ગ્રહકણિકા (planetoid) : જેમનું સૂર્યપ્રદક્ષિણા-ક્ષેત્ર મુખ્યત્વે કરીને મંગળ અને ગુરુ(ગ્રહો)ની ભ્રમણકક્ષા વચ્ચે આવેલું છે તેવા આપણા સૂર્યમંડળના નાના સભ્યો. તેમને લઘુગ્રહ (minor planets, asteroids) પણ કહે છે. તે પૈકીના લગભગ 90 ટકા જેટલાનું સૂર્યથી સરેરાશ અંતર 2.2 અને 3.3 AUની વચ્ચે છે. 1 કિમી. કરતાં મોટો વ્યાસ ધરાવતા લઘુગ્રહોની કુલ સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે. 12 જેટલા લઘુગ્રહોનો વ્યાસ 150 કિમી. કરતાં મોટો અને લગભગ 35નો વ્યાસ 100 કિમી. કરતાં વધારે છે. 50થી 25 કિમી. ત્રિજ્યા ધરાવનારા લઘુગ્રહોની સંખ્યા લગભગ 100 જેટલી છે. 25થી 12.5 કિમી. ત્રિજ્યાવાળા લઘુગ્રહોની સંખ્યા લગભગ 400 છે. ત્રિજ્યા અડધી થતાં, લઘુગ્રહોની સંખ્યા 4 ગણી વધુ થાય છે, જે ક્રમ 1 કિમી. જેટલી સરેરાશ ત્રિજ્યા ધરાવનાર લઘુગ્રહો પર્યન્ત ચાલુ રહે છે.

1801ના જાન્યુઆરીની પહેલી તારીખે જિ. પિયાઝીએ સિરેસ નામના લઘુગ્રહની પ્રથમ શોધ કરી. તેનો વ્યાસ 1,070 કિમી. અને સૂર્યથી તેનું સરેરાશ અંતર 2.77 AU છે. 1890 સુધીમાં લગભગ 300 લઘુગ્રહો શોધાયા હતા. 1891માં મૅક્સ વુલ્ફે સૌપ્રથમ ઉપયોગમાં લીધેલ ખગોલીય ફોટોગ્રાફી ટૅક્નીક વડે નવા શોધાયેલા લઘુગ્રહોની સંખ્યા ઝડપથી વધવા લાગી. તાજેતરમાં ‘નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી પાલોમાર ઑબ્ઝર્વેટરી સ્કાય સર્વે’ માટે લેવાયેલી ફોટોગ્રાફિક પ્લેટમાં હજારોની સંખ્યામાં લઘુગ્રહોનાં પથચિહન (trails) જણાયાં છે. અર્વાચીન શ્મિટ ટેલિસ્કોપિક કૅમેરા દ્વારા લેવાયેલી ફોટો-પ્લેટમાં પથચિહન આંકી શકે તેવા લઘુગ્રહોની કુલ સંખ્યા 1 લાખની અંદાજવામાં આવે છે. સિરેસનું દ્રવ્યમાન 11.7 × 1020 કિગ્રા. છે, જ્યારે પલાસ અને વેસ્ટાનાં દ્રવ્યમાન અનુક્રમે 2.6 અને 2.4 × 1020 કિગ્રા. જણાયાં છે. સૂર્યમંડળમાંના બધા લઘુગ્રહોનું કુલ દ્રવ્યમાન 2.4 × 1021 કિગ્રા. જેટલું જણાયું છે.

1866માં કર્કવુડે જાહેર કર્યું કે લઘુગ્રહોના પટ્ટામાં ખાસ કરીને સૂર્યથી 2.50, 2.82 અને 2.96 AU અંતરે ધ્યાનાકર્ષક ખાલી જગ્યાઓ આવેલી છે, જેને પાછળથી કર્કવુડ ખાલી જગ્યાઓ કહેવામાં આવી. આ ખાલી જગ્યાઓની વિશિષ્ટતા એ છે કે તેમાં આવેલા ખગોલીય પિંડને સૂર્યપ્રદક્ષિણા કરતાં લાગતા સમયગાળા અને ગુરુનો (આપણાં 11.86 વર્ષ જેટલો) પરિભ્રમણકાળ સાદા ગુણોત્તર; જેમ કે, દર્શાવે છે. નિશ્ચિત સમયાંતરે ગુરુના ગ્રહની નિકટ આવી પહોંચનાર લઘુગ્રહોની ભ્રમણકક્ષા ગુરુના ગુરુત્વાકર્ષણને કારણે બદલાઈ જતાં તે સ્થાનચ્યુત થાય છે અને એમનાં સ્થાન ખાલી પડે છે.

પરંતુ લાગ્રાંઝ નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે અઢારમી સદીમાં એક નાના ખગોલીય પિંડ ઉપર બે અન્ય મોટા પિંડ દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો અભ્યાસ કર્યો અને તે એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યો કે બે મોટા પિંડ વચ્ચેના અંતરવાળા રચાતા બે સમભુજ ત્રિકોણના છેડા ઉપર નાનો ખગોલીય પિંડ આવે તો તેનું સ્થાન અચળ રહી શકે છે. આવાં લાગ્રાંઝિયન બિંદુઓ ઉપર ગુરુથી 60° આગળ અને પાછળ ટ્રોજન લઘુગ્રહો આવ્યા છે તેમ 1906માં પ્રત્યક્ષ દર્શનથી જણાયું. તેવી રીતે અન્ય વિશિષ્ટ કારણોસર અગત્યના ગણાતા આમોર નામથી ઓળખાતા લઘુગ્રહો મંગળના ગ્રહની ભ્રમણકક્ષાની નિકટ આવે છે, જ્યારે એપૉલો લઘુગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષાની નજદીક આવી પહોંચે છે. હર્મિસ નામનો એપૉલો લઘુગ્રહ 1937માં પૃથ્વીથી 7 લાખ 80 હજાર કિમી. જેટલો જ દૂર રહ્યો હતો. એની ભ્રમણકક્ષા એમ સૂચવે છે કે તે આના કરતાં પણ વધારે નજદીક આવી શકે અને પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેથી પસાર થાય એવી શક્યતા ખરી !

પ્ર. દી. અંગ્રેજી