ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું.
પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી હતી. 1933માં સિંધી ભાષામાં હિંદુસ્તાની સંગીતપદ્ધતિના રાગોની તેમની કેટલીક ગ્રામોફોન રેકર્ડો ઊતરી હતી. તેમણે સંગીત સંબંધી ‘સંગીત સારપ્રકાશ’ (ભાગ 1 અને ભાગ 2) તથા ‘સંગીત રસિકાવલી’ – એ પુસ્તકો લખ્યાં છે. 1947 પછી તેઓ જયપુરમાં સ્થાયી થયા હતા. ભારતનાં વિભિન્ન સંગીત સંમેલનોમાં બ્રહ્માનંદજીએ ભાગ લીધો હતો.
રમેશ ઠાકર