ગ્રહ ‘એક્સ’ : સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષા કરતાં આગળ આવેલો અપેક્ષિત ગ્રહ. વીસમી સદીના પ્રારંભે અમેરિકન ખગોળશાસ્ત્રી પર્સિવલ લોવેલે, યુરેનસ ગ્રહની કક્ષામાં થતા સૂક્ષ્મ ફેરફારોને આધારે ગણતરી કરીને, એવું અનુમાન કર્યું હતું કે સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષાથી આગળ પણ એક ગ્રહ હોવો જોઈએ, અને આ અપેક્ષિત ગ્રહને, તેણે ગ્રહ ‘એક્સ’ કહ્યો. 1905–1916 દરમિયાન લોવેલે પોતાના અનુમાન મુજબ જુદા જુદા ટેલિસ્કોપ તેમજ કૅમેરાની મદદથી અમુક ચોક્કસ દિશામાં અવલોકનો અને ફોટોગ્રાફ લીધાં તેમજ ‘બ્લિન્ક કંપરેટર’ની મદદથી ફોટોગ્રાફની પ્લેટની ચકાસણી કરી; પરંતુ તેને ગ્રહ ‘એક્સ’ના અસ્તિત્વની સાબિતી શોધવામાં સફળતા મળી નહિ અને નવેમ્બર 16, 1916ના રોજ તેનું અવસાન થયું. ત્યારબાદ 1930માં ક્લાઇડ ટોમબોએ નવા ગ્રહ ‘પ્લૂટો’ની શોધ કરી ત્યારે બીજા ખગોળશાસ્ત્રીઓએ લીધેલા ફોટોગ્રાફ તેમજ લોવેલની ફોટોગ્રાફની પ્લેટનો ઝીણવટથી અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે છેક 1908માં લીધેલી પ્લેટ ઉપર પણ પ્લૂટો દેખાયો હતો; પરંતુ આમ છતાં પ્લૂટોને લોવેલનો ગ્રહ ‘એક્સ’ કહેવો કે નહિ તે શંકાસ્પદ હતું. કારણ કે યુરેનસની કક્ષામાં ફેરફાર કરવા માટે પ્લૂટોનું દળ ઘણું જ નાનું કહેવાય. લોવેલની ગણતરી પ્રમાણે ગ્રહ ‘એક્સ’નું દળ પૃથ્વી કરતાં સાતગણું તેમજ તેની તેજસ્વિતા પ્લૂટો કરતાં દસગણી હોવી જોઈએ ! આથી ટોમબોએ 1930થી લગભગ તેર વર્ષ સુધીના ગાળા દરમિયાન લોવેલે આગાહી કરેલ ગ્રહ ‘એક્સ’ની ચકાસણી કરવા માટે આશરે કુલ 7,000 કલાક સુધી ‘બ્લિન્ક કંપરેટર’ની મદદથી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર લગભગ નવ કરોડ તારાઓનું વિશ્લેષણ કર્યું; પરંતુ તેને ગ્રહ ‘એક્સ’ જેવો કોઈ અપેક્ષિત ગ્રહ ન દેખાતાં લોવેલના ગ્રહ ‘એક્સ’નું કોઈ અસ્તિત્વ નથી, તેવું નક્કી થયું.
દીપક ભદ્રશંકર વૈદ્ય