કઠોળ, ઢોર માટેની ખોરાકી ચીજો, રસાયણો અને રસાયણો માટેનો કાચો માલ, લોખંડ, લોખંડનાં પતરાં અને લોખંડના અગલ, ચિનાઈ માટી અને લાકડાંનો સમાવેશ થાય છે. સોળમી સદીની શરૂઆત થઈ તે પહેલાંના વખતથી આ જિલ્લામાંથી સુતરાઉ કાપડ, રેશમ તથા ચાંદી-સોનાના ભરતકામ, જરી, કસબ અને કિનખાબ માટે છેક કેરોથી ચીનના પાટનગર બેજિંગ સુધી માંગ રહેતી હતી. આજે આ જિલ્લામાં કોમર્શિયલ બૅંકો તથા સહકારી બૅંકો આવેલી છે.
પરિવહનપ્રવાસન : જિલ્લામાં 377 કિમી.ના રેલમાર્ગો અને 55 જેટલાં રેલમથકો તથા 2,963 કિમી.ના સડકમાર્ગો આવેલા છે. જિલ્લાનાં નગરો ઉપરાંત 646 ગામોમાં રાજ્ય પરિવહનની બસ-સેવા ઉપલબ્ધ છે.
અમદાવાદ લોથલ, ધોળકા અને વિરમગામ અહીંનાં મુખ્ય પ્રવાસન-સ્થળો છે. લોથલ ખાતેથી હડપ્પાસંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયેલા છે, તેથી તે પ્રવાસન મથક તરીકે વિકસ્યું છે. અમદાવાદ ખાતે શાહઆલમનો, સરખેજ ખાતે અહમદ ખટ્ટુ ગંજબક્ષનો તથા સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનનો મેળો ભરાય છે. અરણેજ બુટ માતાનું મંદિર અને ગણેશપુરા ખાતે ગણપતિનો મેળો ભરાય છે. અમદાવાદ ખાતે રથયાત્રા, ઇદેમિલાદ અને મોહરમના ઉત્સવોનું વિશેષ મહત્ત્વ રહે છે. આ ઉપરાંત જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ પણ મેળા તથા ઉત્સવો ઊજવાય છે. અમદાવાદ ખાતેનું કાંકરિયા તળાવ જોવાલાયક સ્થળ ગણાય છે.
વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી કુલ 7,214,225 જેટલી છે. જે હૉંગકૉંગ કે યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્ય જેટલી છે. અહીં ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સિંધી, ઉર્દૂ અને તમિળ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં 70 જેટલી કૉલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જિલ્લાનાં 646 ગામડાંઓ પૈકી 642 ગામોમાં પ્રાથમિક શાળાની વ્યવસ્થા છે. જિલ્લામાં 8 હૉસ્પિટલો, 50 ચિકિત્સાલયો, 114 કુટુંબ નિયોજન કેન્દ્રો, 3 પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, 106 પ્રાથમિક સ્વાસ્થ્ય ઉપકેન્દ્રો, 39 પ્રસૂતિગૃહો અને બાળકલ્યાણ કેન્દ્રો તથા 429 સમાજ સ્વાસ્થ્ય કર્મચારીઓ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 12 તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લામાં 25 નગરો અને 648 (2 વસ્તીવિહીન) ગામડાં છે.
ઇતિહાસ : વર્તમાન જિલ્લો અગાઉના વખતમાં આનર્ત પ્રદેશનો એક ભાગ હતો, તે અર્બુદ પર્વત અને સાબરમતી નદી વચ્ચેના વિસ્તારને આવરી લેતો હતો. સ્કંદપુરાણના નગર ખંડમાં તેમજ પદ્મપુરાણના છઠ્ઠા ઉત્તર ખંડમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. રુદ્રદામનના જૂનાગઢના શિલાલેખમાં આ વિસ્તારનો શ્વભ્ર (સાબરમતીની આજુબાજુના) પ્રદેશ તરીકે ઉલ્લેખ મળે છે. ‘મિરાતે અહમદી’માં નોંધ મળે છે કે અહમદશાહે 1411ના ફેબ્રુઆરીની 27મી તારીખે સરખેજ ખાતે રહેતા તેના ગુરુ સંત શેખ અહમદ ખટ્ટુની સલાહથી સાબરમતીની પૂર્વ તરફના આશાવલ નામના સ્થળ નજીકની ખુલ્લી જગામાં અમદાવાદની સ્થાપના કરેલી.
મુઝફ્ફર ત્રીજાના સમયમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો અંત આવ્યો, પ્રદેશ આખામાં રાજકીય અંધાધૂધી ફેલાઈ ગઈ. અકબરે ગુજરાતની સફર ખેડી અને 1573માં ગુજરાત જીતી લીધું. મુઘલ રાજ્યકાળ દરમિયાન, અમદાવાદે ઘણી જાહોજલાલી જોયેલી. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેના વારસો નબળા નીવડ્યા. સૂબાઓ અને મુઘલ વાઇસરૉયો અંદર-અંદર લડતા ગયા, તેમના મરાઠાઓ સાથે પણ સંઘર્ષો થયા. દેશમાં રાજકીય અવ્યવસ્થા ઊભી થઈ. મરાઠાઓના શાસનકાળ દરમિયાન, અમદાવાદનો અડધો વિસ્તાર પેશ્વાને અને અડધો વિસ્તાર ગાયકવાડને હાથ ગયો, તેમાં પેશ્વાનું વર્ચસ્ વધુ રહ્યું. ગાયકવાડ અને પેશ્વા વતી એક એક પ્રતિનિધિ અમદાવાદ રહેતો. આ બંને વચ્ચેના સંઘર્ષનો લાભ લઈ 1817માં અંગ્રેજોએ અમદાવાદના વિસ્તારનો કબજો લઈ લીધો.
આ જિલ્લાએ ભારતની સ્વાતંત્ર્યચળવળમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવેલો છે. દક્ષિણ આફ્રિકાથી પાછા વળ્યા પછી મહાત્મા ગાંધીએ આઝાદીની ચળવળ ચલાવવા 1915માં અમદાવાદ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી જ્યાંથી આઝાદીના ઘણા તબક્કાઓને એમણે દોરવણી આપેલી.
ગિરીશભાઈ પંડ્યા