ગ્રહ : કેન્દ્રસ્થ તારકની આસપાસ પ્રદક્ષિણા ફરતો સ્વપ્રકાશહીન, મોટો વ્યાસ ધરાવનારો ગણનાપાત્ર ખગોલીય પિંડ. ગ્રહ તારક પાર્શ્વભૂની સાપેક્ષમાં ફરતો દેખાય છે એના પરથી એનું અંગ્રેજીમાં નામ ‘પ્લૅનિટ’ planet એટલે ભટકનાર (wanderer) પડ્યું છે. અત્યારે સાંપડતા નિર્દેશ જણાવે છે કે આપણા પાડોશી તારકોમાં કેટલાયને ગ્રહમાળા છે.

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સોમ (ચંદ્ર), બુધ, શુક્ર, સૂર્ય, મંગળ, ગુરુ અને શનિ એમ 7 ગ્રહ ઉપરાંત રાહુ અને કેતુ નામના 2 છાયાગ્રહ મળીને કુલ 9 ગ્રહ મનાયા છે; જ્યારે અર્વાચીન ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્ય આપણા સૂર્યમંડળનો કેન્દ્ર તારક છે, જેની આસપાસ સૂર્યથી અંતરના ક્રમે ગણતાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન એમ 8 ગ્રહ કૅપ્લરિયન કક્ષામાં સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. અગાઉ સૌરમંડળમાં રાહુ-કેતુ સહિત 9 ગ્રહો ગણવામાં આવતા હતા. નવમો ગ્રહ ‘પ્લુટો’ ગણાતો હતો; પરંતુ 24 ઑગસ્ટ, 2004ના રોજ આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે (International Astronomical Unionએ) ગ્રહની વ્યાખ્યામાં મહત્વનો બદલાવ કર્યો. તે મુખ્ય ખગોળીય પિંડ કે જે સૂર્ય ફરતે પરિભ્રમણ કક્ષામાં હોય, જેનું દ્રવ્યમાન એટલું હોય કે જેથી તેવુ સ્વ ગુરુત્વ તેના ર્દઢતા બળોને(rigid body forces)ને મહાત કરે, પરિણામે તે લગભગ ગોળાકાર ધારણ કરી દ્રવસ્થૈતિક સમતોલન પ્રાપ્ત કરે અને તેની કક્ષાની આસપાસના વિસ્તારોમાંથી અન્ય પદાર્થોને દૂર કરે. અલબત્ત આ વ્યાખ્યા  સૌર મંડળને  પાર કોઈ ગ્રહમાળાને લાગુ પડતી નથી. મંગળ અને ગુરુની વચ્ચે આવેલા લઘુગ્રહોના પટ્ટાથી વિભાજિત બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને અંદરના ગ્રહ, તેમ જ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂનને બાહ્ય ગ્રહ કહેવાનો રિવાજ છે. સૂર્યમંડળના ગ્રહોનું ઘનતાને અને કદને આધારે વર્ગીકરણ કરતાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ (terrestrial) – પૃથ્વી જેવા, મુખ્યત્વે ઘનસ્વરૂપના ગ્રહ અને ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન મોટા, વિરાટ (giant), મુખ્યત્વે વાયુસ્વરૂપવાળા ગ્રહ તરીકે ઓળખાય છે.

પ્ર. દી. અંગ્રેજી