ગોવિંદ 3જો (શાસનકાળ ઈ. સ. 793–814) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો સહુથી પ્રતાપી રાજવી. પિતા ધ્રુવે એને યુવરાજ નીમીને સ્વેચ્છાએ ગાદીત્યાગ કર્યો હતો. એના મોટા ભાઈ સ્તંભે સામંતો અને પડોશીઓની મદદ લઈ એની સામે બળવો કર્યો, પણ ગોવિંદે બળવો શમાવી દઈ એને વફાદારીની શરતે ગંગવાડીનો અધિકાર પુન: સુપરત કર્યો.

ગોવિંદે ગંગ રાજા શિવપારનો પરાભવ કર્યો. પલ્લવનરેશ દન્તિગને પણ વશ કર્યો. વેંગીના રાજા વિષ્ણુવર્ધન ચોથા ગોવિંદના માતામહ હોઈ એના આધિપત્યને અવગણતા નહિ. ગોવિંદરાજે જગત્તુંગ, પ્રભૂતવર્ષ, શ્રીવલ્લભ, જનવલ્લભ, કીર્તિનારાયણ અને ત્રિભુવનધવલ – એવાં અપર-નામ ધારણ કર્યાં હતાં.

દખ્ખણમાં પોતાનું આધિપત્ય ર્દઢ કરી ગોવિંદે ઉત્તર ભારત પર કૂચ કરી. કનોજનો રાજા નાગભટ બીજો યુદ્ધભૂમિમાંથી ભાગી ગયો. પાલ રાજા ધર્મપાલ પણ તાબે થયો. માલવ, કોસલ, કલિંગ, વેંગી, ડાહલ અને ઓડ્રક પ્રદેશો પર એની આણ વર્તી. લાટ અને વેંગીમાં એના નાના ભાઈઓની શાખા સ્થપાઈ. પલ્લવોનું કાંચી જીતી ત્યાં શિવાલય બંધાવ્યું. શ્રીલંકાના રાજાએ એની કૃપા સાધી. ગોવિંદના મૃત્યુ (ઈ.સ. 814) પછી એનો પુત્ર શર્વ અમોઘવર્ષ ગાદીએ આવ્યો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી