ગોવિંદ 4થો (શાસનકાળ 930–936) : રાષ્ટ્રકૂટ વંશની કર્ણાટક શાખાનો દશમો રાજવી અને ઇન્દ્રરાજ ત્રીજાનો પુત્ર. ઇતિહાસમાં સુવર્ણવર્ષ ગોવિંદરાજથી જાણીતો છે. પોતાના મોટા ભાઈ અમોઘવર્ષ બીજાને દગાથી મરાવી એણે ગાદી હાથ કરેલી (ઈ. સ. 930). આથી એનાં વિધવા ભાભી બિનસલામતીના ભયથી સગીર પુત્રને લઈ વેંગી ચાલ્યાં ગયેલાં. એની પ્રશસ્તિમાં એને દાનવીર, દર્શનીય રૂપ ધરાવતા પ્રતાપી તથા વિજયી રાજા તરીકે ઓળખાવ્યો છે. એના સત્તાકાલ સુધી ગુજરાત લાટ તરીકે ઓળખાતું હતું. તેના પછી ગુજરાત ઉપરનું રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ખતમ થયું.

પચીસની વયે ગાદીએ આવનાર ગોવિંદના જુલમી અને અપ્રિય શાસનને કારણે એના પ્રધાનો અને સામંતોએ એના કાકા અમોઘવર્ષ 3જા સાથે યોજના ઘડીને ગોવિંદને રાજ્યના હિતમાં ઈ. સ. 936માં સત્તાભ્રષ્ટ કર્યો, ઇન્દ્ર 3જો 922માં અકાળે અવસાન પામેલો. વિધવા ભાભીને વેંગીના રાજાએ આશ્રય આપેલો હોઈ ગોવિંદને તેનું વર્તન ગમેલું નહિ, પણ 925માં વેંગીના રાજાનું અવસાન થતાં વેંગી ઉપર ગોવિંદનું આધિપત્ય સ્થપાયું, કાકા સાથેના સંઘર્ષમાં એને મારી નાખવામાં આવેલો કે સ્વાભાવિક રીતે મૃત્યુ પામેલો તે જાણવા મળતું નથી.

રસેશ જમીનદાર