ગૌડ, લક્ષ્મા (જ. 21 ઑગસ્ટ 1940, નિઝામપુર) : હૈદરાબાદના ચિત્રકલાકાર. હૈદરાબાદની સરકારી કૉલેજમાંથી ડ્રૉઇંગ અને પેઇન્ટિંગનો ડિપ્લોમા મેળવ્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ભીંતચિત્રકલાના વધુ અભ્યાસ માટે સ્થાનિક લલિત કલા અકાદમીએ શિષ્યવૃત્તિ આપી. દિલ્હી, મુંબઈ અને બૅંગાલુરુમાં 1991 સુધીમાં 9 પ્રદર્શનો યોજી ચૂક્યા છે. પશ્ચિમ જર્મની અને લંડનમાં પણ એકલ પ્રદર્શનો થયાં. રાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છે. રંગીન ઉત્કીર્ણ મુદ્રણ પ્રયોગો (etching graphics) અને જલરંગી કલમશાહીનાં ચિત્રોમાં વિપર્યાસભરી રૂપરેખા શૈલી પ્રગટ થાય છે. તેમનાં ચિત્રો માનવાકૃતિપ્રધાન રહ્યાં છે. ટોકિયો અને સાવ પાવલો દ્વિવાર્ષિકી પ્રદર્શનોમાં તેમની કૃતિઓને સ્થાન મળેલું. વૉરસો, બુડાપેસ્ટ અને બેલગ્રેડમાં માનવાકૃતિ ચિત્રસંયોજનોમાં તેમની કૃતિઓની વિશિષ્ટ ગણના થઈ હતી. સમકાલીન કલાના ‘ભારતીય ઉત્સવો’માં લંડન, અમેરિકા અને જિનીવામાં તેમનાં ચિત્ર રજૂ થયાં હતાં. આજે પણ તેમનાં ચિત્રો દિલ્હી, હૈદરાબાદ તથા ચંડીગઢનાં સંગ્રહાલયોમાં પ્રદર્શિત થયેલાં છે. એકાદ વર્ષ તેઓ દૂરદર્શન(હૈદરાબાદ)ના કલાનિર્દેશક તરીકે નિયુક્ત (1974) થયેલા.

લક્ષ્મા ગૌડ

તેઓને 2016માં પદ્મશ્રી એનાયત થયો હતો.

કનુ નાયક