કાષ્ઠશિલ્પ : કાષ્ઠમાં કોતરેલું શિલ્પ. સામાન્ય માન્યતા એવી છે કે પાષાણના શિલ્પીઓએ કાષ્ઠના કારીગરો પાસેથી પાષાણ શિલ્પકળા હસ્તગત કરી. પથ્થરનું કોતરકામ કાષ્ઠના શિલ્પ કરતાં ઘણું મોડું વિકાસ પામ્યું. આ પ્રકારના પ્રાચીન જાણીતા દાખલા ભારતમાં કાર્લા, અજન્તા, નાસિક, મહાબલિપુરમ્ તથા અન્ય સ્થળોએથી મળી આવે છે. તેમાંથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યમાં બાંધકામનાં પ્રારંભિક લક્ષણો કાષ્ઠના અનુકરણરૂપે દેખાય છે. સામસામે ખાંચા પાડીને કાષ્ઠને જોડવામાં આવતું, તેવી જ રીતે થાંભલાના ભાગોમાં ખાંચા પાડીને તેને જોડવામાં આવતાં. છાપરાનાં મોભ, વળી, છજાં, ઝરૂખા વગેરે નોંધપાત્ર છે. અલંકૃત તકતીઓ, અર્ધથાંભલીઓ, બારીઓ, જાળીઓ વગેરે પથ્થરનાં બને છે પરંતુ તેમાંનાં કેટલાંકમાં કાષ્ઠકામની નકલ જણાય છે. તેથી એમ માનવામાં આવે છે કે શિલ્પકારોએ તેમની ડિઝાઇનો અને તેની કલાત્મક રચના તથા તેમાં કરવામાં આવતાં અલંકરણોની ખૂબી કાષ્ઠના કારીગરો પાસેથી મેળવેલી છે.

પથ્થર કરતાં કાષ્ઠ કોતરવાનું સરળ હોઈ પ્રાચીન સમયના કારીગરોએ કલાકારીગરીને વ્યક્ત કરવા માટે કાષ્ઠકામનું માધ્યમ પસંદ કર્યું હશે. કાષ્ઠ સરળતાથી મળે અને પથ્થર કરતાં સસ્તું પણ મળે. કાષ્ઠ મુકાબલે નાશવંત હોવાથી ઈ. પૂ. ત્રીજી અને ચોથી સદીના સમયના કે તે પહેલાંના અવશેષો પ્રાપ્ત થતા નથી.

કાષ્ઠકળાના અને પાષાણશિલ્પના કારીગરો એક જ વર્ણના હોવાના કારણે ડિઝાઇનો અને કલાત્મક રચના એકબીજા પાસેથી શીખ્યા હોય તે સ્વાભાવિક છે. કારીગર પોતે કાષ્ઠ અને પાષાણ બંને ક્ષેત્રોમાં કામ કરતો હશે. કામ કરવાની પદ્ધતિ સરખી, પણ બંનેમાં કામનું માધ્યમ જુદું. બંને કળા સમાંતર વિકાસ પામી. વિશ્ર્વકર્મા બંનેના દેવ ગણાય છે.

બૌદ્ધ ચૈત્યગુફાઓમાં કામ કરવાની પદ્ધતિ કાષ્ઠકારીગરને અનુરૂપ જણાય છે. કાષ્ઠના નાશવંત ગુણને લીધે મધ્યયુગની પહેલાંનાં કાષ્ઠશિલ્પ મળી શકતાં નથી.

કાષ્ઠશિલ્પની સૌપ્રથમ શાળા ગુજરાતમાં સ્થપાઈ અને તેનું મુખ્ય કેન્દ્ર પાટણ (ઉત્તર ગુજરાત). ગુજરાતમાં કાષ્ઠશિલ્પ મંદિરોમાં, ખાનગી ઘરોના દેરાસરમાં તેમજ ખાનગી મકાનોમાં સુશોભન માટે થતું. જો કે આમાંનો મોટોભાગ ધાર્મિક પ્રકારનો હતો. તેમાં જૈન ધર્મનાં દેવદેવીઓ, જૈન ધર્મની વાર્તાઓ તથા કથાનકો રજૂ થતાં. નેમિનાથના મહાન ત્યાગની કથા પાટણમાં પંદરમા સૈકાના મંદિરમાં લાકડાની તકતીઓ ઉપર કોતરેલી છે. આ જ પ્રસંગ આબુ પર્વત પરના દેલવાડાનાં દેરાંમાં ગુજરાતના રાજા વીરધવલના મંત્રી તેજપાલે આરસના લુણવસહી મંદિરમાં કોતરાવ્યો છે.

કાષ્ઠશિલ્પના સુશોભન માટે કાષ્ઠને લાખના ઘેરા રંગથી રંગવામાં આવતું. છૂટક છૂટક કાષ્ઠશિલ્પના ટુકડા પણ સુંદર શિલ્પનો ખ્યાલ આપે છે. કાષ્ઠ કરતાં પથ્થર વધુ ટકે તેથી પછીના સમયમાં પથ્થરનાં શિલ્પો અને મંદિરોની માગ વધી. કાષ્ઠશિલ્પો મોટાભાગે સંગ્રહાલયો અને ખાનગી સંગ્રહસ્થાનોમાં સચવાયાં છે. પાટણમાં આજે ત્રણથી ચાર મંદિરો છે, જે અંદરના ભાગે કાષ્ઠશિલ્પથી શોભે છે.

મુઘલકાળ દરમિયાન ભારતમાં તમામ ઘરગથ્થુ કામો કાષ્ઠનાં થતાં. તેમાંથી કાષ્ઠકળા વિકાસ પામી. સૈકાઓ સુધી ભારતભરનાં મકાનોના અગ્રભાગનું સુશોભન કાષ્ઠકામથી કરાતું. સૂરત, વડોદરા, અમદાવાદ, પાટણ વગેરે સ્થળોએ શેરીઓમાં ફરતાં મકાનોનાં સુશોભનમાં ઉચ્ચ પ્રકારની કાષ્ઠકળા જોઈ શકાય છે.

કાષ્ઠકળાની થોડીક અવનતિ થઈ છતાં તે જીવંત રહી છે. સૈકાઓથી ચાલ્યું આવતું આરસ અને પથ્થરના કોતરકામનું અનુકરણ અમદાવાદ અને સૂરતનાં જૈન મંદિરોમાં જણાય છે. ઉત્તર ભારતમાં જૈન કાષ્ઠશિલ્પની કલા અગિયારમા સૈકામાં શ્રેષ્ઠતાને પામી, જેને કારણે આબુ, શત્રુંજય, ગિરનાર તેમજ અન્ય સ્થળોએ શ્રેષ્ઠ મંદિરો તૈયાર થયાં. આ મંદિરનાં કાટખૂણિયાં સુશોભનાત્મક થવા લાગ્યાં. આ કાટખૂણિયાં અને શિલ્પની ભૂમિસમાંતર તકતીઓના થરોની રચનાઓ કાષ્ઠકળાનું અનુકરણ જણાય છે.

મુખ્ય પ્રવેશદ્વાર અને છજાના આધારસ્તંભોમાં સુશોભનો થવા લાગ્યાં. દીવાલોની અંદરનો ભાગ દેવોને માટે રાખવામાં આવતો, તેને દેવઘર કે ઘરદેરાસર તરીકે ઓળખાવતા. તેનું શિલ્પમય સુશોભન કુટુંબની રુચિ મુજબ થતું. પૌરસ્ત્ય સ્થાપત્યનું અજોડ નિદર્શન તે છિદ્રોવાળી બારીઓ કે જાળીઓ છે. ઉત્તર ભારતમાં કાષ્ઠકામની આવી જાળીઓ ઘણી મળી આવે છે પણ તેની અસર મુઘલ શૈલીની હોય એમ લાગે છે. આવી જાળીઓ દ્રાવિડ અને ચાલુક્યના દક્ષિણ અને પશ્ચિમ ભારતના પાષાણકામમાં જણાય છે. તેમાં મુખ્યત્વે ફૂલવેલની ડિઝાઇનો હોય છે. ઉપરાંત પશુઆકૃતિઓ પણ હોય છે. આ બારીઓમાં ભૌમિતિક ડિઝાઇનો નજરે પડતી નથી.

મંદિરમાં અને ખાનગી મકાનોના કાષ્ઠકામમાં નરથર, ગજથર, ગાયકવૃંદો, નર્તકીઓ વગેરેના થરો કે તકતીઓ હોય છે. સુંદર અંગભંગિવાળી આકૃતિઓ ભરહુત અને સાંચીની કળામાંથી આવેલી જણાય છે. ગુજરાતી ઘરોના મુખ્ય દ્વારના લિન્ટલ – બારસાખ વગેરેમાં વિવિધ ડિઝાઇનો અને માંગલ્યચિહનો કોતરેલાં હોય છે, જેથી મકાનમાલિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે. ગુજરાતનો કાષ્ઠશિલ્પી પશુઆકૃતિઓ ઉત્તમ બનાવતો. તેમાં મુખ્યત્વે હાથી, ઘોડા કંડારાતા. આવી ઉત્તમ કારીગરીનો જોનાર પર પ્રભાવ પડ્યા વગર રહેતો નહિ. ‘લાકડાના ઘોડાની કથા’, ‘લાકડાનો ઊડતો ગરુડ’ વગેરે જેવી ગુજરાતી લોકકથાઓના નિરૂપણથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના કાષ્ઠકામના કલાકારો પ્રણાલીગત લોકકલાના જાણકાર હતા.

ઈ. 1594-96 દરમિયાનના એક સચવાયેલા લેખને આધારે સ્પષ્ટ થાય છે કે રત્નકુંવરજી નામનો એક શ્રીમંત ઓસવાલ જૈન અને તેની ભગિની અને પુત્રી વગેરેએ પાટણમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના મંદિરની રચના માટે નાણાંની સહાય કરી હતી. આ મંદિર શ્વેતામ્બર મુનિ જિનચંદ્રસૂરિ કે જે ખરતરગચ્છના હતા તેમની દોરવણી હેઠળ તૈયાર થયું હતું. આ મુનિને સત્તમ શ્રી યુગ-પ્રધાન મહાન ગુણકારી અને તે યુગના ભવ્ય પુરુષ તરીકેનો ખિતાબ બાદશાહ અકબરે આપ્યો હતો. આ મંદિર વાડીપુર કે વાડી પાર્શ્વનાથ મંદિર તરીકે જાણીતું થયું. મૂળ ઇમારતના ભાગ તરીકે એક નાનો પણ સમૃદ્ધ કોતરકામયુક્ત ઘૂમટવાળો મંડપ તૈયાર થયો. આ સ્થાપત્યનો અજોડ નમૂનો ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમમાં સ્થાન પામેલો છે. આ મંડપ કાષ્ઠશૈલીનો ઉત્તમ નમૂનો છે. તેના ઘૂમટમાં સુંદર કોતરણીવાળી પદ્માકાર છત, ઘૂમટ ફરતાં સુરસુંદરીઓનાં આઠ શિલ્પો અને વાહનયુક્ત અષ્ટ દિકપાલોનાં શિલ્પો છે. ઉપરાંત ઝરૂખાનું કલામય તોરણ, તેની મધ્યમાં પદ્માસનસ્થ તીર્થંકર, બે સેવિકા અને નીચેના ભાગમાં ગજલક્ષ્મી, સુરસુંદરીઓ અને નૃત્યાંગનાઓ તેમજ મંડપના ગવાક્ષોમાં દેવદેવીઓનાં શિલ્પો વગેરે ગુજરાતની કલાના જીવંત નમૂના છે. આ શિલ્પોનાં વસ્ત્રપરિધાન, અલંકાર, મુકુટનો આકાર અને તે ઉપરનું રંગકામ વગેરે ગુજરાતની પરંપરાગત કલાનો ખ્યાલ આપે છે.

પુણ્યાર્થે મંદિરનું બાંધકામ કરવામાં આવતું. જમાનાની માગ સાથે આવા કાષ્ઠકામનાં મંદિરોના સમૂહોને છૂટા કરીને તેની જગાએ ખૂબ ખર્ચાળ એવા પથ્થર કે આરસનાં મંદિરો થવા લાગ્યાં. અમેરિકાના બે ભાઈઓ રૉબર્ટ ડબ્લ્યૂ. દ ફૉરેસ્ટ અને લૉકવુડ દ ફૉરેસ્ટે ઈ. સ. 1916માં કાષ્ઠકલાયુક્ત મંડપો મેળવીને ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમમાં ગોઠવ્યા છે.

ગુજરાતમાં કાષ્ઠનો બહોળો ઉપયોગ થતો તેથી કાષ્ઠ-કોતરકામના ઘણા નમૂનાઓ મળી આવે છે. કેટલાકમાં સમગ્રતયા લાકડાનું મંદિર અથવા કેટલાકમાં મંદિરનો થોડોક ભાગ નજરે પડે છે. વીસનગર(ઉ. ગુજરાત)માં કાષ્ઠમાં કોતરેલી મંદિરની સુંદર પ્રતિકૃતિ છે. બીજું આવું જ પણ સહેજ નિમ્ન કોટિનું કાષ્ઠકામનું મંદિર વડોદરાના મ્યુઝિયમમાં ઈ. સ. 1947થી છે. આ મંડપની કોતરણી અદભુત છે. તે ભારત માટે વિરલ નમૂનો ગણાય તેમ છે. ઓરડાની અંદરનું કોતરકામ ઉપસાવીને શિલ્પ ઉતાર્યું છે. તેમાંની દરેક આકૃતિ જીવંત બતાવેલી છે. સમગ્ર રચના ધ્યાનપૂર્વક કરેલી અને પ્રણાલીગત છે. આમાં કંડારેલી દરેક આકૃતિમાં ભક્તિભાવ દેખાય છે, જે જૈન ધર્મનું યોગ્ય સ્મારક ગણાય છે. આ મંડપનો ઇતિહાસ કંઈક અંશે ગૂંચવાડાભરેલો છે, કારણ કે તેના કાષ્ઠકળાના જુદા જુદા ભાગો જુદા જુદા સમયે અને સ્થળે તૈયાર થયેલા છે અને છેવટે કોઈ એક વ્યક્તિએ તેને એકત્ર કરેલા છે. આ મંડપ કોઈ શ્રીમંત જૈને કરાવ્યો હશે અને પોતાના ઘરમાં તેનો ઉપયોગ કર્યો હશે. આ મંડપનાં મુખ્ય શિલ્પોમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનો લગ્નોત્સવ-વૈભવ, સંસારત્યાગ, જૈનાચાર્યની શોભાયાત્રા વગેરે વિવિધ કથાપ્રસંગો સુંદર રીતે કંડારેલા છે. પુષ્પાંકિત આકૃતિઓ, મુઘલ અસરવાળી કમાનો અને પશુપક્ષીઓનાં શિલ્પ તક્ષણકલાના સુંદર નમૂના છે. આ મંડપનો સમય સોળમીથી અઢારમી સદીનો મૂકવામાં આવે છે. આ મંડપના વિવિધ ભાગોનું નિર્માણ જુદા જુદા સમયે થયું હોઈ ગુજરાત, રાજપૂતાના અને મુઘલ વગેરે શૈલીઓનો તેમાં સમન્વય થયેલો છે.

મંડપનો સમય નક્કી કરવા માટે અનુલેખ ન હોય તો બીજાં ધોરણોથી નક્કી કરી શકાય, જેમ કે તીર્થંકરના મસ્તક ઉપરનું શિરોવેષ્ટન. તે ત્રણ થરની છત્રી કે મુગટ જેવું હોય છે, જે સોળમા સૈકાની જૈન હસ્તપ્રતોમાં દેખાય છે. મુગટની ટોચ ઉપરનો ભાગ છત્ર જેવો જુદી જુદી લંબાઈનો છે તે સત્તરમા અને અઢારમા સૈકામાં પણ જણાય છે. છજાની નીચેની દીવાલ ઉપર બતાવેલાં દેવી લક્ષ્મી અને તેમના અનુચરોના મુગટો ઊંચા બતાવેલા છે. તેને સોળમા અને સત્તરમા સૈકામાં મૂકી શકાય. બળદગાડું અને તેની નીચી દીવાલ ખૂબ અલંકૃત છે. આ ગાડાને ચાર પૈડાં છે. તેને સત્તરમા સૈકાના પ્રારંભકાળમાં મૂકી શકાય તેમ છે. દરેક છજામાં બે બળદગાડાં છે (જેમાંના એક ઉપર પક્ષી છે). ગાડું હાંકનારની સાથે ગાડાના અંદરના ભાગમાં સાધુઓ જેવા પોશાકમાં અને પ્રવચનમુદ્રામાં યાત્રાળુઓની નાની નાની આકૃતિઓ છે. ખરું જોતાં તો આ સાધુઓ નહિ હોય, કારણ કે સાધુઓને વાહનમાં બેસીને મુસાફરી કરવાની જૈન ધર્મમાં મનાઈ છે. આ ર્દશ્યપટ્ટો એમ સૂચવે છે કે ધાર્મિક જૈનો યાત્રાએ જાય છે. શ્રીમંતો પોતાની સાથેના યાત્રાળુઓ(સંઘ)નો ખર્ચ ભોગવે છે તેવી એક જૂની પ્રથા સંઘપતિની છે. આવી જૈન વ્યક્તિઓ સાધુ પાસેથી કામચલાઉ વ્રત લે છે અને યાત્રાએ જાય છે. શત્રુંજય (સૌરાષ્ટ્ર) તીર્થ પાટણથી 150 કિમી. દૂર છે. પહેલા તીર્થંકર ઋષભદેવ ત્યાં નિર્વાણ પામ્યા હતા તેથી જૈનો માટે આ યાત્રા અને પર્વત પવિત્ર મનાય છે. આ કાષ્ઠમંડપ શત્રુંજયમાં તૈયાર થયેલો જણાય છે.

આ સમૃદ્ધ શિલ્પમય મંડપ(વડોદરાના મ્યુઝિયમની ગૅલરી)ની પુનર્રચના થઈ હતી. તેમાં મધ્યમાં ઘૂમટ, એક ભાગમાં વાદ્યવૃંદ અને તેની કેટલીક તકતીઓ જુદા જુદા સમયે તૈયાર થયાં હોય એમ જણાયું છે (તેની રચનાનો સમય સોળમા સૈકાનો ઉત્તરભાગ મનાય છે). મંડપના કોણ-કાટખૂણા ઉપરની રચનાઓ, નાના ઘૂમટને શોભાવતાં વાદ્યવૃંદો અને તકતીઓ સત્તરમા સૈકાના પ્રારંભકાળનાં જણાય છે. સામાન્ય રીતે ગમે તે સમયે મંદિરોનો ર્જીણોદ્ધાર થયો હોય તોપણ દીવાલની શક્ય તે બધી જગાએ, જૂના મંદિરનાં શિલ્પો અથવા શિલ્પ-સ્થાપત્યના ટુકડાઓને (ગમે તે સમયના કે કારીગીરીના હોય તોપણ) મઢી દેવામાં આવે છે. અવશેષો ધાર્મિક છે તેટલું જ જાણવામાં આવતાં તેને મંદિરની હદમાં યોગ્ય સ્થળે કે ગમે ત્યાં ગોઠવી દેવામાં આવે છે. મંદિરોનો ર્જીણોદ્ધાર અને તેમાં થતો ફેરફાર ગુજરાતી જૈન કલામાં પ્રચલિત છે. છતાં પણ તેનું કલાસૌન્દર્ય બગડે નહિ તે રીતે તેની શૈલી સચવાય છે. સોળમા સૈકાના અંતભાગનાં અને સત્તરમા સૈકાનાં પ્રાચીન મંદિરોની પુનર્રચના ઘણા સમય પછી થઈ હતી તોપણ આ મંડપના અવશેષો ગુજરાતી કાષ્ઠશિલ્પનું સાચું સંગ્રહસ્થાન બની ગયા છે.

જૈન કથાઓના મહત્વના પ્રસંગો ‘ચૌદ સ્વપ્નો’ અને ‘અષ્ટ મંગલ’ને કાષ્ઠશિલ્પમાં સ્થાન આપવામાં આવ્યું છે. શુકન માટેની વસ્તુઓ, શ્રીલક્ષ્મી, અંબિકા, જિન, યક્ષો, દિકપાલો તેમજ સ્વર્ગીય અપ્સરાઓ(સુરસુન્દરી)ને પણ મંડપના કાટખૂણિયામાં સ્થાન મળેલું છે. પાંખોવાળી, દેવતાઓ તથા વાજિંત્રો ધારણ કરેલી, સુરસુંદરીઓનાં શિલ્પો ધ્યાનપાત્ર છે. પાંખોવાળી દેવતાઓનાં ઊડતાં શિલ્પોની રચનામાં કલાકારે મધ્યકાલીન કલામાંથી પ્રેરણા લીધી હોય એમ જણાય છે. કેટલીક શિલ્પપટ્ટિકામાં સ્ત્રીપુરુષોના પહેરવેશ અકબરના દરબારીઓના પોશાક જેવા દેખાય છે. પુરુષો દાઢી રાખતા નહિ (clean shaved) તે ફૅશન તે સમયે હતી છતાં પણ કેટલાંકમાં આછી દાઢી નજરે પડે છે. લાંબી દાઢી જે દાતાઓના શિલ્પમાં જણાય છે તે સત્તરમાઅઢારમા સૈકાઓના અવશેષ રૂપે હોઈ શકે. પોશાકમાં ધોતી જવલ્લે જ દેખાય છે. સામાન્ય પોશાકમાં ઢીંચણ સુધી પહોંચતો જામો, ઘેરા લાલ, લીલા અથવા વાદળી રંગનો અને ક્યારેક નારંગી રંગના કાપડનો બનાવાતો. આ પોશાક આચાર્ય અને તેના અનુયાયીઓનો હતો; તેમાં પણ અકબરના સમયની અસર જણાય છે. યક્ષ ને દિકપાલની કેટલીક પ્રતિમામાં મુગટ જણાતો. આ મુગટ અર્ધગોળાકાર, કાનથી કાન સુધીનો રહેતો પણ કાનની બૂટ બહાર દેખાતી. આ મુગટ હિંદુ, મુસ્લિમ, ગુજરાતી, રાજપૂત અને દખ્ખણી તત્વનું મિશ્રણ જણાય છે.

પાટણ, સિદ્ધપુર અને વડોદરાના કાષ્ઠકલાના નમૂનામાં વધુ પડતું ઉપસાવીને કરેલું શિલ્પકામ, મોર અને હાથી વગેરેની આકૃતિઓ છે. આવી તકતીઓમાં સ્ત્રીઓનું વાદ્યવૃંદ વિવિધ વાદ્યો વગાડતું કંડારેલું છે. આવી તકતીઓ અઢારમી સદીની મળી આવી છે.

કાષ્ઠકલાના સુંદર નમૂના ગુજરાતનાં ઘણાં શહેરો અને ગામડાંમાં જોઈ શકાય છે. એમાં સુંદર કોતરકામ, મનને પ્રફુલ્લિત કરે તેવી ડિઝાઇનો, ઘરના થાંભલા, કાટખૂણિયા, ગોખ અને બારણાં વગેરે નજરે પડે છે.

કાષ્ઠકલાના ઉત્તમ નમૂના તરીકે અમદાવાદની શામળાની પોળમાં આવેલું શ્રી પાર્શ્વનાથ મંદિર (1653) છે; એમાં કાષ્ઠમાં તીર્થંકરોના જન્મ-મહોત્સવ વગેરેનાં ર્દશ્યો તેમજ પૂતળીઓ અને કલાત્મક ટેકા નજરે પડે છે. ઉપરાંત નિશાપોળમાં આવેલું જગવલ્લભ પાર્શ્વનાથ મંદિરનું સ્થાપત્ય હવેલી પ્રકારનું છે. તેનો આગળનો ભાગ, તેની બારીઓ તથા વેલબુટ્ટાની આકૃતિઓ અનેક શિલ્પાકૃતિઓથી વિભૂષિત છે. એના પાટડા ઉપર હાથીના મુખવાળાં શિલ્પોની સુંદર તકતી છે. રાયપુરમાં ધોબીની પોળમાં આવેલા એક મકાનની કલાત્મક બારી નીચે મયૂરમુખ-શિલ્પોવાળી સુંદર પટ્ટિકા અને તોરણાકાર પટ્ટિકા પુષ્પાંકિત શિલ્પમય છે. તેવી જ રીતે અમદાવાદમાં હરિભક્તિની પોળનું મકાન તથા ગૌતમ સારાભાઈનું હાંસોલનું મકાન તેના કાટખૂણિયા તેમજ સ્તંભશીર્ષ વગેરે ઉત્તમ પ્રકારની આકૃતિઓથી સુશોભિત છે. ધ્રાંગધ્રા પાસેનો હળવદનો જૂનો રાજમહેલ પણ આ જ પ્રકારનો છે.

ખેડા જિલ્લાની શ્રી લક્ષ્મીરામની હવેલીની બારસાખની મધ્યમાં શ્રીગણેશ અને તેની આજુબાજુ સુંદર ચામરધારિણી અને અભિષેક કરતા હાથીઓનાં સુંદર શિલ્પો છે. કાષ્ઠકલાના કલાત્મક ટોડલા અને સુંદર (ભૌમિતિક) રૂપાંકનવાળી છત પણ ધ્યાન ખેંચે છે. આ હવેલીની રચના અઢારમી સદીના પ્રારંભમાં થયેલી જણાય છે. પાટણની આ જ સમયની એક હવેલીનો ભાગ શિલ્પસ્થાપત્યનો અદભુત નમૂનો પૂરો પાડે છે. તેમાં પણ હવાઉજાસ માટેની નકશીદાર જાળીઓનું કોતરકામ કલાની કલગીરૂપ છે.

સુરતના ચિંતામણિ દેરાસરના વિવિધ ભાગો ઉત્તમ પ્રકારની કોતરણી અને કાષ્ઠશિલ્પોથી ભરચક છે. પાર્શ્વનાથના અલંકૃત તોરણવાળા ગવાક્ષ, બારસાખ વગેરે રમણીય છે. આ શિલ્પ સોળમી સદીના ઉત્તરાર્ધનાં જણાય છે.

પાટણના સત્તરમી સદીના એક જૈન મંદિરમાંથી જુદા જુદા પ્રકારનાં વાજિંત્રો વગાડતી સુરસુંદરીઓ અને ગંધર્વોનાં કેટલાંક સુંદર શિલ્પો અમદાવાદના શાંતિનાથ જૈન મંદિરના વ્યવસ્થાપકોએ મેળવ્યાં છે. આ શિલ્પોના મુગટ રાજપૂત-મુઘલ શૈલીનાં ચિત્રોમાં દેખાતા મુગટ જેવા છે. તેના મોટા ચહેરા અને વિસ્ફારિત આંખો ધ્યાન ખેંચે છે.

પાટણના કાનશા પાડામાં જોડાજોડ આવેલાં બે જૈન મંદિરો પૈકી એકમાં એક મોટો (1.1 ´ 2.1 મીટર) કલાત્મક કાષ્ઠપટ્ટ દીવાલમાં જડી દેવામાં આવ્યો છે. આની રચના સત્તરમી-અઢારમી સદીની ગણવામાં આવે છે. એમાં ઉપરના ભાગમાં સમેતશિખર તીર્થ અને નીચેના ભાગમાં અષ્ટાપદતીર્થનું કોતરકામ થયેલું છે. સમેતશિખર તીર્થમાં ચડતા-ઊતરતા યાત્રાળુઓ ઉપરાંત પહાડ, પક્ષીઓ, નદી, સરોવર, વૃક્ષો, તપ કરતા મુનિઓ વગેરેનું તાશ શિલ્પાંકન કરવામાં આવ્યું છે. અષ્ટાપદ પર્વત ચોવીસ તીર્થંકરોની શિખરબંધી દેવકુલિકાઓથી શોભે છે. આ પર્વત આદ્યતીર્થંકર ઋષભદેવની નિર્વાણભૂમિ હોઈને મંદિરને બદલે સ્તૂપરચના બતાવેલી છે. ઉપરના ભાગે બે ચામરધારી ઇંદ્ર છે અને સ્તૂપની જમણી બાજુ તંતુવાદ્ય બજાવતો દશ માથાંવાળો રાવણ અને ડાબી બાજુ એની પત્ની મંદોદરીને ભગવાન પાસે નૃત્ય કરતી બતાવી છે.

ગુજરાતનાં ગામો અને નગરોમાં અનેક મંદિરો, હવેલીઓ, ચબૂતરા, મકાનો વગેરે કાષ્ઠકલાથી સમૃદ્ધ છે. દરેક ગામમાં કે પોળમાં આવેલાં ખાનગી મકાનો, રાજમહેલ કે દરબારગઢ કે જૈનમંદિરોનો ઉલ્લેખ અત્રે અશક્ય છે. કાષ્ઠકલાનાં શિલ્પો સોળમી સદીના ઉત્તરાર્ધથી અઢારમી સદીના પૂર્વાર્ધમાં થયેલાં છે. મરાઠાકાલમાં કાષ્ઠકલાકારીગરીમાં ઘણું પરિવર્તન આવ્યું. અગાઉ જે કોતરકામ ખૂબ બારીક અને રેખાની અવર્ણનીય કુમાશવાળું હતું તે મરાઠાકાલમાં ઘણું સ્થૂળ લાગે છે. મુઘલ સમય કરતાં આ સમયમાં માનવઆકૃતિઓ કંઈક અલંકારયુક્ત બની છતાં પણ તેમાં મુઘલાઈ, મારવાડી અને મરાઠી શૈલીઓનું મિશ્રણ થયેલું સ્પષ્ટ નજરે પડે છે. તળ ગુજરાતનાં નગરોમાં તેમજ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ અને ઘોઘા તથા ભાવનગર જેવાં નગરોમાં આ મિશ્ર શૈલીના નમૂના ઉપલબ્ધ છે.

મુંદ્રા(કચ્છ)નો નવલખો મહેલ એની કાષ્ઠકલાકારીગરી માટે પ્રસિદ્ધ છે. બંને બાજુ નીકળતી ફાલનાઓ અને તેમાંથી નીકળતાં સમૃદ્ધ ફૂલવેલ અહીંના સ્તંભની શોભા છે. મયૂરની ડોક જેવા કાટખૂણિયા કાષ્ઠકારીગરીના સમૃદ્ધ નમૂના છે.

ધોળકામાં આવેલી સ્વામિનારાયણ મંદિરની હવેલીની પડાળી અને સભામંડપોના સ્તંભો પરનાં શિલ્પોના ટોચ ભાગમાં વિવિધ આકૃતિઓ જેવી કે વ્યાલ, ફૂલવેલની ભાતો, સુરસુંદરીઓ તથા માનવઆકૃતિઓ શોભે છે. અહીં મરાઠી લેબાસમાં સજ્જ એવા દ્વારપાલના શિલ્પને કાટખૂણિયામાં રજૂ કરેલું છે. તેનું દેહસૌષ્ઠવ સપ્રમાણ અને વાસ્તવદર્શી છે. તેને અનુરૂપ રંગકામ નોંધપાત્ર છે. અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણના પ્રાંગણમાં ચાર માળ ઊંચી, ઉત્તમ પ્રકારની કાષ્ઠકલાકારીગરીવાળી હવેલી છે. તેના સભામંડપના ઊંચા સ્તંભો પર ગોઠવેલા વિશાળ કાટખૂણિયા માનવકદની અને નાનીમોટી અનેક પ્રકારની આકૃતિઓથી સુશોભિત છે. એમાં બીજાં ધ્યાન ખેંચે તેવાં કાષ્ઠશિલ્પોમાં પ્રસન્ન હનુમાન, લાલ ચકરી દક્ષિણી પાઘડી ધારણ કરેલા શ્રીગણેશ, સિંહવ્યાલ, ગજવ્યાલ, પત્રાવલિ, ફૂલવેલની અનેક ડિઝાઇનો, વાનરસમૂહ, યોદ્ધા વગેરે છે. સ્તંભોના ઉપરના ભાગ જુદી જુદી ચોરસ ભૌમિતિક ભાતોની ઝીણી કોતરણીથી કંડારેલા છે. આ મંદિરની સ્ત્રીઓ માટેની હવેલી ગુજરાતના પરંપરાગત હવેલીસ્થાપત્યનો સારો નમૂનો છે. મૂળી(જિ. સુરેન્દ્રનગર)ના સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્ત્રીઓના આવાસો માટેની કાષ્ઠકલાયુક્ત હવેલી અત્યંત કલાત્મક છે. ધોલેરા, જેતલપુર, વડતાલ વગેરે સ્થળોએ આવેલાં સ્વામિનારાયણનાં મંદિરોની હવેલીઓ, સભામંડપ, સાધુસંતોના આવાસો વગેરે આ પ્રકારનાં વિવિધ કાષ્ઠસ્થાપત્યનાં કલાત્મક અંગોથી શોભે છે.

આગળ જતાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિલાયતી બાંધણીનાં મકાનો, મહેલો અને બાંધકામ વધતાં કલાત્મક મદલો અને શિરાવટીઓથી યુક્ત પરંપરાગત સ્તંભોનો ઉપયોગ ઓછો થવા લાગ્યો અને તેનું સ્થાન વિક્ટોરિયન શૈલીએ લીધું.

ગુજરાતના આદિવાસીઓમાં પણ કાષ્ઠકલાનાં અનેક રમકડાં, દેવદેવીઓની મૂર્તિઓ વગેરે પ્રચલિત છે. છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓએ લાકડામાંથી બનાવેલા બાબલાદેવનું શિલ્પ નોંધપાત્ર છે. બાબલાદેવના વાળની ઢબ, વસ્ત્રપરિધાન વગેરે જોતાં તે કોઈ ઇજિપ્શિયન દેવ હોય એમ લાગે છે.

ઘરના ઉપયોગમાં લેવાતાં કાષ્ઠનાં અન્ય રાચરચીલાં  પટારા, મજબૂત મંજૂષા, ડામચિયા, ઘંટીનાં થાળાં, પલંગ-કબાટ વગેરે વિદેશી ભાતોવાળી અને ગુજરાતની પરંપરાગત ભાતોવાળી કોતરણીથી શોભિત હોય છે. છતાં પણ કલાના શ્રેષ્ઠ નમૂના જૂનાં મંદિરોના દરવાજા અને થાંભલામાં મળે છે. પ્રાકૃતિક ડિઝાઇનનું કોતરકામ ટોડલા વગેરેમાં તથા જૂનાં રાચરચીલાં જેવાં કે ઘોડિયાં, કબાટ તેમજ ચબૂતરા, મકાનો, મંદિરો વગેરેમાં હોય છે. ઘોડા, હાથી, ઊંટ વગેરે તથા નાનકડાં રમકડાં અને સુંદર રંગીન મૂર્તિઓ કલાકારોની નિપુણતા બતાવે છે. વીસનગર, વડોદરા, મહુવા અને બીલીમોરા પણ કાષ્ઠકામ માટે જાણીતાં છે. સુંદર કોતરકામની મનને પ્રફુલ્લિત કરે તેવી વિવિધ ડિઝાઇનો ગુજરાતની કાષ્ઠકલાનો અમર વારસો છે.

પ્રિયબાળાબહેન શાહ