અમદાવાદ એજ્યુકેશન સોસાયટી

January, 2001

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી : પ્રવર્તાવાયેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનના એક ભાગરૂપે રાષ્ટ્રીય કેળવણી નિમિત્તે શિક્ષણસંસ્થાઓનું લોકશાહી ઢબે સંચાલન કરતી સંસ્થા. ત્રીસીના દાયકામાં અમદાવાદના ભાસ્કરરાવ મેઢ, જીવણલાલ દીવાન ને બળવંતરાય પરમોદરાય ઠાકોર જેવા રાષ્ટ્રભક્ત સામાજિક કાર્યકરોએ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે લોકોના સહકારથી લોકો માટેની સંસ્થાઓ સ્થાપવા સંકલ્પ કર્યો. એની સિદ્ધિ કાજે તા. 15-5-1935ના રોજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. આરંભકાળમાં આ સંસ્થાનું અધ્યક્ષપદ ભાસ્કરરાવ મેઢ અને આનંદશંકર ધ્રુવે સંભાળ્યું. તા. 3-9-1936થી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એની ધુરા સંભાળતાં સોસાયટીએ ઝડપભેર વિકાસ સાધવા માંડ્યો. ગણેશ વાસુદેવ માવળંકર, શેઠ અમૃતલાલ તથા ઍડવોકેટ સી. સી. ગાંધીએ તેમને સહકાર આપીને વહીવટ સુદૃઢ બનાવ્યો હતો.

અમદાવાદના દાનવીર શ્રેષ્ઠીઓએ દાનનો પ્રવાહ વહાવવા માંડ્યો. પરિણામે અનેક શિક્ષણસંસ્થાઓ આકાર પામી. એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સ (1936), શેઠ લાલભાઈ દલપતભાઈ આટર્સ કૉલેજ (1937), એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એલ. એમ. કૉલેજ ઑવ્ ફાર્મસી (1947), એ. જી. ટીચર્સ કૉલેજ (1952), એચ. કે. પ્રાયમરી ટીચર્સ ટ્રેઇનિંગ કૉલેજ (1956), એ. જી. હાઈસ્કૂલ (1960), સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર (1962), સ્કૂલ ઑવ્ પ્લાનિંગ (1971), સ્કૂલ ઑવ્ બિલ્ડિંગ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલોજી (1978), હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર (1978), કે. એચ. મોદી કિન્ડરગાર્ટન (1983), કનોરિયા સેન્ટર ફૉર આટર્સ (1983), એ. ઈ. એસ. ઇંગ્લિશ સ્કૂલ (1984) વગેરે પૂર્વપ્રાથમિક કક્ષાથી માંડી અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણકાર્ય કરતી અનેકવિધ સંસ્થાઓ આ સોસાયટીના નેજા નીચે સ્થપાઈ. વળી ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી – પી. આર. એલ  જેવી ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે પાયાનું સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા પણ આ જ સોસાયટી દ્વારા સ્થાપવામાં આવી છે.

1974-75માં આ સોસાયટી દ્વારા ચાલતી 11 સંસ્થાઓમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓ હતા. 1996-97માં 19 સંસ્થાઓમાં થઈને કુલ 9,000થી વધુ વિદ્યાર્થી હતા. તે પૈકી ઉચ્ચ શિક્ષણ લેતાં 4,555, માધ્યમિક શિક્ષણ લેતાં 1,805, પ્રાથમિક શિક્ષણ લેતાં 2,017 પૂર્વપ્રાથમિકનાં 409, પ્રાથમિક અધ્યાપન મંદિરનાં 190, સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર, પ્લૅનિંગ તથા બિલ્ડિંગ સાયન્સની સંસ્થામાં 425 તથા બાકીનાં અન્ય સંસ્થાઓમાં હતાં. સોસાયટીએ 1996-97ના અંતે સેપ્ટા(સેન્ટર ફોર એન્વાયરનમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટૅકનૉલોજી) નામની અલગ સંસ્થાની રચના કરી આર્કિટેક્ચર, પ્લાનિંગ અને બિલ્ડિંગ સાયન્સ ટૅકનૉલોજી, તથા એન્વાયરનમેન્ટલ પ્લાનિંગ ટૅકનૉલોજી અને ઇન્ટીરિયર ડિઝાઇનની સંસ્થાઓ નવી સેપ્ટ સોસાયટીના ભાગરૂપે તબદીલ કરી છે.

1940માં 100 એકર જમીન ખરીદવા સંસ્થાએ ઠરાવ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના માટે પાયાનું સર્વેક્ષણકાર્ય તથા જનમત કેળવવાનું કાર્ય આ સંસ્થાએ કર્યું હતું. 1983-84 સુધીમાં રૂ. 135 લાખથી વધુ ખર્ચ સોસાયટીને આ સંસ્થાઓ અંગે થયો હતો.

આ સોસાયટીએ લોકસહકાર પર આધારિત વિવિધ સ્તરની કેળવણીની સંસ્થાઓ સ્થાપીને ગુજરાતને એ દિશામાં આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું, જેના ફલસ્વરૂપ ભારત આઝાદ થતાં 1947 બાદ અને વિશેષે ગુજરાતનું અલગ રાજ્ય 1960માં સ્થપાયા બાદ કેળવણીક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાઓએ મહત્ત્વનું પ્રદાન કરેલું છે.

1949માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેના આરંભકાળમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કર્યું હતું. 1996-97ના વર્ષ દરમિયાન શ્રેણિકભાઈ ક. લાલભાઈ ચૅરમૅન તરીકે, નવનીતલાલ શોધન પ્રેસિડન્ટ તરીકે અને પ્રિયકાંત ઠાકોરલાલ મુન્શા ઑન. સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળતા હતા.

સોસાયટીની એલ. ડી. આર્ટ્સ કૉલેજના પરિસરમાં, ભારતનું સૌથી મોટું અભ્યાસકેન્દ્ર ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ચલાવાય છે. તેમાં 1996-97ના વર્ષ દરમિયાન વિવિધ 32 પ્રકારના અભ્યાસક્રમોમાં 7,000 વિદ્યાર્થીઓ સ્વયં શિક્ષિત થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યનું ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીનું અભ્યાસકેન્દ્ર પણ તેની સાથે ગુજરાતી માધ્યમ સાથે ચાલતું હતું.

રિખવભાઈ શાહ

શિવપ્રસાદ રાજગોર